Tuesday, March 3, 2020

કિશોર-લતા

આભાસ કુમાર ગાંગુલી ઉર્ફે કિશોરકુમાર અને લતાજી પહેલી વખત કઇરીતે મળ્યા તેની એક દિલચશ્પ સ્ટોરી છે. બન્ને રેકોર્ડિંગ માટે સ્ટુડિયો જઇ રહ્યાં હતાં. જોકે લતાજી તેમને ઓળખતા નહતાં. હવે બન્યુ એવું કે જ્યાંજ્યાં લતાજી બસ બદલતા કિશોરકુમાર પણ એમની સાથેસાથે બસ બદલતા. લતાજીને લાગ્યું કે કોઇ માથાફરેલ એમની પાછળ પડ્યો છે. તેઓ ભાગતા-ભાગતા સ્ટુડિયો પહોંચ્યાં તો કિશોરકુમાર પણ તેમની “પાછળ-પાછળ”(આ પાછળ-પાછળ શબ્દ યાદ રાખજો!!!) સ્ટુડિયોમાં દાખલ થઇ ગયાં. છેવટે લોકોએ કહ્યું કે આ અશોકકુમાર ના ભાઇ છે અને તેમનું નામ જ કિશોરકુમાર છે જેમની સાથે તમારે ગાવાનું છે.
-
કિશોરદા લતાજીથી હંમેશા પોતાની ફી એક રૂપીયો ઓછી લેતાં, આદર સ્વરૂપ!!! કિશોરદા નો લતાજી પ્રત્યેનો આદર આ ઉપરથી જોઇ શકાય છે.
-
એકવખત લતાજી લેટ થઇ ગયા તો તેમનો પાર્ટ પણ કિશોરદા એ ગાઇ લીધો. ગીત હતું....“આ કે સીધી લગી દિલપે જૈસે કટરિયા”(હાફ ટિકિટ). જેમાં સ્ત્રી-પુરૂષના અવાજ બદલી બદલીને કિશોરદાએ મોજ-મસ્તીમાં ગાયું હતું. કિશોરદા ને બાદમાં ‘લતા મંગેશકર સન્માન’ મળ્યું. આ સન્માન મળ્યાના બીજા વર્ષે સરકારે ‘કિશોરકુમાર સન્માન’ ની પણ ઘોષણા કરી.
-
હવે જુઓ આખુ ચક્ર......પ્રથમ મિલન વેળા પણ કિશોરદા લતાજીની “પાછળ-પાછળ” હતાં, ફી બાબતે પણ તેઓ લતાજીની “પાછળ-પાછળ” હતાં અંતે સન્માન બાબતે પણ એટલેકે મરણોપરાંત પણ કિશોરદા લતાજીની “પાછળ-પાછળ” જ રહ્યાં.

No comments:

Post a Comment