ડોડોનું નામ સાંભળ્યું છે? તે મોરિશિયસનું રહેવાસી તેમજ દુનિયાના વિશાળકાય પક્ષીઓમાં સ્થાન પામેલ એક પક્ષી હતું. એક સમયે આ દ્વીપ ઉપર સસ્તન પ્રાણીઓ ન હતાં. પક્ષીઓની ઘણી પ્રજાતિઓ અહીં રહેતી હતી. ડોડો તેમાનું એક હતું. તેનું કોઇ દુશ્મન ન હતું. ફળ પર નભતું આ પક્ષીનું વજન આશરે 20 કિ.ગ્રા. સુધીનું હતું. દુશ્મન ન હોવાના કારણે તે ઉડવાનું પણ ભૂલી ચૂક્યુ હતું અને જમીન ઉપર જ માળો બનાવી તેમાં ઇંડા મુકતુ હતું.
-
મોરિશિયસ મસાલાના કારોબાર અંતર્ગત માર્ગમાં પડતું હતું. થોડા જ સમયમાં જહાજ યાત્રીઓ માટે તે એક મહત્વપૂર્ણ પડાવ બની ગયું. ત્યાંથી પસાર થતાં જહાજો ત્યાં રોકાવા લાગ્યાં અને ખોરાક માટે મોટા પાયે ડોડોનો શિકાર કરવા લાગ્યાં. સ્થિતિ તો તે સમયે વધુ વણસી જ્યારે ડચ લોકોએ પોતાના કેદીઓને નિર્વાસિત કરવા માટે આ દ્વીપનો ઉપયોગ શરૂ કર્યો. તેઓ પોતાની સાથે સુવર, વાનર જેવા જાનવરો પણ લેતા ગયાં. જહાજોમાં છુપાઇને ઉંદરો પણ ત્યાં મોટી સંખ્યામાં પહોંચવા માંડ્યાં. લગભગ સો વર્ષની અંદર ડોડોની સઘળી આબાદી નષ્ટ થઇ ગઇ. ડોડો સંપૂર્ણપણે વિલુપ્ત થયાં, ન કોઇ ફોટોગ્રાફ હતાં કે ન કોઇ નમુના સુરક્ષિત હતાં. જુની જાણકારીના આધારે થોડા ચિત્રો બનાવવામાં આવ્યાં(યાદરહે પોષ્ટની ઇમેજ કાલ્પનિક છે). લોકો ડોડોને ભૂલી ગયાં, પરંતુ અચાનક એવું કંઇક થયું કે લોકોને ડોડોની યાદ આવી(ફીર તેરી કહાની યાદ આઇ!!!)
-
થોડા વર્ષો પહેલાં વૈજ્ઞાનિકોએ પોતાના અધ્યયનમાં જોયું કે મોરિશિયસના એક ખાસ પ્રકારના વૃક્ષો હવે ઉગી નથી રહ્યાં. તેઓની સંખ્યા હવે ફક્ત 13 જ રહી જવા પામી. તે તમામ વૃક્ષોની ઉંમર ત્રણસો વર્ષ આસપાસની જણાઇ. યાદરહે આ વૃક્ષોની આયુ મર્યાદા પણ ત્રણસો વર્ષની જ છે. માટે બહુ જલ્દી આ તેર વૃક્ષો પણ ખતમ થવા પર છે. આમ થવાનું કારણ શું? એ સમયે થયેલ પ્રાકૃતિક તેમજ જૈવિક પરિવર્તનોના અભ્યાસ કરતા વૈજ્ઞાનિકોને ધ્યાનમાં આવ્યું કે આ એજ સમય હતો જ્યારે ડોડો પક્ષી પણ વિલુપ્ત થયું હતું.
-
સઘળી રહસ્યકથા વૈજ્ઞાનિકોને સમજાઇ. દરઅસલ થતું એવું હતું કે ડોડો આ વૃક્ષના ફળોને આરોગતુ હતું. તેના બીજને ડોડો પોતાની હગાર(dropping) દ્વારા બહાર નિકાલ કરી નાંખતું હતું. ફળોના બીજ ઉપર એક ખાસ પ્રકારનું પડ ચઢેલું રહેતું હતું. ડોડોનું પાચનતંત્ર આ પડને પચાવી નાંખતું હતું. જેના કારણે તેની હગાર દ્વારા નીકળેલ બીજમાંથી અંકુર ફુટતા હતાં. પરંતુ ડોડોની સમાપ્તિ થતાં બીજ ઉપર ચઢેલ આ પડને દૂર કરનાર કોઇ રહ્યું નહીં. પરિણામ સ્વરૂપ તેમાંથી અંકુર ફુટી શકતાં ન હતાં અને ધીમેધીમે નવા વૃક્ષોનું નિર્માણ અટકી ગયું.
-
કેટલાંક વિશેષજ્ઞોએ ડોડોની ભુમિકા માટે તૂર્કી મરઘાનો પ્રયોગ કર્યો. મરઘાને આ વૃક્ષના ફળ ખવડાવવામાં આવ્યાં. તેમના દ્વારા નિકાલ કરાયેલ બીજને વાવવામાં આવ્યાં પરિણામ ચમત્કારિક મળ્યાં, તેમાંથી અંકુરો ફુટવા માંડ્યાં. આ રીતે આ વૃક્ષોની આબાદીને બચાવવામાં વિશેષજ્ઞોને ઘણે અંશે સફળતા મળી. આ વૃક્ષોને હવે ડોડો ટ્રી પણ કહેવામાં આવે છે. પ્રકૃતિમાં કોઇપણ ચીજ એકલી નથી. હરએક નો અન્યો સાથે સબંધ જોડાયેલ છે. અગર એક ખતમ તો અન્યના અસ્તિત્વ ઉપર પણ સંકટના વાદળો છવાય જાય છે.

No comments:
Post a Comment