Sunday, March 8, 2020

Survivorship Bias

આપણા માંથી ઘણાં લોકોને મોટીવેશનલ સ્પીચ(પ્રેરણાત્મક ભાષણ) સાંભળવાનો ઘણો શોખ હોય છે. આને સાંભળ્યા બાદ(ભલે થોડી વાર પુરતુ) આપણામાં એક જોશ આવે છે. કે જે બહુ જલ્દી ઉતરી પણ જાય છે. કારણકે આ જોશ પાછળ dopamine અને endorphins જેવા હાર્મોન કારણભૂત હોય છે અને હાર્મોનની અસર ભલા કેટલાં સમય સુધી ટકે? ખેર, અગર આપ પણ એમાંથી એક છો તો......આ આર્ટિકલ આપના માટે છે.
-
અલીબાબા ગ્રુપના માલિક 'જેક મા' નું નામ તો સાંભળ્યું જ હશે? તેઓ પોતાના ઇન્ટરવ્યુમાં પોતાની સંઘર્ષકથા જણાવતા કહે છે કે પોતાની કેરીયરની શરૂઆતમાં તેમણે 30 અલગ-અલગ પ્રકારની નોકરીઓ માટે આવેદન કર્યું હતું પરંતુ એકપણ નોકરી નહીં મળી. તેઓ પોલીસમાં ગયા જેમાં પાંચમાંથી ચાર જણાને પસંદ કરાયા પણ તેમને નહીં. જ્યારે KFC ચીનમાં આવ્યુ ત્યારે તેમણે ત્યાં પણ આવેદન ભર્યુ, જેમાં 24 માંથી 23ની પસંદગી થઇ ફક્ત તેમનું જ પત્તુ કપાયુ. હાવર્ડના બિઝનેસ સ્કૂલમાં દસ વખત એપ્લાય કર્યું પરંતુ હરવખતે તેમની એપ્લીકેશન રિજેક્ટ થઇ. જેક મા ની વાતો સાચી છે કે ખોટી તે તો તેઓ જ જાણે પરંતુ પોતાની વાત સાથે તેઓ એક પરફેક્ટ મોટીવેશનલ સ્ટોરીની સઘળી શરતો જરૂરથી પૂર્ણ કરે છે. એજ પ્રમાણે માર્ક ઝુકરબર્ગ હાવર્ડ યુનિવર્સિટીમાં હતાં અને ફેસબુક ઉપર પૂરો સમય કાર્ય કરવા માટે તેમણે કોલેજ અધવચ્ચે જ છોડી દીધી. બિલકુલ એવીજ રીતે બિલ ગેટ્સે પણ માઇક્રોસોફ્ટ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા કોલેજ અધવચ્ચે જ છોડી દીધી. એપ્પલના સ્ટીવ જોબ્સ પણ કોલેજ ડ્રોપઆઉટ હતાં.
-
હવે કલ્પના કરો.....આપ એક કોલેજમાં છો. ભણવામાં મન નથી લાગતું. સારા ગ્રેડ નથી આવતાં. મનમાં ડર રહે છે કે ક્યાંક ફેલ ન થઇ જાવ. ત્યારે આપ ખુદને મોટીવેટ કરવા માટે યુ-ટ્યુબ ખોલો છો જેમાં ઉપરોક્ત વ્યક્તિઓની સંઘર્ષકથા જુઓ છો. આપને દિલાસો મળે છે કે ડિગ્રી-વિગ્રીનું કંઇ મહત્વ નથી, વગર ડિગ્રીએ પણ માણસ સફળ થઇ જાય છે. બસ પોતાના સપનાઓને ફોલો કરવા જોઇએ. આપના મગજમાં ફીલગુડવાળા હાર્મોન્સ રિલીઝ થાય છે અને આપ થોડા સમય માટે હળવાશ મહેસુસ કરો છો. ટૂંકમાં આપ સૌથી મોટીવેટ થાઓ છો. પણ....પણ.....ઉપરોક્ત સર્વે કિસ્સાઓમાં એક પ્રોબલેમ છે.
