Wednesday, March 11, 2020

Antibiotic

એન્ટીબાયોટિક શું હોય છે? તે કઇરીતે કાર્ય કરે છે? કેમ ઘણી એન્ટીબાયોટિક દવા સમય જતાં બેઅસર થઇ જાય છે? ચાલો જોઇએ.....
-
એક સમય હતો જ્યારે ટીબી એક જાનલેવા બિમારી હતી પરંતુ આજે પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. એવું તે શું થયું કે એક જાનલેવા બિમારી અચાનક જ પાંગળી બની ગઇ? આ શક્ય બન્યું એ જાદુઇ ગોળી વડે જેને આપણે એન્ટીબાયોટિક કહીએ છીએ. એન્ટીબાયોટિક Alexander Fleming એ 1928 માં શોધી(જુઓ ઇમેજ). એક દિવસ એમણે જોયું કે તેમની પ્રયોગ કરવાની ડીશમાં એક fungus(ફૂગ) થઇ ગઇ છે. જ્યાંજ્યાં આ ફંગસ મૌજૂદ હતી ત્યાંત્યાં બેક્ટીરિયા મરી ચૂક્યા હતાં. તેમણે રીસર્ચ દરમિયાન શોધી કાઢ્યું કે ફંગસ પેનિસિલિયમ(Penicillium) છે. આ રીતે દુનિયાની સૌપ્રથમ એન્ટીબાયોટિક Penicillin બની.
-
એન્ટીબાયોટિક બે પ્રકારની હોય છે. (1)Bactericidal:- જે બેક્ટીરિયાને મારી નાંખે છે. (2)Bacteriostatic:- જે બેક્ટીરિયાને મારતી નથી પરંતુ તેની વૃદ્ધિને રોકી દે છે. સૌપ્રથમ એક ચોખવટ કરી લઇએ....એન્ટીબાયોટિક ફક્ત બેક્ટીરિયા માટે હોય છે વાઇરસ માટે નહીં. કેમ? કારણકે મોટાભાગે બેક્ટીરિયા આપણાં શરીરમાં સંતાય જાય છે, છતાં તેઓ કોષ(cell)ની બહાર જ રહેતાં હોય છે. માટે એવી દવા બનાવવી શક્ય છે જે બેક્ટીરિયાને શોધીને તેમની સાથે ચોંટી જાય અથવા તેમની અંદર પ્રવેશી જાય. પરંતુ વાઇરસ આપણાં કોષોની ભીતર પ્રવેશી જાય છે અને પોતાનું ખાવું-પીવું, પોતાને એકમાંથી બે કરવું/ બે માંથી ચાર કરવું મતલબ પોતાની વૃદ્ધિ કરવી વગેરે આપણાં કોષની મદદથી જ કરે છે. માટે વાઇરસની વિરૂધ્ધ એન્ટીબાયોટિક બનાવવું ખૂબજ મુશ્કેલ છે.
-
Bacteriostatic બેક્ટીરિયાના એ હિસ્સા ઉપર ટાર્ગેટ કરે છે જેનાથી બેક્ટીરિયાની વૃદ્ધિ અટકી જાય. બેક્ટીરિયા ખુબ ઝડપથી Raplicate(વૃદ્ધિ) કરે છે. ઇન્ફેક્શન દરમિયાન તેમના વૃદ્ધિદરને રોકવું ગેમ ચેન્જર સાબિત થાય છે. કેમકે કેટલાંક બેક્ટીરિયા તો ફક્ત વીસ મિનિટમાંજ એકથી બે થઇ જાય છે. અગર આ વૃદ્ધિદર આપને ઘણો ધીમો લાગતો હોય તો જરા વિચારો....વીસ મિનિટમાં એકથી બે મતલબ પાંચ કલાકમાં પંદર હજારથી વધુ અને દસ કલાકમાં તો આ આંકડો પાંચ અબજ છત્રીસ કરોડ સુધી પહોંચી જાય છે. યાદરહે આ બધુ ફક્ત એકજ બેક્ટીરિયા વડે થાય છે અને તે પણ દસ કલાકની અંદર. માટે આપણાં શરીરને એક બેક્ટીરિયા સામે લડવું વધુ આસાન રહે નહીં કે પાંચ અબજ છત્રીસ કરોડ બેક્ટીરિયા સામે. તેથી એ ખુબ જરૂરી થઇ પડે છે કે તેમની વૃદ્ધિને રોકવામાં આવે.
-
હવે બેક્ટીરિયાને વિભાજન થતાં કઇરીતે રોકવા? ઘણાં રસ્તા છે જેમકે....(1) તેમની DNAની વૃદ્ધિને અટકાવવી. હર બેક્ટીરિયાએ વિભાજન થવા માટે પોતાના DNAને બનાવવા પડે છે. અગર બેક્ટીરિયાની આ પ્રોસેસને અટકાવવામાં આવે તો તે નવા DNA નહીં બનાવી શકે અને તેની વૃદ્ધિ અટકી જશે. (2) તેના metabolism એટલેકે ચયાપચયની ક્રિયાને રોકી દો. હર બેક્ટીરિયાને વધવા માટે ઇવન DNA બનાવવા માટે પ્રોટીનની જરૂર હોય છે. અગર તેની પ્રોટીન ડેવલપમેન્ટને અટકાવવામાં આવે તો પણ તેમની વૃદ્ધિ અટકી જશે. 
-
Bactericidal.....આ એન્ટીબાયોટિક તો સીધી બેક્ટીરિયાને મારી જ નાંખે છે. કઇરીતે? ચાલો જોઇએ....આપણાં કોષનો બાહરી સ્તર(outer layer) બેક્ટીરિયાના બાહરી સ્તરથી જુદો હોય છે(જુઓ

