Thursday, March 5, 2020

સાવધાન સિનેમા!!! રાષ્ટ્રગીત તારો પીછો કરી રહ્યું છે.....

ચર્ચાનો મુદ્દો છે.....મરાઠી ફિલ્મ "ફંડ્રી(Fandry)". હાલના સમયમાં મરાઠી સિનેમા સઘળા ભારતમાં ઉલ્લેખનીય ફિલ્મો પ્રસ્તુત કરવાવાળો ફિલ્મઉદ્યોગ બની સામે આવ્યો છે. મજેદાર વાત છે કે નાગરાજ મંજુલે દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ભારતીય રાષ્ટ્રવાદ અને રાષ્ટ્ર-રાજ્યની સંસ્થાઓ દ્વારા હાંસિયામાં રખાયેલી વંચિત આબાદીને કરાયેલ વાયદાઓ અને તેમની અસફળતા, તેમના ધ્વસ્ત અવશેષોને પ્રતિકરૂપે દર્શાવવા માટે ક્લાઇમેક્સમાં એક અત્યંત નાટકીય પ્રસંગમાં રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ નો ઉપયોગ કરે છે.
-
ફિલ્મની પટકથા ટૂંકમાં....'ફંડ્રી' કિશોરવયના જાબ્યા(છોકરાનું નામ) ની કથા છે. જેનો પરિવાર ડુક્કર પકડવાનું કાર્ય કરે છે. જાબ્યાને આ કાર્ય પસંદ નથી. પરંતુ તેનાથી પણ મહત્વનું છે કે તે આ કાર્ય કરતા પોતાના સ્કૂલના સહપાઠીઓની નજરમાં આવવાથી બચવા માંગે છે. પરંતુ અંતત: તેને પોતાના વૃદ્ધ પિતાના દબાવમાં આ કાર્ય કરવું પડે છે. ફિલ્મનો અંત ખુબજ નાટકીય છે. તેના પિતા જે સ્વયં આ કાર્ય છોડી ચૂક્યા છે પરંતુ ગામના સવર્ણ સરપંચના દબાવ અને દિકરીના લગ્ન માટે પૈસાના પ્રબંધના દબાણવશ કાર્ય કરી રહ્યાં હોય છે.
-
ફિલ્મના અંતમાં જાબ્યા અને તેનો પરિવાર એક ડુક્કર પકડવા માટે જાય છે. જાબ્યાને અને તેના પરિવારને ડુક્કર પકડતા જોઇ તેના ગેરદલિત સાથીઓ તેની ઉપર હસે છે, ચીઢવે છે. હસવાવાળાની ભીડ માટે આ એક ખેલ જેવું છે. જાબ્યાથી આ અસહનીય અપમાન સહન નથી થાતું. તે ઇચ્છે છે કે આનો તુરંત અંત આવે. પરંતુ તેના માટે જરૂરી છે તે ડુક્કરનું પકડાવું. અંતે સમગ્ર પરિવાર મળી તે ડુક્કરને ઘેરી લે છે અને જાબ્યા ડુક્કરને પકડવાનોજ હોય છે ત્યાં નજીકની સ્કૂલના ભીતરથી રાષ્ટ્રગીત ગાવાનો અવાજ સંભળાય છે. જાબ્યા અને તેનો પરિવાર પોતાની જગ્યાએ સ્થિર થઇ જાય છે અને ડુક્કર છટકીને ભાગી જાય છે(સિનેમા હોલમાં તાળીઓનો ગડગડાટ).
-
હવે સમીક્ષા....અહીં રાષ્ટ્રગીતની સટીક ઉપસ્થિતિ એક વિડંબણા છે અને આ વિડંબણા આધુનિક રાષ્ટ્ર અને તેના દ્વારા પોતાના નાગરિકોને એકનિષ્ઠ રાષ્ટ્રભક્તિ માટે કરાયેલ બરાબરીના વાયદાની પોલ ખોલી દે છે. અહીં દલિત અસ્મિતાને રાષ્ટ્રના મહાવૃતાંતમાં અનુકૂલિત કરવાને બદલે ફંડ્રી ઘણાં સુક્ષ્મ સ્તરે આ પ્રકારના અનુકૂલનના પાછળ છુપાયેલ વિડંબણાને આપણી સામે લાવે છે. ફંડ્રી એ સમજવા માટે બહેતર ઉદાહરણ છે કે કઇરીતે સામંતી વ્યવસ્થામાંથી નીકળેલ જાતિભેદની અસમાન વ્યવસ્થાનું, સર્વેને બરાબરીનો દાવો ઠોકવાવાળા આધુનિક રાષ્ટ્રની ભીતર અનુકૂલન થઇ જાય છે.
-
જાતિ આધારિત સ્તરીકરણમાં ડુક્કર પકડવું અને સમગ્ર ગામની ગંદકીની સફાઇ જેવા કાર્યો દલિત સમુદાયની વચ્ચે વહેંચી દેવાયા છે. તેમજ આધુનિક સમયમાં જ્યારે આ કાર્યો આ સમુદાય છોડવા માંગે છે, તો સમાજની સત્તા વ્યવસ્થા તેને શક્ય નથી થવા દેતી. ફિલ્મ બતાવે છે કે....ભારત જેવા દેશમાં સમાનતાની ગુલબાંગો સ્કૂલ જેવી સંસ્થાઓની ચાર દિવાલોમાંથી કદી બહાર જ નથી આવતી અને ક્યારેક આવે છે તો વંચિતોને કંઇક આપવા માટે નહીં પરંતુ ત્યાગ માંગવા માટે આવે છે. અફસોસ કે રાષ્ટ્રવાદનો આ જુગાર હંમેશા શોષિતના ખભે જ રમવામાં આવે છે અને જો તે ઇનકાર કરે તો તુરંતજ દેશદ્રોહી ઘોષિત કરવામાં આવે છે.
-
તાળીઓ પાડતાં દર્શકોને જ્યારે તાળીનું કારણ પુછવામાં આવ્યું તો મોટાભાગના દર્શકોએ તાળીનું કારણ રાષ્ટ્રગીતની ધૂન પર સાવધાનની મુદ્રામાં ઉભેલા જાબ્યાની સ્થિતિને ગણાવ્યું કે.....વાહ છોકરાએ કમાલ કરી દીધો. રાષ્ટ્રગીતની મર્યાદા જાળવી. સ્પષ્ટ છે કે જે પ્રસંગને આપણે રાષ્ટ્ર અને લોકશાહી વ્યવસ્થાની અસફળતાના સૌથી મોટા પ્રતિકના રૂપમાં જોતા હોઇએ તેજ પ્રસંગને કોઇ અન્ય રાષ્ટ્રવાદના વિજયરથની જીતના રૂપે જોતો હોય છે.
-
ખરેખર હવે માનવું પડે કે આપણે બધાં એક ફિલ્મ અલગ-અલગ દ્રષ્ટિકોણથી જોઇએ છીએ. આપણી પ્રતિક્રિયા એ વાત ઉપર નિર્ભર રહે છે કે આપણે ફિલ્મના કયા પાત્રને ખુદ સાથે જોડીએ છીએ. આજે લોકપ્રિય સિનેમા ભલે એક એકમ હોય પરંતુ તેના જેટલા પણ દર્શકો છે તેઓ તેટલાજ પ્રકારની સિનેમા છે.

(મિહીર દ્વારા)

No comments:

Post a Comment