-
પ્રોબલમ એ છે કે, મોટીવેશનલ વિડીઓ કે પુસ્તકોમાં અધિકતર એવા લોકોની જ કહાનીઓ સંભળાશે જે ભલે ગમે તેટલી તકલીફોમાંથી પસાર થયા હોય, પરંતુ અંતે સફળ થઇ ગયા હોય. કેમકે જે સફળ ન થયા હોય એમની પાસે સંભળાવવા માટે કોઇ મસાલાવાળી કહાની નથી હોતી. તેઓ પોતાની કહાની કોઇને સંભળાવવા નથી જતાં અને કદાચિત સંભળાવે તો એક અસફળ માણસની કથની સાંભળે પણ કોણ? આ સર્વાઇવરશીપ બાયસનું એક દ્રષ્ટાંત જ છે. કેટલાં પ્રતિશત કોલેજ ડ્રોપઆઉટ સફળ થાય છે? તેમજ કેટલાં પ્રતિશત entrepreneur(સાહસિકો) સફળ થાય છે? શાયદ આ રેટ 10% પણ નથી હોતો.
-
ટૂંકમાં આપણને મીડિયામાં ફક્ત તે લોકોની જ કહાનીઓ વધુ દેખાશે જેઓ કંઇક બની ગયા છે. જેઓ આ સઘળુ ટેલેન્ટ હોવા છતાં તેમજ એટલી મહેનત કર્યા બાદ પણ કોઇ કારણવશ કંઇક બની ન શક્યા તેમની કહાનીઓ આપણને નથી દેખાતી. અસફળતાની કહાનીઓ સફળતાની કહાનીઓ કરતાં ક્યાંય વધુ હોવા છતાં સર્વાઇવરશીપ બાયસના કારણે સંભળાતી નથી. 
-
ઘણીવખત આપણને સાંભળવા મળે છે કે પહેલાંની વસ્તુઓમાં જે દમ હતો તે હવે ક્યાં? પહેલાંની વસ્તુઓ વધુ આવરદાવાળી હતી, વધુ ટકાઉ હતી. દરઅસલ આ પણ સર્વાઇવરશીપ બાયસની જ કમાલ છે. પહેલાં પણ ઓછી ટકાઉ થી લઇને વધુ ટકાવ જેવી વસ્તુઓ બની જ હશે. જે ઓછી ટકાઉ હતી તેવી કેટલીય વસ્તુઓને કાટ લાગી ગયો હશે, સડી ગઇ હશે, ફેંકી દેવામાં આવી હશે. અત્યારે જે સામે દેખાય રહ્યો છે તે કેવળ એજ સામાન છે જે આટલા સમય ટકી ગયો. ઉદાહરણ તરીકે પુરાણી ઇમારતો, મંદીરો, પિરામિડોની વાત કરતાં ઘણાં કહે છે કે ટેકનોલોજી વગર પણ કેવી ગજબની ચીજો બનાવી. પહેલાંનું મટિરિયલ વધુ સારૂ હતું માટેજ આ ઇમારતો આજસુધી ટકેલી છે, જ્યારે આજની ઇમારતો વારંવાર રીપેરીંગ કરવી પડે તેવી તકલાદી છે. બસ થોડી ગણીગાંઠી ઇમારતો સારી બને છે. પહેલાં પણ સારી, ખરાબ, કમજોર, મજબૂત જેવી હરેક પ્રકારની ઇમારતો બની જ હશે. જે મજબૂત હતી તે બચી ગઇ માટે આપની પાસે તુલના કરવા માટે કંઇ બચ્યુ જ નથી. પરિણામે આપને લાગે છે કે પહેલાંની વસ્તુઓ બધી સરસ જ હતી.
-
બીજું ઉદાહરણ......વિશ્વભરના તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં સામાન્ય સાપેક્ષતાનો સિદ્ધાંત ભણાવવા માટે દાયકાઓથી જે મુખ્ય પુસ્તકોનો પ્રયોગ થઇ રહ્યો હતો તેમાની એક છે રોબર્ટ વાલ્ડની General Relativity. જોકે અહીં વાત તેમના પિતા અબ્રાહમ વાલ્ડની છે. કે જેઓ એક પ્રખ્યાત ગણિતજ્ઞ હતાં. વાત બીજા વિશ્વયુધ્ધની છે.....બ્રિટિશ એરફોર્સના સેંકડો વિમાન જર્મન ગોળીઓનો શિકાર થઇ રહ્યા હતાં. આનાથી બચવા માટે નક્કી કરવામાં આવ્યું કે વિમાનોમાં એકસ્ટ્રા મેટલ શીલ્ડ લગાવવી. જેથી તેઓ ગોળીઓનો સામનો કરી શકે. પરંતુ આખા વિમાનમાં એકસ્ટ્રા શીલ્ડ લગાડવું સંભવ ન હતું જેનું સીધુ કારણ હતું તેનું વજન. વધુ વજન પ્લેનની કાર્યક્ષમતાને ઓછી કરી નાંખે. માટે શીલ્ડ ઓછામાં ઓછી જગ્યાએ લગાવવી જોઇએ. પરંતુ સમગ્ર પ્લેનમાં કઇ જગ્યાએ લગાવવી?