ઇમેજ). આપણાં કોષના બાહરી સ્તરને Cell Membrane કહે છે અને બેક્ટીરિયાના બાહરી સ્તરને Cell Wall કહે છે. દિલચશ્પ વાત છે કે બંન્નેની composition(રચના) અલગ હોય છે. માટે અગર આપણે કોઇ એવું રસાયણ કે ઘટક બનાવી લઇએ જે ફક્ત Cell Wallની જ compositionને તોડી નાંખે Cell Membraneની નહીં, તો આપણાં કોષને નુકસાની માંથી બચાવી શકાય. હવે અહીં આવે છે penicillin. જે Cell Wallને જ તોડી નાંખે છે(no cell wall means no bacteria!!). આ રીતે આપણે બેક્ટીરિયાને મારવા અથવા તેની વૃદ્ધિને અટકાવવા માટે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરીએ છીએ.
-
હવે તમને જરૂરથી એવું લાગશે કે પ્રથમ પ્રકાર જે બેક્ટીરિયાને સીધા યમલોક પહોંચાડી દે છે એજ ઉત્તમ ઉપાય છે. પણ.....પણ.....અહીં એક અડચણ છે. આપણાં શરીરમાં પણ ઘણાં એવા બેક્ટીરિયા હોય છે જે આપણાં છે. જેને normal flora કહે છે. આ બેક્ટીરિયા આપણી ત્વચા ઉપર, આંતરડામાં બલ્કે સમગ્ર શરીરમાંજ મૌજૂદ હોય છે. આ બેક્ટીરિયા આપણાં માટે ખુબજ મહત્વનો કિરદાર નિભાવે છે. જેમકે બીજા બેક્ટીરિયાને દૂર રાખવું, ખોરાકનું પાચન વગેરે. એન્ટીબાયોટિકના ઉપયોગથી આ બેક્ટીરિયા પણ મૃત્યુ પામે છે કે જે શરીર માટે સારી વાત નથી. માટે કહેવામાં આવે છે કે એન્ટીબાયોટિકને અંતિમ ઉપાય તરીકે જ આપવી જોઇએ.
-
અહીં વાત કરીએ ઉત્ક્રાંતિની. બેક્ટીરિયા ઉત્ક્રાંતિ પામે છે એટલેકે વિકસિત થાય છે અને ઉત્ક્રાંતિના નિયમ મુજબ જ્યારે તે વિકસિત થાય છે ત્યારે પોતાને બદલે પણ છે. એન્ટીબાયોટિકને કારણે બેક્ટીરિયા મૃત્યુ પામવા લાગ્યાં, પરંતુ જે બેક્ટીરિયા છુપાઇને બેઠા હતાં અથવા જેમની પાસે ડ્રગ ઓછી માત્રામાં પહોંચ્યુ તેમણે તે દવાથી શીખીને પોતાના DNAને modified કરી લીધાં. પરિણામ સ્વરૂપ બીજીવાર જ્યારે same એન્ટીબાયોટિક તે બેક્ટીરિયા ઉપર પ્રયોગ થઇ તો કોઇ જ પ્રભાવ ન પાડી શકી. અને અહીંથી શરૂ થઇ બેક્ટીરિયા અને મનુષ્યોની જંગ.
-
વૈજ્ઞાનિકોએ તેનાથી પણ વધુ બહેતર એન્ટીબાયોટિક બનાવી પરંતુ થોડા સમય પછી માલુમ પડ્યું કે બેક્ટીરિયાએ પોતાને mutate(પરિવર્તિત) કરી લીધાં. આ ચક્ર ચાલુ જ રહ્યું. પરિણામે આપણી આજની એન્ટીબાયોટિક hard થી hard થવા માંડી છે. કારણકે પુરાણી એન્ટીબાયોટિક કાર્ય જ નથી કરી શકતી. સામે નવી એન્ટીબાયોટિક એટલી બધી hard થઇ ગઇ છે કે તે આપણાં શરીરના બેક્ટીરિયા અને normal function ને પણ અસર કરે છે. જેના લીધે side effect વધવા માંડી.
-
અગર આપ ઇચ્છો કે બેક્ટીરિયાની વૃદ્ધિ પોતાને mutate ન કરે તો ખુબજ જરૂરી છે કે આપ એન્ટીબાયોટિકનો કોર્ષ પૂરો કરો. જે લોકો દસ-પંદર દિવસના કોર્ષને ચાર કે પાંચ દિવસ પછી બંધ કરી દે છે એમ સમજીને કે હવે તો હું સ્વસ્થ છું માટે મારે હવે એન્ટીબાયોટિકની જરૂર નથી, તેઓ ખરેખર છૂપાયેલા બેક્ટીરિયાને mutate થવાનો મોકો આપી રહ્યાં હોય છે. ટૂંકસાર...(1) એન્ટીબાયોટિકનો અંતિમ ઉપાય તરીકે જ ઉપયોગ કરવો જોઇએ. (2) અગર આપ એન્ટીબાયોટિકનો કોર્સ શરૂ કરી ચૂક્યા છો તો તેને રોકશો નહીં, જ્યાંસુધી ડોક્ટર આપને ન કહે.

No comments:

Post a Comment