Thursday, March 12, 2020

પનામા પેપર

પનામા પેપર શું હતાં? કોણે પનામા પેપરના ડેટા લીક કર્યા? જે ન્યુઝ એજન્સીને આ ડેટા મળ્યાં તેણે એકલા હાથે પોતે કેમ આ ડેટા ઉપર સંશોધન ન કર્યું? આ ડેટામાં અમિતાભ બચ્ચનનું પણ નામ બહાર આવ્યું પરંતુ શું આપને ખબર છે કે આ ડેટામાં જેમના નામ સામેલ છે તેમની આગળ અમિતાભ બચ્ચનની તો કોઇ વિસાત જ નથી. કોના કોના નામો સામેલ છે તેમાં?
-
પનામા પેપરને સમજવા અગાઉ સૌપ્રથમ એ જાણવું પડે કે shell કંપની કે offshore કંપની એટલે શું? શેલ કંપની કેવીરીતે બને છે? શેલ કંપની કોઇપણ વ્યક્તિ કેવીરીતે શરૂ કરી શકે છે? શેલ કંપની દ્વારા ગેરકાયદેસર કામ કેવીરીતે પાર પાડવામાં આવે છે? ચાલો જોઇએ....ઓફશોર કંપની કોઇપણ બનાવી શકે છે, તે બનાવવું કોઇ ગુનો નથી. બલ્કે ઘણીવખત તો કંપની ધંધા માટે ઘણી ફાયદેમંદ હોય છે. ઉદાહરણ તરીકે મારો બૂટ બનાવવાનો ધંધો છે અને દુબઇમાં મારે export કરવું છે, તો મારા માટે એ ફાયદેમંદ રહેશે કે મારી એક ઓફશોર કંપની દુબઇમાં હોય. હવે માની લો કે ત્યાંની કોઇ કંપનીને દસ હજાર બૂટ જોઇએ છે અને તેના માટે તે ટેન્ડર બહાર પાડે છે. પરંતુ હું એ ટેન્ડરનો હિસ્સો નથી બની શકતો કેમકે મારી કંપની ત્યાં રજીસ્ટર્ડ નથી.
-
માટે જરૂરી છે કે હું દુબઇમાં પણ એક કંપની શરૂ કરૂં. પરંતુ મારી પાસે એટલા પૈસા નથી કે હું ઓફીસ, સ્ટાફ, ભાડુ વગેરે ચૂકવી શકું. માટે હું એક virtual(પ્રત્યક્ષ પણ હકિકતમાં નહીં) ઓફીસ અથવા શેલ કંપની ખોલી નાંખુ છું. આ કંપની એકરીતની નાની કેબિન હોય છે(ઘણાં કિસ્સામાં તો તે પણ નહીં). જે કાયદેસર હોય છે. સ્ટાફની પણ એવી કોઇ જરૂરિયાત નથી હોતી. ત્યાં રહેલાં ફોન ઉપર જે કોલ આવે તે મારા મોબાઇલમાં અહીંયા ડાયવર્ટ થઇ જાય છે. આનો ફાયદો એ છે કે હવે હું તે ટેન્ડરનો હિસ્સો બની શકું છું અને નફો રળી શકું છું.
-
પરંતુ ધારોકે હું નથી ઇચ્છતો કે મારા નામે કોઇ કંપની ખોલે. માટે હું દુબઇ રહેતાં એક શખ્સ સાથે વાત કરી તેને જણાવું કે તે તેના પોતાના નામે એક કંપની ખોલે અને તે પોતેજ તેનો CEO બની જાય. પણ તેના અને મારા દરમિયાન એક લેખિત દસ્તાવેજ લખાય જાય કે તે કંપનીનો અસલ માલિક હું છું. આવું કરવાની જરૂર શા માટે પડે? ઘણાં કારણો હોય છે તેની પાછળ. જેમકે ત્યાંની સરકાર કોઇ લોકલ વ્યક્તિના માલિકીપણાની ડિમાન્ડ કરતી હોય અથવા તો મારી કંપની ત્યાં બ્લેક લિસ્ટેડ હોય વગેરે.