-
બધા બચીને આવેલા વિમાનોમાં લાગેલ ગોળીઓનું અધ્યયન કરવામાં આવ્યું અને બધા પ્રાપ્ત ડેટાના હિસાબે એમનો એક પ્લોટ તૈયાર કરવામાં આવ્યો. જે ઇમેજમાં મૌજૂદ સંલગ્ન ચિત્ર જેવો દેખાતો હતો. ઇમેજને ધ્યાનથી જુઓ તેમાં મુખ્યત્વે બે જગ્યા છે......એક તો એ જ્યાં સૌથી વધુ ગોળીઓ વાગી હતી અને બીજો એ જ્યાં ન બરાબર ગોળી વાગી હતી. તો આ ડેટાના આધારે આપને શું લાગે છે સેના તેમજ અન્ય લોકોએ ક્યાં શીલ્ડ લગાવવાનું પસંદ કર્યુ હશે?
-
સ્વાભાવિક હતું કે જ્યાં સૌથી વધુ ગોળીઓ વાગી હતી ત્યાં. પરંતુ જ્યારે આજ સમસ્યા ગણિતજ્ઞ અબ્રાહમ વાલ્ડ પાસે આવી તો તેમણે ખુબજ આશ્ચર્યચકિત કરનારૂં સૂચન કર્યુ. એમણે કહ્યું કે જ્યાં ન બરાબર ગોળીઓ વાગી છે, શીલ્ડ ત્યાં લગાડવું જોઇએ. એમણે સમજાવ્યું કે આ જે ડેટા છે તે biased(પૂર્વગ્રહયુક્ત) છે. ગોળીઓ તો વિમાનોના બધા ભાગમાં લાગી જ હશે પરંતુ આપણને અમુક હિસ્સામાં જ લાગેલી દેખાય છે. જેનું કારણ છે કે આપણી પાસે કેવળ એ વિમાનોના ડેટા છે જે બચીને પાછા આવ્યા છે અને બચીને તે વિમાનો જ પાછા આવ્યા જેમણે ગોળીઓનો પ્રહાર ખમી લીધો. જે વિમાનો પ્રહાર ન ઝીલી શક્યા તેઓ પરત ફર્યા જ નહીં. એ વિમાનોને ગોળીઓ એ જગ્યાએ લાગી હશે જ્યાં આ ડેટામાં આપણને ગોળીઓ નથી દેખાતી. જ્યાં વધુ ગોળીઓના નિશાન છે ત્યાં લાગેલ ગોળીઓને તો વિમાનોએ ખમી જ લીધી છે.(આ પ્રસંગ ખુબ મશહુર છે. સાચો છે કે ખોટો તેની ખબર નથી પરંતુ ઇન્ટરનેટ ઉપર અબ્રાહમ વાલ્ડનું નામ સર્ચ કરાવશો તો પણ પ્રથમ જ પેજ ઉપર ઉપરોક્ત પ્રસંગના ઘણા સંસ્કરણો મળી જશે).
નોટ:- પોષ્ટનો હાર્દ એ નથી કે પહેલાંનું સારૂ હતું કે નહીં તથા મોટીવેશનલ સ્ટોરીઓ ઉપયોગી છે કે નહીં? પોષ્ટનો હાર્દ એ છે કે કેવીરીતે આ પૂર્વગ્રહો આપણી આસપાસ હોય છે અને મનોવૈજ્ઞાનિક પણે આપણી ભાવનાઓ તેમજ વિચારવા/સમજવાની ક્ષમતાઓને પ્રભાવિત કરે છે. આપણે આસપાસ જે વધુ જોઇએ છીએ તેનાથી જ પ્રભાવિત થઇએ છીએ અને આપણને આસપાસ કેવળ તે જ દેખાય છે જે સર્વાઇવ કરી ચૂક્યુ હોય. કેમકે મડદાઓ પોતાની કથની નથી સંભળાવતા.

No comments:

Post a Comment