Sunday, March 1, 2020

Viewing Angle


એક સવાલ ઉપર નજર નાંખીએ......અગર આપણે ટેલિસ્કોપ વડે શનિ ગ્રહ(કે જે પૃથ્વીથી લગભગ એક અબજ કિલોમીટર દૂર છે) ને જોઇ શકીએ છીએ તો ચંદ્ર(કે જે પૃથ્વીથી ફક્ત ચાર લાખ કિલોમીટર દૂર છે) ઉપર લાગેલ ઝંડાને કેમ નથી જોઇ શકતા? વધુમાં ઉમેરીએ તો....અગર હબલ ટેલિસ્કોપ વિભિન્ન આકાશગંગાઓની તસવીરો લઇ શકતું હોય(કે જે આપણાંથી ઘણી-ઘણી દૂર છે) તો આપણાં ચંદ્રની હાઇ રિઝોલ્યુશન તસવીરો કેમ નથી લઇ શકતું?
-
આ પ્રશ્નનો જવાબ જાણવા પહેલાં એક સવાલનો જવાબ આપો.....
પ્રશ્ન:- આપ જ્યારે સડક પાસે ઉભા છો તો આપને કઇ વસ્તુ બહેતર દેખાશે--
(1) એક કિલોમીટર દૂર સ્થિત બહુમાળી બિલ્ડીંગ.
(2) દસ મીટર દૂર ઉભેલી ટેક્સીની હેડલાઇટ.
સ્વાભાવિક છે કે આપ બિલ્ડીંગને બહેતર રીતે જોઇ શકશો. ભલે તે એક કિલોમીટર દૂર છે પરંતુ તેનો આકાર હેડલાઇટની તુલનાએ ઘણો મોટો છે. મોટા આકારને કારણે તેનો દ્રશ્યકોણ(Viewing Angle) મોટો છે. ઇમેજને ફરી જુઓ અને નીચેના દ્રષ્ટાંત દ્વારા દ્રશ્યકોણને સમજો.
-
tanθ=object/distance,
અગર કોણ ઘણો નાનો હોય તો આ સૂત્ર આ પ્રમાણેનું થશે...θ=object/distance. આ મુજબ દ્રશ્યકોણ, વસ્તુના અંતર અને તેના આકાર ઉપર નિર્ભર કરે છે. હવે માની લો કે આપણે કોઇ ગેલેક્ષી હબલ ટેલિસ્કોપ વડે જોઇએ છીએ જે 10 બિલિયન પ્રકાશવર્ષ દૂર છે અને તેનો આકાર 0.0001 બિલિયન પ્રકાશવર્ષ છે. તો તેનો દ્રશ્યકોણ થશે θ=0.0001/10 =0.00001. ઘણો નાનો છે છતાં હબલની કેપેસિટી ઘણી વધુ છે માટે તે આને ઉચ્ચસ્તરે zoom કરીને જોઇ શકે છે. હવે માની લો કે આપણે ચંદ્રનો ઝંડો જોવો છે જેનો આકાર ધારોકે 4 મીટર છે, તો તેનો દ્રશ્યકોણ થશે θ=4/384400000 =0.0000000104. આટલા ઓછા દ્રશ્યકોણને આપ કેટલું zoom કરશો?
-
હવે શનિનું ઉદાહરણ જોઇએ.....શનિનો વ્યાસ 1 લાખ કિલોમીટર થી વધુ છે અને તે પૃથ્વીથી લગભગ એક અબજ કિલોમીટર દૂર છે. એનો મતલબ એમ થયો કે શનિનો વ્યાસ તેના અંતર કરતા દસ હજાર ગણો નાનો છે. જ્યારે ચંદ્ર પૃથ્વીથી ચાર લાખ કિલોમીટર દૂર છે અને તેની ઉપર સ્થિત ઝંડો 4 મીટરનો છે. એ હિસાબે ઝંડો તેના અંતર કરતા દસ કરોડ ગણો નાનો છે. તેથી તે ઝંડાને જોવા માટે શનિના દર્શન કરવા માટે વપરાતા ટેલિસ્કોપ કરતાં દસ હજાર ગણો શક્તિશાળી ટેલિસ્કોપ જોઇએ. આ કારણે આપણે દૂરની ગેલેક્ષી તો જોઇ શકીએ છીએ પરંતુ ચંદ્રને વધુ સ્વચ્છ રીતે નથી જોઇ શકતા. એટલા માટે આપણને આપણાં સૂર્યમંડળના ગ્રહોને જાણવા માટે અલગથી ટેલિસ્કોપ તેમની ઓર્બિટમાં મોકલવા પડે છે.

No comments:

Post a Comment