-
તો આટલી પ્રસ્તાવના બાદ સવાલ એ ઉઠે છે કે સઘળો મામલો ગેરકાનૂની નથી તો પછી કેમ શેલ કંપનીઓને શંકાની નજરે જોવામાં આવે છે? તેનું મુખ્ય કારણ છે તેનો ઉપયોગ ખોટા કામ માટે પણ થઇ શકે છે. જેમકે Tax avoidance એટલેકે ટેક્ષચોરી, money laundering એટલેકે પૈસાની અવૈદ્ય હેરાફેરી/ કાળુ નાણું સફેદ કરવું વગેરે. તેનો દૂરપયોગ કઇરીતે થાય તે પહેલાં એ જોઇ લઇએ કે આપ એક ઓફશોર કંપની કઇરીતે બનાવી શકો છો?
-
ઉદાહરણ તરીકે.....આપ ઇચ્છો છો કે પનામા આઇલેન્ડમાં એક કંપની શરૂ કરૂં. પરંતુ ત્યાં તમને કોઇ ઓળખતું નથી. માટે આપ ત્યાંની ઘણી law firm એટલેકે કંપનીઓનો સંપર્ક કરો છો. આ કંપનીઓ એવી ઓફર આપે છે કે....અમે આપના કાયદાકીય મેટરને જોઇ લઇશું, આપ ફક્ત એ કહો કે આપને કઇ પ્રકારની કંપની શરૂ કરવી છે. ત્યારપછી તે law firm આપના સઘળા ડોક્યુમેન્ટસને પ્રોસેસ કરે છે અને પુછે છે કે કંપની કોના નામે શરૂ કરવી છે? આપ ચાહો તો પોતાનું નામ પણ આપી શકો છો અથવા ધારોકે આપને આપનું નામ ગુપ્ત રાખવું હોય તો કોઇપણ જાણીતું નામ જેમકે દોસ્ત, નોકર કે રસોઇયાના નામે પણ કંપની શરૂ કરી શકો છો.
-
અંતે એકથી બે અઠવાડિયાની અંદર આપની કંપની શરૂ થઇ જાય છે. આ કંપનીની ન કોઇ ઓફીસ હોય છે કે ન કોઇ કર્મચારી, ફક્ત બેન્ક એકાઉન્ટ હોય છે અને ડોક્યુમેન્ટ. ત્યાંના નિયમો ઘણાં હળવા છે કેમકે તેઓ ઇચ્છે છે કે વધુમાં વધુ લોકો તેમના દેશમાં ધંધો શરૂ કરે. તેથી આ દેશોમાં કોર્પોરેટ ટેક્ષ ઝીરો અથવા ન્યૂનતમ હોય છે. આ પ્રકારની સગવડતા ફક્ત પનામા માંજ નહીં બલ્કે ઘણાં દેશોમાં છે. જેમકે.....Luxembourg, Ireland, Switzerland, Bermuda, Hong Kong, Netherland, Singapore, Puerto Rico, Dubai વગેરે.
-
હવે એ જોઇએ કે ઓફશોર કંપની વડે ટેક્ષ કેવીરીતે બચાવવામાં આવે છે. યાદ રહે અહીં વાત થઇ રહી છે મોટી કંપની(corporation) ની, કેમકે આ બધી પળોજણ નાની કંપનીઓ માટે નથી. ધારોકે હું એક કંપની બનાવું છું જેનું નામ છે XYZ. આ કંપની પાણી ખેંચવા માટેની મોટર બનાવે છે. જે ટેકનોલોજીનો ઉપયોગ આ કંપની કરે છે તે તેણે ખુદ બનાવી છે. કંપનીનું વર્ષ પૂર્ણ થવાની આરે છે અને કંપનીએ દસ કરોડનો નફો કર્યો છે. ભારતમાં કોર્પોરેટ ઇન્કમ ટેક્ષ લગભગ 30% જેટલો છે. એ હિસાબે કંપનીએ ત્રણ કરોડ જેટલો ટેક્ષ સરકારને આપવો પડે.
-
જે કંપની બિલકુલ પણ નથી ઇચ્છતી. માટે XYZ એક ઓફશોર કંપની દુબઇમાં પણ શરૂ કરે છે અને સરકારને જણાવે છે કે જે ટેકનોલોજીનો અમે ઉપયોગ કરીએ છીએ તે દુબઇની કંપનીએ બનાવી છે. તેના પેટન્ટ દુબઇ સ્થિત કંપની પાસે છે. જેના રિસર્ચ અને ડેવલોપમેન્ટ પેટે અમારે તે કંપનીને સાડા નવ કરોડ રૂપીયા ચૂકવવાના છે. અંતે XYZ દુબઇની કંપનીને તે પેમેન્ટ ટ્રાન્સફર કરી દે છે. તેથી XYZ નો નફો હવે ફક્ત 50 લાખ જ રહે છે અને તે પેટે ચૂકવવાનો ટેક્ષ થાય 15 લાખ. 3 કરોડની સામે ફક્ત 15 લાખ એટલેકે XYZ 2 કરોડ 85 લાખ રૂપીયા બચાવી લે છે. આ રીતે ટેક્ષની ચોરી થાય છે. હવે જોઇએ કે કાળુ નાણું કઇરીતે સફેદ કરવામાં આવે છે.
