Sunday, March 15, 2020

Leap Year








હર ચાર વર્ષે ફેબ્રુઆરીમાં એક વધારાનો દિવસ કેમ ઉમેરવામાં આવે છે? પ્રશ્નના જવાબ માટે સૌપ્રથમ આપણે એ સમજવું પડે કે વર્ષ એટલે શું? પૃથ્વીને સૂર્યનો એક ચકરાવો પુરો કરવા માટે 365 દિવસનો સમય લાગે છે. જેને આપણે વર્ષ કહીએ છીએ. આપણને શિયાળો, ઉનાળો અને ચોમાસુ તે જ મહિનાઓમાં જોવા મળશે જે પાછળના વર્ષોમાં જોવા મળ્યા હતાં. પરંતુ વૈજ્ઞાનિકો જાણતા હતાં કે સઘળી મેટર ઠીક નથી.
-
હકિકતે પૃથ્વીને સૂર્યનું એક ચક્કર પૂર્ણ કરતા 365 દિવસ નથી લાગતા પરંતુ 365+1/4 દિવસ એટલેકે 'લગભગ' છ કલાક વધુ લાગે છે. 365 દિવસની તુલનાએ છ કલાક કોઇ મોટી વાત નથી લાગતી પરંતુ હર ચાર વર્ષ બાદ તે છ કલાક, 24 કલાક બની જાય છે. આ 24 કલાક એટલેકે એક દિવસને fix ના કરવામાં આવે તો વધારાનો આ એક દિવસ 200 વર્ષની અંદર જ લગભગ બે મહિના જેટલો થઇ જશે. પરિણામ સ્વરૂપ ઋતુઓ તે મહિનાઓમાં નહીં આવે જે મહિનાઓમાં આવવી જોઇએ. જેની ઘણી વિપરિત અસરો પડે. માટે એવું નક્કી કરાયુ કે હર ચાર વર્ષ બાદ એક એકસ્ટ્રા દિવસ વર્ષમાં જોડી દેવો. ઓકે ઠીક છે પણ અગર આપને એવું લાગતુ હોય કે તકલીફનું નિવારણ આસાનીથી થઇ ગયુ તો wait.....પિક્ચર અભી બાકી હૈ. એકસ્ટ્રા દિવસ જોડવાથી એક નવી તકલીફ ઉભી થઇ. ચાલો જોઇએ...
-
ઇમેજોને ધ્યાનથી જુઓ. ફેબ્રુ. 1692માં લીપ યર એટલેકે 29 દિવસો હતાં. ચાર વર્ષ બાદ ફેબ્રુ. 1696માં પણ 29 દિવસો હતાં. આ મુજબ હવે પછીનું લીપ યર કયા વર્ષમાં આવવું જોઇએ? આપ કહેશો 1700માં. એકદમ સાચું! પરંતુ જુઓ ફેબ્રુ. 1700 નું કેલેન્ડર....તેમાં 28 દિવસો જ હતાં. આવું કેમ? તેના ચાર વર્ષ પછી એટલેકે 1704માં પાછુ લીપ યર હતું. બિલકુલ એજ પ્રમાણે ફેબ્રુ. 1792 અને 1796 લીપ યર હતું પણ 1800 લીપ યર નહતું. આ મુજબ વિચારીએ તો 1700, 1800, 1900 અને 2000 ના વર્ષ પણ લીપ યર ના જ હોવા પડે, રાઇટ?? ના.....ફેબ્રુ. 2000 નું વર્ષ પાછું લીપ યર હતું. આ શું ડ્રામા છે?
-
આપણે ઉપર જોઇ ગયા કે પૃથ્વીને સૂર્યનું એક ચક્કર પુરૂ કરતા 'લગભગ' 365 દિવસ અને 6 કલાક લાગે છે. જેમાં 'લગભગ' શબ્દનો ઉપયોગ એટલા માટે કરાયો છે કેમકે આ જવાબ accurate નથી. સાચો જવાબ છે એક વર્ષ......365 દિવસ, 5 કલાક, 48 મિનિટ અને 45 સેકન્ડનું હોય છે. જેનો મતલબ થાય 6 કલાક કરતાં લગભગ 11 મિનિટ અને 15 સેકન્ડ ઓછું. આ 11 મિનિટ અને 15 સેકન્ડના કારણે હર ચાર વર્ષ પછી એક દિવસ ઉમેરવાને કારણે આપણું કેલેન્ડર વાસ્તવિક સૂર્યના કેલેન્ડર કરતા આગળ નીકળી જાય છે. આજ 11 મિનિટ અને 15 સેકન્ડના કારણે હર 100 વર્ષ બાદ 18 કલાક આગળ આપણું કેલેન્ડર ચાલી રહ્યું હોય છે. આ 18 કલાકને fix કરવા માટે હર 100 વર્ષમાંથી એક લીપ યર હટાવવું પડે છે. પરંતુ દિવસમાં તો 24 કલાક હોય છે, માટે 18 કલાકમાં ખૂટતાં એકસ્ટ્રા 6 કલાક આપણે 400 વર્ષ બાદ ઉમેરીએ છીએ.
-
ન સમજાયું? સરળ રીતે સમજીએ....100 વર્ષ બાદ આપણું કેલેન્ડર સૂર્યના કેલેન્ડર કરતા 18 કલાક આગળ નીકળી જાય છે. આ 18 કલાકને fix કરવા દર સો વર્ષને અંતે આપણે એક લીપ યર ઓછું એટલેકે 28 દિવસનું કરી નાંખીએ છીએ. પરંતુ આપણો દિવસ 24 કલાકનો હોવાના કારણે દર સો વર્ષે 24-18=6 કલાકની ઘટ પડે છે. આ ઘટ દર ચારસો વર્ષના અંતે 6X4=24 કલાકની થઇ જાય છે. જે એક દિવસ બરાબર થાય. માટે દર ચારસો વર્ષે ફરી એક લીપ યર ઉમેરવું પડે છે.

No comments:

Post a Comment