Wednesday, March 25, 2020

પૃથ્વીનો વિનાશ




મિત્રો, તમે સમાચાર તો સાંભળ્યા હશે કે 29 એપ્રિલ 2020ના દિવસે એક asteroid(સુક્ષ્મગ્રહ) પૃથ્વી સાથે ટકરાશે. ટક્કરના કારણે સમગ્ર પૃથ્વીની જીવસૃષ્ટિ નાશ પામશે. તો શું વાત સાચી છે? શું દુનિયા આટલી જલ્દી ખતમ થઇ જશે?
-
સૌપ્રથમ તે asteroid વિષે જાણીએ જે થોડા દિવસો પછી આપણી મૃત્યુનું કારણ બનવાનો છે. તેનું નામ છે 1998 OR2. તે મંગળ અને ગુરૂ ગ્રહ વચ્ચે મૌજૂદ asteroid belt(લઘુગ્રહ પટ્ટા) માંથી આવ્યો છે. તેનું કદ 2.5 કિ.મી થી 4.1 કિ.મી સુધીનું મનાય છે. તેની શોધ 1998 માંજ થઇ ચુકી હતી. ત્યારથીજ વૈજ્ઞાનિકો તેની હિલચાલ ઉપર નજર રાખી રહ્યાં હતાં. નાસાના Centre for Near-Earth Object Studies(CNEOS) ઘણી રિસર્ચ બાદ સુક્ષ્મગ્રહને Potentially Hazardous Object ની શ્રેણીમાં રાખ્યો છે. શ્રેણીમાં એવા પદાર્થોને રાખવામાં આવે છે જેમનું કદ 150 મીટરથી વધુ હોય તેમજ તેઓ પૃથ્વીની કક્ષાની ઘણી નજીકથી પસાર થતાં હોય.
-
આવતા મહિને તે પૃથ્વી પાસેથી પસાર થવાનો છે. અગર તે પૃથ્વી સાથે ટકરાય તો ફક્ત 4 કિ.મીનું કદ ધરાવતો સુક્ષ્મગ્રહ સમગ્ર પૃથ્વીની જીવસૃષ્ટિને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. કઇરીતે? થોડું વિશ્લેષણ કરીએ(ધારણા આધારિત).....આજથી લગભગ 6.6 કરોડ વર્ષ પહેલાં આપણી પૃથ્વી ઉપર Chicxulub નામનો લઘુગ્રહ ટકરાયો હતો. એજ લઘુગ્રહ હતો જેણે પૃથ્વી ઉપરથી ડાયનાસોરનો ખાત્મો કરી નાંખ્યો. લઘુગ્રહનું કદ 11 થી 81 કિ.મી. સુધીનું માનવામા આવે છે. તેની ગતિ 18 કિ.મી./સેકન્ડ હતી. જ્યારે તે પૃથ્વી સાથે ટકરાયો ત્યારે ઉત્પન્ન થયેલ ઉર્જાનો અંદાજો લગાવીએ.
-
આજસુધીનો સૌથી મોટો તેમજ શક્તિશાળી ન્યુક્લિયર બોમ્બ "Tsar" રશિયાએ બનાવ્યો છે. આના પરિક્ષણ વખતે નીકળેલ ઉર્જા 2.4X10^17 જૂલ જેટલી હતી. આટલી ઉર્જાથી 100 watt ના એક બલ્બને લગાતાર 8 કરોડ વર્ષ સુધી સળગતો રાખી શકીએ. Chicxulub ના ટકરાવાથી ઉત્પન્ન થયેલ ઉર્જા Tsar બોમ્બથી 20 લાખ ગણી વધુ હતી. હવે વાત કરીએ 1998 OR2 ની. તે Chicxulub કરતાં ઘણો નાનો છે માટે તેની અસર પણ તેનાથી ઓછીજ હશે. પણ કેટલી?
-
જ્યારે તે ધરતી સાથે ટકરાશે ત્યારે લગભગ 27 થી 41 કિ.મી લાંબો ખાડો પડશે. જેની ઉંડાઇ 9 થી 10 કિ.મી. હશે. પતન સેન્ટરથી 200 કિ.મી.ના ક્ષેત્રમાં જે કંઇપણ હશે તે બળીને ખાખ થઇ જશે. તેની અથડામણને કારણે પૃથ્વી ઉપર ઓછામાં ઓછો 9.0 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવી શકે છે. જે અત્યારસુધી માનવીએ અનુભવેલા સૌથી ભયંકર ભૂકંપ કરતાય વધુ છે. જેના કારણે સમુદ્રમાં લગભગ 100 મીટર જેટલી ઉંચી સુનામી આવી શકે છે. 600 કિ.મી./કલાકની રફતારથી પવન ફૂંકાઇ શકે છે. પંદર દિવસ સુધી આકાશમાં ધૂળની ચાદર છવાયેલ રહેશે. સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં વનસ્પતિઓ નાશ પામશે. ફક્ત એક થી બે કલાકની અંદર દુનિયાની અડધી વસ્તી નાશ પામશે. તેમજ બાકીના લોકો ભુખમરાને લીધે નાશ પામશે. પણ........પણ........પણ........ સઘળી વાતો પરિકલ્પના છે. મતલબ ગણતરીને આધારે કરાયેલ છે.
-
1998 OR2 ની વાત કરીએ તો તે પૃથ્વીથી લગભગ 62 લાખ કિ.મી. દૂરથી પસાર થશે. જરા અંદાજો લગાવો....પૃથ્વીથી ચંદ્રનું અંતર 3,84,000 કિ.મી. છે. ટૂંકમાં લઘુગ્રહ પૃથ્વી માટે સહેજપણ ખતરારૂપ નથી. આવા ઘણાં લઘુગ્રહો ભવિષ્યમાં પૃથ્વી નજીકથી પસાર થશે. જેમકે Bennu. લઘુગ્રહ 24 સપ્ટેમ્બર 2196 માં પૃથ્વી નજીકથી પસાર થશે. આવા બધા લઘુગ્રહોની પૃથ્વી સાથે ટક્કરની શક્યતા ખુબજ......ખુબજ......ખુબજ......નહિવત છે. પરંતુ હાં....એક એવો લઘુગ્રહ છે જેની ટક્કર પૃથ્વી સાથે થવાની પ્રબળ સંભાવના છે. જેનું નામ છે 2010 RF12. તે 8 સપ્ટેમ્બર 2010 ના રોજ એન્ટાકર્ટિકાથી ફક્ત 79,000 કિ.મી ઉપરથી પસાર થઇ ચુક્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તે ફરી 6 સપ્ટેમ્બર 2095 ના દિવસે પૃથ્વીની નિકટથી પસાર થશે. તેમજ 4 થી 5% શક્યતા છે કે તે પૃથ્વી સાથે જરૂર ટકરાશે. પરંતુ ચિંતાજનક વાત નથી કેમકે તેનું કદ ફક્ત 7 મીટરનું છે. આટલી નાની કદના પદાર્થને કદાચિત આપણું વાતાવરણ ભસ્મીભૂત કરી નાંખશે. તો ચિંતામુક્ત રહો અને ખોટા ન્યૂઝને અવગણો.



No comments:

Post a Comment