Sunday, March 8, 2020

કિંગ કોંગ અને ગોડઝીલા

હોલીવુડની ફિલ્મોમાં કેટલાક જીવોને વિશાળકાય દર્શાવવામાં આવે છે, જેમકે કિંગ કોંગ અને ગોડઝીલા. પરંતુ શું પૃથ્વી પર આટલા વિશાળ જીવનું અસ્તિત્વ શક્ય છે? જવાબ છે....ના...કોઇપણ જીવના આકારની એક સીમા હોય છે જેમકે ડાયનાસોર. પૃથ્વી પર અત્યારસુધી થયેલા સૌથી વિશાળકાય ડાયનાસોરનું વજન લગભગ 80 ટન હતું અને સૌથી ઉંચા ડાયનાસોરની ઉંચાઇ લગભગ 60 ફૂટ સુધીની હતી. પરંતુ ફિલ્મોમાં બતાવ્યા મુજબ 385 ફૂટ ઉંચા અને 90000 ટન ભારે વજનવાળા ગોડઝીલાનું
કે કિંગ કોંગનું અસલ જીન્દગીમાં હોવું બાયોલોજીકલી અશક્ય છે(યાદરહે ગોડઝીલા કાલ્પનિક છે જ્યારે ડાયનાસોર વાસ્તવિક). કઇરીતે? ચાલો જોઇએ.....
-
કોઇપણ જીવને આપ દસ ગણો મોટો કરો તો તેનો ભાર(વજન) હજાર ગણો વધશે. કેમકે લંબાઇ, પહોળાઇ અને ઉંચાઇ ત્રણેયમાં દસ ગણો વધારો થશે(10X10X10=1000). કોઇપણ પ્રાણીની મજબૂતી તેના હાડકા તેમજ માંસપેશીઓની જાડાઇ ઉપર નિર્ભર કરે છે અને હાડકા તેમજ માંસપેશીઓની જાડાઇ ફક્ત 10X10=100 ગણી જ વધશે. સરળ ભાષામાં કહીએ તો કિંગ કોંગ સાધારણ વાનરની તુલનાએ 100 ગણો મજબૂત થશે, પરંતુ તેના વજનમાં 1000 ગણો વધારો થશે. માટે કિંગ કોંગ એક સાધારણ વાનરની તુલનાએ કે ગોડઝીલા એક સાધારણ ડાયનાસોરની તુલનાએ દસ ગણો કમજોર થશે. આ કારણે તેમના પગ તેઓના ભારને ઝીલવા અસક્ષમ હશે જેથી તેઓના પગ તુરંતજ ધ્વસ્ત થઇ જશે.
-
આપણે પ્રાથમિક શાળામાં ભણ્યા હતાં કે કીડી તેના આકારની તુલનાએ 50 ઘણું વજન ઉંચકી શકે છે. એનો અર્થ એવો નથી થાતો કે અગર તેનો આકાર એક મકાન જેટલો કરી નાંખીએ તો તે મકાનનો ભાર ઉપાડી લેશે. કીડીને હજાર ગણી મોટી કરવાથી તે અન્ય સાધારણ કીડીઓની તુલનાએ હજાર ગણી કમજોર થઇ જશે તેમજ શ્વાસ રૂંધાવાના કારણે મરી જશે. હવે આપના મનમાં પ્રશ્ન થશે કે શ્વાસ રૂંધાવાથી કેમ તેનું મૃત્યુ થશે? ચાલો સમજીએ.....
-
કીડી પોતાના શરીરના બાજુના છીદ્રો દ્વારા શ્વાસ લે છે. અગર કીડીનો આકાર વધશે તો આ છીદ્રોનું ક્ષેત્રફળ ત્રિજયાના વર્ગના અનુપાત(ગુણોત્તર)માં વધશે જ્યારે તેનો ભાર ત્રિજયાના ઘનફળના અનુપાતમાં વધશે. આ પ્રમાણે એક હજાર ગણી મોટી કીડીના શરીરમાં ઓક્સિજનની પૂર્તિ માટે એક હજાર ગણો ઓછો વાયુ હશે. પરિણામે કીડી શ્વાસ રૂંધાવાને કારણે મૃત્યુ પામશે. માર્ક કરજો...સ્કેટિંગ અને જીમ્નેસ્ટિકના ચેમ્પિઅન ખેલાડીઓ આકારમાં સરેરાશ નાના હોય છે. આજ કારણે તેમની માંસપેશીઓની મજબૂતાઇની ક્ષમતા કોઇ અન્ય ઉંચા વ્યક્તિઓની તુલનાએ વધુ હોય છે.

No comments:

Post a Comment