Wednesday, March 18, 2020

ઉત્તર દિશામાં માથું રાખીને સુવુ ન જોઇએ




ઉત્તર દિશામાં માથું રાખીને સુવુ જોઇએ....આવું કથન આપણે ઘણી વખત સાંભળ્યું છે. શું સાચું છે? પોષ્ટની શરૂઆત કરતાં પહેલાં સદગુરૂ જગ્ગી વાસુદેવનો વીડિયો સાંભળો. જેથી પોષ્ટ સમજવામાં સરળતા રહે.
-
એમની દલીલ જુઓ.....(1) પૃથ્વી એક મેગ્નેટની જેમ વ્યવ્હાર કરે છે. પૃથ્વીની મેગ્નેટિક ફિલ્ડ કંઇક એવી છે કે તે હરેક વસ્તુને ઉત્તર દિશા તરફ ખેંચે છે. ખેંચાણ એટલું શક્તિશાળી છે કે મોટામોટા દ્વિપ-મહાદ્વિપ ઉત્તર તરફ ખેંચાય રહ્યાં છે. જેમકે ભારતીય ઉપમહાદ્વિપની ઉત્તર દિશામાં ગતિને કારણે હિમાલયનું નિર્માણ થયું.
(2) આપણાં લોહીમાં હિમોગ્લોબિન હોય છે, જે લોહતત્વ(Iron) છે. પૃથ્વીની મેગ્નેટિક ફિલ્ડ લોહતત્વને ખેંચે છે. ઉત્તર દિશામાં માથું રાખીને સુવાથી મસ્તિષ્કમાં આવશ્યકતાથી વધુ લોહી પહોંચે છે, જેનાથી ઘણી સમસ્યાઓ થાય છે. જેમકે અનિંદ્રા, બિહામણા સપના, થાક વગેરે. આનાથી બ્રેન હેમરેજ તેમજ મૃત્યુ સુધ્ધા થઇ શકે છે.
(3) વિષુવવૃત્ત રેખાની દક્ષિણે રહેવાવાળાઓ માટે આનાથી વિપરિત સ્થિતિ હોય છે. અર્થાત તેમણે દક્ષિણ દિશામાં માથું રાખીને સુવુ જોઇએ. કેમકે ત્યાં પૃથ્વીની મેગ્નેટિક ફિલ્ડનું ખેંચાણ દક્ષિણ દિશામાં હોય છે.
-
એમના તર્કો સાંભળી ભલભલા તેમની વાતોમાં વિશ્વાસ કરવા માંડે છે પરંતુ શું તર્કોમાં સચ્ચાઇ છે? ચાલો જોઇએ.....
-
(1) સાચું છે કે પૃથ્વી એક મેગ્નેટની જેમ વ્યવ્હાર કરે છે પરંતુ પૃથ્વીની મેગ્નેટિક ફિલ્ડ અધિક શક્તિશાળી નથી હોતી. એનાથી વધુ પાવરફુલ મેગ્નેટિક ફિલ્ડ તો આપણાં ઘરમાં મૌજૂદ મશીનોમાં લાગેલ મેગ્નેટ પેદા કરે છે. દ્વિપો-મહાદ્વિપોની ગતિશીલતા(પ્લેટ ટેક્ટોનિક્સ) માં પૃથ્વીની મેગ્નેટિક ફિલ્ડની કોઇજ ભુમિકા નથી. એના કારણો ભિન્ન છે. એવું કહેવું પણ ખોટું છે કે સઘળી પ્લેટ ઉત્તર દિશા તરફ ગતિ કરે છે. ઉદાહરણ તરીકે ઇન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટ ઉત્તર દિશામાં જ્યારે યુરેશિયન પ્લેટ દક્ષિણ દિશામાં ગતિશીલ છે. સદગુરૂએ ઇન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટ(ભારતીય ઉપમહાદ્વિપ આનો ભાગ છે) નો તો ઉલ્લેખ કરી દીધો પરંતુ અન્ય પ્લેટની ચતુરાઇપૂર્વક અવગણના કરી દીધી.
-
(2) મેગ્નેટિઝમના સંદર્ભે પદાર્થોના ત્રણ વર્ગ હોય છે---પેરામેગ્નેટિક, ડાયામેગ્નેટિક અને ફેરામેગ્નેટિક. આમાંથી ફેરામેગ્નેટિક પદાર્થ મેગ્નેટિક ફિલ્ડથી વધુ પ્રભાવિત થાય છે. અન્ય બંન્ને પ્રકારના પદાર્થો ઉપર મેગ્નેટિક ફિલ્ડનો પ્રભાવ ખુબજ ઓછો પડે છે અને તે ખુબજ ઓછા પ્રભાવ માટે પણ કેટલીક વિશેષ પરિસ્થિતિઓ આવશ્યક હોય છે. હિમોગ્લોબિનનો લોહકણ ફેરોમેગ્નેટિક નથી. માટે તેની ઉપર પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડની અસર નથી થતી. આને આપ M.R.I(Magnetic Resonance Imaging) મશીન દ્વારા સમજી શકશો. M.R.I મશીનનું ચુંબક પૃથ્વી કરતા લગભગ દોઢ લાખ ગણું અધિક શક્તિશાળી મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે છે. અગર હિમોગ્લોબિન ઉપર મેગ્નેટિક ફિલ્ડની અસર થતી હોત તો કોઇપણ વ્યક્તિ મશીનમાં પ્રવેશ્યા બાદ જીવિત રહી શકતે. સઘળુ લોહી શરીરને ફાડીને બહાર નીકળી જાત. પરંતુ એવું કંઇ નથી થતું.
-
(3) સદગુરૂને લાગે છે કે વિષુવવૃત રેખાની ઉત્તર અને દક્ષિણમાં પૃથ્વીની મેગ્નેટિક ફિલ્ડની દિશા ઉલટી થઇ જાય છે. બકવાસ વાત છે. ધરતીના પ્રત્યેક બિંદુએ તેની મેગ્નેટિક ફિલ્ડની દિશા એકસરખી રહે છે.
-
આનાથી સ્પષ્ટ થાય છે કે જગ્ગી મહાશયે એક પ્રચલિત માન્યતાને વિજ્ઞાન આધારિત ઘોષિત કરવા માટે ખોટી વાતો કરી. આવા લોકો સાયન્સના નામે સ્યૂડોસાયન્સનો પ્રચાર કરીને સમાજના સાયન્ટિફિક દ્રષ્ટિકોણને ઘણી હાનિ પહોંચાડે છે. આમનો ઉદ્દેશ્ય લોકોની માન્યતાઓનું તૃષ્ટિકરણ કરવાનો છે. જેનાથી તેઓને ધાર્મિક બજારમાં પોતાની પ્રોડક્ટની બ્રાન્ડીંગ કરવામાં સહાયતા મળે છે.



No comments:

Post a Comment