મુદ્દાની ચર્ચા કરતા પહેલા થોડી સામાન્ય માહિતી જોઇ લઇએ. સાઇબિરીયા રશિયાનો ઘણો મોટો હિસ્સો ધરાવે છે. લગભગ 77% જેટલો વિસ્તાર સાઇબિરીયા રોકે છે. વસ્તીની દ્રષ્ટિએ આ આંકડો પાછો ઉલ્ટો છે. સાઇબિરીયામાં રશિયાની 23% જેટલી જ વસ્તી વસવાટ કરે છે અને તેનું કારણ છે...ત્યાંનું તાપમાન. સાઇબિરીયામાં શિયાળાનું તાપમાન -70 ડિગ્રી સુધી પહોંચી જાય છે. સાઇબિરીયાને વાઇરસનું ઘર પણ કહેવામાં આવે છે. અહીં ઘણા વાઇરસો દટાયેલા પડ્યા છે. રશિયા પોતાનું 70% તેલ અને ગેસ સાઇબિરીયામાંથી મેળવે છે. આ તેલ અને ગેસ મેળવવા માટે શારકામ(drilling) કરવું પડે. આ શારકામનો વિરોધ ફ્રાન્સના એક પ્રોફેસર Jean Michel Claverie એ કર્યો છે. તેમનું કહેવું છે કે, શારકામ દ્વારા એવા વાઇરસો નીકળી શકે છે જેને આપણે ક્યારેય જોયા જ નથી. આ તો થઇ વાઇરસની વાત પરંતુ વાઇરસથી આગળ વધીને એક બીજો ખતરો સાઇબિરીયામાં મંડરાય રહ્યો છે. કયો? વાંચો આગળ....
-
જુલાઇ 2014, સૌપ્રથમ વખત સમાચારોમાં એક બ્રેકિંગ ન્યૂઝે તહેલકો મચાવ્યો કે, સાઇબિરીયામાં એક ખુબજ મોટો ખાડો પડી ગયો છે(જુઓ મુખ્ય ઇમેજ). આ ખાડો 150 ફૂટ ઊંડો છે. આ પ્રકારના બીજા ખાડાઓ પણ મળવા માંડ્યાં. સવાલ એ ઉદભવ્યો કે, આ ખાડો આવ્યો ક્યાંથી તેમજ તેની ઉત્પત્તિનું કારણ શું છે? આ ખાડો કેટલો વિશાળ છે તેનો અંદાજો ઇમેજમાં મૌજૂદ વ્યક્તિઓના કદની તુલના ખાડા સાથે કરશો તો ખબર પડી જશે.
-
એ સમય દરમિયાન કોઇ ભૂસ્તરીય હિલચાલ પણ ત્યાં રિપોર્ટ થઇ ન હતી. બીજું, જ્યારે વધુ વરસાદ પડે ત્યારે જમીનનું ધોવાણ થાય છે, ભૂવા પડે છે. પણ...જો તમે એક વસ્તુ માર્ક કરી હોય તો, જ્યારે ભૂવા પડે છે ત્યારે તેના કિનારા ઉપર કોઇ વસ્તુ નથી હોતી બલ્કે સઘળી વસ્તુ ભૂવાની અંદર પડી જાય છે. પરંતુ!! આ કેસમાં ખાડાના કિનારે ઘણી વસ્તુઓ નજરે ચઢે છે(જુઓ નીચેની ઇમેજ). જેનો મતલબ સ્પષ્ટ છે કે, આ ખાડો બહારથી અંદર તરફ નહીં બલ્કે અંદરથી બહાર તરફ પડ્યો છે. ખાડા આસપાસ લગભગ 200 મીટર સુધીના ક્ષેત્રમાં પથ્થરો ફંગોળાયેલા હતાં. અર્થાત અહીં કોઇ મોટો વિસ્ફોટ થયો હોવો જોઇએ.
-
હવે બીજો વિચાર વૈજ્ઞાનિકોને એ આવ્યો કે....બની શકે કે, સ્પેસમાંથી કોઇ ઉલ્કા આવીને જમીન સાથે અથડાઇ હોય! પણ...પણ...જો આવી ઘટના બની હોત તો, કોઇક તો સ્પેસ એજન્સી અથવા ટેલિસ્કોપે આનું નિરીક્ષણ અવશ્ય કર્યું હોત પરંતુ આવી કોઇ ઘટના તે સમય દરમિયાન રેકોર્ડ જ ન હતી થઇ. બીજું, ધારોકે કોઇ અવકાશી પદાર્થ ત્યાં આવીને અથડાયો છે તો, ત્યાં વિવિધ પ્રકારના રસાયણિક સંયોજનો(chemical compositions) મળવા જોઇતા હતાં પરંતુ એવું કંઇજ મળ્યું નહીં. ત્રીજું, ત્યાંનું તાપમાન પણ વધુ ન મળ્યું કેમકે જ્યારે કોઇ અવકાશી પદાર્થ ધરતીના કોઇ ભાગને અથડાય છે ત્યારે ધડાકો થાય છે અને ઘર્ષણને કારણે જે તે ક્ષેત્રનું તાપમાન વધી જવા પામે.
-
ટૂંકમાં ઉપર મુજબની કોઇ જ ઘટના અહીં બની ન હતી. તો પછી આટલો મોટો ખાડો પડવાનું કારણ શું છે? યાદરહે, વિવિધ જગ્યાઓથી આવા 17 ખાડાઓ હજીસુધી રિપોર્ટ થઇ ચૂક્યાં છે. જમીનમાં પડતા ખાડાઓ ઉપરની શ્રૃંખલાની આ પ્રથમ પોષ્ટ છે. આવનારી અન્ય પોષ્ટમાં તેના કારણો અને વિશેષતા વિશે વિસ્તૃતમાં સમજીશું. ત્યાંસુધી બે હિન્ટ આપની સમક્ષ મૌજૂદ છે. (1) અહીંની માટીમાં વૈજ્ઞાનિકોને મિથેન ગેસની હાજરી મળી. એ જ મિથેન ગેસ જે જમીનમાં થી નીકળી આપણા ઘરોમાં બળતણ તરીકે વપરાય છે. (2) આ ખાડાઓ ત્યાં વધુ મળી આવતા હતા જ્યાં નજીકમાં કોઇ તેલ અથવા ગેસનું શારકામ થતું હતું. હવે સવાલ એ ઉદભવે છે કે, આ ખાડાઓનો મતલબ શું છે અને તે કઇ રીતે માનવજાત માટે આવનારા દિવસોમાં એક મોટો ખતરો બનવા જઇ રહ્યાં છે?
(ક્રમશ:)
.png)
.jpeg)
No comments:
Post a Comment