-
ધારોકે ભારતમાં તમે કોઇ વિદેશી કંપનીનું ટેન્ડર પાસ કરાવી દીધું. બદલામાં તે કંપની આપને એક કરોડ રૂપીયા આપે છે. પરંતુ તે નાણાં આપ સીધા આપના એકાઉન્ટમાં જમા નથી કરાવી શકતાં. કેમકે આટલી રકમ આવી ક્યાંથી? નો જવાબ આપવો પડે. માટે આપ તે કંપનીને કહો છો કે દુબઇમાં મારી એક ઓફશોર કંપની છે તેના એકાઉન્ટમાં આ પૈસા નાંખી દો. આનાથી બન્નેને ફાયદો થાય છે. તે કંપની પોતાના એકાઉન્ટમાં તે રકમને કોઇ પેમેન્ટના રૂપમાં દર્શાવી શકે છે. તેમજ આપનો ફાયદો એ છે કે પૈસા આપના એકાઉન્ટમાં આવી ગયા ખામોશીથી.
-
આ પૈસાનો બે રીતે ઉપયોગ કરી શકાય. (1) યા તો આપ ફેમિલી સાથે દુબઇ ફરવા જાઓ અને ખુબ મોજ કરી તે પૈસા વાપરો. (2) પરંતુ અગર તે જ પૈસા ભારતમાં પરત આપને જોઇએ તો એક NGO ખોલી નાંખો અને તે NGO ના એકાઉન્ટમાં પોતાની ઓફશોર કંપનીથી ડોનેશનના નામે રકમ ટ્રાન્સફર કરી દો. કાળુ નાણું સફેદ થઇ ગયું(યાદરહે સઘળા NGO આવા કાર્ય માટેજ બન્યા છે એવો ઉદ્દેશ્ય હરગીઝ નથી. આ ફક્ત એક સરળ ઉદાહરણ છે). તો ઓફશોર કંપનીઓ દ્વારા આવા કાર્યો કરી શકાય છે.
-
પનામા પેપરનો સબંધ પનામા ગવર્મેન્ટ સાથે નથી પરંતુ પનામામાં મૌજૂદ એક law firm સાથે છે. જેનું નામ છે MOSSACK FONSECA(મોઝેક ફોન્સેકા). આ કંપની એવીરીતે જ લોકોને ઓફશોર કંપની ખોલી આપે છે જે રીત આપણે અગાઉ પોષ્ટમાં જોઇ ગયાં. પનામા આઇલેન્ડના નિયમો એટલા કડક નથી. જેનો મોઝેક ફોન્સેકાએ ભરપુર ફાયદો ઉઠાવીને ધડાધડ કંપની ખોલવાનું શરૂ કરી દીધું. તેઓ ફક્ત કંપનીઓ જ ખોલતાં ન હતાં પરંતુ તેમાં કામ કરનાર કર્મચારીઓની પણ પોતાની રીતે નિમણૂક કર્યે રાખતા હતાં. જેની તેઓ અન્ય કંપનીઓ પાસે તગડી ફી વસુલતા હતાં. કોઇ પ્રકારની પુછતાછ થતી નહોતી. અગર કોઇ કારણોસર સરકારી પુછતાછ થઇ જાય તો પણ કોઇ ફરક પડે એમ નહતો કેમકે ડોક્યુમેન્ટમાં તો ડમી નામે ધંધો થઇ રહ્યો હતો. મોઝેક ફોન્સેકા પ્રાઇવસી બાબતે એટલી કડક હતી કે કોઇપણ client નું નામ તેમજ તેની વિગત કોઇને આપતી નહતી. માટે ભ્રષ્ટાચારીઓની તે માનીતી કંપની હતી.
