Thursday, March 12, 2020

ઇ-સિગારેટ


શું છે આ ઇ-સિગારેટ? સામાન્ય સિગારેટ અને ઇ-સિગારેટ વચ્ચે શું ફરક છે? સરકારે ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ કેમ લગાવ્યો? ચાલો ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ લગાવ્યો, વાંધો નહીં પરંતુ સરકાર સામાન્ય સિગારેટ ઉપર પ્રતિબંધ કેમ લગાવતી નથી? આવો જોઇએ.....
-
ઇ-સિગારેટને સમજવા પહેલાં થોડું ધુમ્રપાન ઉપર નજર કરી લઇએ. ધુમ્રપાનના અનેક દુષ્પરિણામો છે. જેનાથી હરકોઇ વાકેફ છે. સિગારેટ પીનારને પણ ખબર છે કે તે હાનિકારક છે છતાં છોડી નથી શકતો જેનું કારણ છે નિકોટીન. આ એક રસાયણ છે જે તંબાકુમાં મૌજૂદ હોય છે અને ધુમાડાના કશ દ્વારા ફેફસામાં થઇને લોહીમાં ભળે છે. યાદરહે નિકોટીનથી કેન્સર નથી થતું. કેન્સરનું કારણ છે બીડી-સિગારેટમાં મૌજૂદ ટાર.
-
આધુનિક ઇ-સિગારેટ ચીનના એક ફાર્માસિસ્ટ હોન લિકની દેન છે. એમણે પેટેન્ટ કરાવી 2003 માં બજારમાં ઉતારી. ત્યારથી ઇ-સિગારેટ વિવિધ સ્વરૂપે દુનિયાભરમાં ઉપલબ્ધ છે. જેમાં એક બેટરી હોય છે અને તેની ભીતર વિવિધ પ્રકારના રસાયણોનું તરલ મિશ્રણ ભરેલુ હોય છે. heating element આ દ્રવ્યને બાસ્પીકૃત કરે છે. આ વરાળને પીનાર શરીરની ભીતર ખેંચે છે. ઇ-સિગારેટમાં ટાર નથી હોતું તેમજ ઘણી ઇ-સિગારેટો નિકોટીન મુક્ત પણ હોય છે. માટે ઘુમ્રપાન છોડનાર માટે તે આશિર્વાદરૂપ ગણાય છે.
-
પરંતુ મેટર એટલી સરળ નથી જેટલી દેખાય છે. આનુ ઉલ્ટું પણ થાય છે. યુવાનો ઇ-સિગારેટથી નશો શરૂ કરી બાદમાં પારંપરિક સિગરેટો સુધી પહોંચી જાય છે. આ પ્રમાણે જોઇએ તો ઇ-સિગારેટ લત છોડાવવાને બદલે લત લગાડવાનું કાર્ય પણ કરે છે. ભલે ઇ-સિગારેટ તમાકુના સેવન કરતા ઓછી નુકસાનકર્તા હોય છતાં તેના માનસિક-શારીરિક ખતરાઓ તો હોય જ છે. તેથી ઘણાં દેશોમાં તે પ્રતિબંધિત છે.
-
હવે સવાલ એ રહે છે કે તો પછી સરકાર બીડી-સિગારેટોના ઉત્પાદન ઉપર જ સીધો પ્રતિબંધ કેમ નથી લગાડતી? આની પાછળનું કારણ સમજવા જેવું છે. ભારત સરકાર અને તેની વિવિધ કંપનીઓ દેશની સૌથી મોટી સિગારેટ કંપની ITC(India Tobacco Company) માં 28.64% સાથે સૌથી મોટી શેર હોલ્ડર છે. ઇ-સિગારેટ પ્રતિબંધનો ફાયદો સામાન્ય સિગારેટ વેચવાવાળી કંપનીઓને જ થયો. ઘોષણાની સાથે જ ITC ના શેરની કિંમત વધી. જેનાથી સરકારની 11.79 લાખ કરોડની મહેસુલી આવક અકબંધ રહી. આ વ્યવસાય સાથે 4.5 કરોડ લોકો જોડાયેલા છે. ભારતમાં સિગારેટ ઉપર 53% ટેક્ષ છે. મતલબ સિગારેટની કિંમતનો અડધાથી વધુ હિસ્સો સરકાર લઇ લે છે. માટેજ સરકાર પ્રતિબંધ લાદવાની જગ્યાએ હરવર્ષ નફો કમાવવા માટે ટેક્ષ વધાર્યે જાય છે.

No comments:

Post a Comment