Sunday, March 8, 2020

એલર્જી અને એટોપી

એલર્જી અને એટોપી શું છે? એલર્જી થવાનું કારણ શું? ચાલો જાણીએ થોડી સાહિત્યિક રીતે....
-
શત્રુ બહારથી આવ્યો છે, શરીરનું પ્રતિરક્ષાતંત્ર(immune system) તેનો વિરોધ કરી રહ્યું છે. પરંતુ આ પ્રતિરોધ સામાન્ય નથી, જેવો હોવો જોઇએ. કારણકે તેની ગુણવત્તા અને માત્રા બંન્ને ભિન્ન છે, માટે તે શરીરને માફક નથી આવતો. થોડુ સરળરીતે સમજીએ....શત્રુથી લડવા માટે તેની સાચી ઓળખાણ જરૂરી છે. એ પણ જાણવું આવશ્યક છે કે કોની સાથે અને કેવીરીતે લડવું, કેટલું લડવું. શત્રુતાના પણ કેટલાંક નિયમ-કાયદાઓ છે. પ્રહાર કરવાના અને જીલવાના નીતિ-નિયમો છે. જ્યારે આ નીતિ-નિયમો વિખેરાય જાય, ત્યારે વ્યક્તિમાં એલર્જી-એટોપીનો જન્મ થાય છે.
-
શત્રુ આપણી સાથે જ કુદરતના ખોળે ઉછરતા હોય છે. તેઓ જીવાણું(બેક્ટેરિયા) છે, વિષાણું(વાઇરસ) છે, ફફુંદ(ફૂગ) છે. આપણું પ્રતિરક્ષાતંત્ર તેમની સાપેક્ષ, તેમના સાનિધ્યમાં જ વિકસિત થયું છે. પરંતુ વિકાસની સાથે જેમજેમ માનવી આગળ વધ્યો, તેણે કુદરતનો ખોળો ત્યાગ્યો. ખોળાની બહાર નીકળી તેણે પોતાની નવી દુનિયા બનાવી. આ દુનિયામાં સફાઇની જગમગાહટ હતી, સ્વચ્છતાની જાકમજોળ હતી. કીટાણુંઓની સંખ્યાને ન્યુનતમ રાખવાના એમાં નિત્ય ચાલતાં પ્રબંધો હતાં. પોતાની પુરાણી દુનિયા ત્યાગી માનવી આગળ આવી ગયો. જેની સજા તેના પ્રતિરક્ષાતંત્રએ ભોગવવાની શરૂ કરી. જે એલર્જી-એટોપી રૂપે હતી.
-
અગર કીટાણું જ ન હશે તો, મનુષ્ય એમનાથી લડવાનું કઇરીતે શીખશે? શત્રુનો સામનો જ ન કરશો તો યુધ્ધકળા કેવીરીતે આવડશે? દુશ્મન જોડે અથડામણ વિના, કોઇ રૂમમાં ચળકતી ટાઇલ્સો પર રાખેલ સોફા ઉપર દિવસો ગુજારશો તો પ્રતિરક્ષાતંત્રમાં મારકણો અભિગમ ક્યાંથી આવશે? પરિણામસ્વરૂપ આપણી સેના કમજોર થઇ. તે યોગ્યરીતે લડવાનું ભૂલવા લાગી. જે દરમિયાન તે એમની સાથે પણ સંઘર્ષમાં ઉતરી, જે એટલાં હાનિકારક નહતાં....જેમકે પરાગરજ, ધૂળમાં છુપાયેલ સુક્ષ્મ કીટાણુંઓ વગેરે. પરિણામે એટોપીનો જન્મ થયો, દમ-અસ્થામા વજૂદમાં આવ્યાં, નાકમાં ખંજવાળ યુક્ત અહેસાસ સાથે અઢળક છીંકોએ દમ કરી નાંખ્યો. માણસને એકલા રહેવાની પહેલી કિંમત મળી ગઇ હતી એલર્જીના રૂપે.

(સ્કંદ દ્વારા)

No comments:

Post a Comment