-
હવે થાય છે એવું કે એક શખ્સ જેનું સાચું નામ તો હજુસુધી કોઇને પણ નથી ખબર પરંતુ જે નામે તેની ઓળખ કરાઇ તે નામ છે John Doe(જોન ડો), જર્મન ન્યુઝપેપર Suddeutsche Zeitung(સુડેત્સ્ચે ઝેઇટોન્ગ) ના એક પત્રકાર Bastian Obermayer(બેસ્ટીઅન ઓબેરમાયર) ને મળે છે તેમજ કહે છે કે મારી પાસે થોડાં ડેટા છે અને હું તેને તમારી સાથે share કરવા માંગુ છું. મંજૂરી બાદ જોન ડો એ 2.6 ટેરાબાઇટના ડેટા જેમાં એક કરોડ પંદર લાખ ડોક્યુમેન્ટસ, 48 લાખ ઇમેલ, 30 લાખ database ફોર્મેટ, 21 લાખ PDF, 11 લાખ તસવીરો વગેરે સામેલ હતું(જુઓ ઇમેજ) તે બેસ્ટીઅનને આપે છે.
-
જ્યારે બેસ્ટીઅને તે ડેટાને જોવાનું શરૂ કર્યું તો તેની આંખો પહોળી થઇ ગઇ. તેને તે ડેટામાંથી વિવિધ કંપનીના ડોક્યુમેન્ટ્સ મળ્યાં, પાસપોર્ટની કોપીઓ મળી તેમજ ઘણાં એવા નામો મળ્યા જેમને વાંચી તેને અંદાજો આવી ગયો કે મામલો ઘણો ગંભીર છે. તેને એ પણ ખ્યાલ આવી ગયો કે તે એકલો સઘળી પ્રક્રિયાને ન્યાય આપી શકે એમ ન હતો. માટે તેણે ICIJ(International Consortium of Investigative Journalists) નો સંપર્ક સાધ્યો. ICIJ એક આખુ ગ્રુપ છે ખોજી પત્રકારોનું. તકલીફ તેમની સમક્ષ આ સઘળા ડેટાની ખરાઇ કરવાની ઉભી થઇ. માટે તેમણે નક્કી કર્યું કે તેઓ પોતાના નેટવર્કને સક્રિય કરશે અને ગુપ્ત બાતમી જે દેશની હશે તેની ઉપર તે જ દેશનો પત્રકાર કામ કરશે. ICIJ ના ગ્રુપમાં ભારત વતી જે ખોજી પત્રકાર હતી તેનું નામ હતું રીતુ સરીન અને પાકિસ્તાન વતી પત્રકાર હતાં ઉમર ચીમા.
-
પનામા પેપરમાં જે નામો હતાં તેમની સામે અમિતાભ બચ્ચનની તો કોઇ વિસાત જ નથી. તે નામો છે.....આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ Mauricio Macri, યુક્રેનના રાષ્ટ્રપતિ Petro Poroshenko, સાઉદી અરબના કિંગ સલમાન, ઇક્વાડોરના રાષ્ટ્રપતિ Rafael Correa, આઇસલેન્ડના વડાપ્રધાન, પાકિસ્તાનના નવાઝ શરીફ અને બેનઝીર ભુટ્ટો, ભારતના અમિતાભ બચ્ચન, અનુરાગ કેજરીવાલ, વિજય માલ્યા, ફુટબોલર મેસ્સી, પ્રેસિડન્ટ અને વાઇસ પ્રેસિડન્ટ ઓફ ફીફા, જેકી ચાન વગેરે. નામોનું લિસ્ટ એટલું બધુ લાંબુ છે કે તેનું વર્ણન કરવું શક્ય નથી. માટે તેની એક લિન્ક મૌજૂદ છે.
-
પનામા પેપર આપણને શું બતાવે છે? શું આ પેપર એ દર્શાવે છે કે અમીરો, નેતાઓ, ઉદ્યોગકારો ભ્રષ્ટાચાર કરે છે કે મની લોન્ડરીંગ કરે છે? જી...ના, આ વાત તો હરકોઇ જાણે છે. હકિકતે પનામા પેપર વડે એ જાણવા મળે છે કે આ લોકો ભ્રષ્ટાચાર કરે છે કઇરીતે? ટૂંકમાં પનામા પેપરે તે મિકેનિઝમ સામે લાવીને મુકી દીધું જેથી આપણને ખબર પડી કે તેઓ ભ્રષ્ટાચાર કરે તો છે........પરંતુ કઇરીતે?




No comments:

Post a Comment