(1) આપણે મનુષ્યો હંમેશાથી આપણી પરિકલ્પનાઓને હકિકતમાં બદલતા આવ્યા છીએ. ભલે તે પછી વિમાન હો, વાયરલેસ ઇન્ટરનેટ હો યા કમ્પ્યુટર. આવીજ એક એડવાન્સ ટેકનોલોજી છે AI(Artificial Intelligence) એટલેકે કુત્રિમ બુદ્ધિમત્તા. ચાલો જાણીએ AI માનવજાતની રક્ષક બનશે કે ભક્ષક??
-
દરઅસલ AI વિજ્ઞાનનું એક એવું ક્ષેત્ર છે જેમાં મશીનોના hardware તથા software components ને બુદ્ધિશાળી(intelligent) બનાવવા ઉપર ધ્યાન આપવામાં આવે છે. સૌપ્રથમ algorithm(પ્રોગ્રામ) બનાવવામાં આવે છે જેના આધારે તે કામ કરવાની શરૂઆત કરે છે. જેમજેમ સમય વિતતો જાય તેમતેમ તેની પાસે વિવિધ data ભેગા થતાં જાયછે. આ data ના વિવિધ પેટર્નના આધારે ભવિષ્યમાં પોતે જ decision making નું કામ કરે છે. અગર આપને એવું લાગતું હોયકે AI નો ઉપયોગ ફક્ત સ્પેસ કે વિવિધ industries માં જ કરવામાં આવે છે તો આપ ભ્રમમાં છો. આપને ખબર પણ નથી કે આપ ચારેતરફથી AI થી ઘેરાયેલા છો. ભલે તે ગુગલ સર્ચ હો, કમ્પ્યુટર ગેમ્સ હો, એપલ જેવા સમાર્ટ ફોનમાં ઉપલબ્ધ siri હો અથવા ગુગલ આસિસ્ટન્સ હો. આપને શું લાગે છે આની પાછળ બેઠેલા લોકો આને ઓપરેટ કરતાં હશે? ના...ના...ના...આ બધા કાર્યો AI દ્વારા જ સંચાલિત છે. એક મજેદાર સત્યઘટના જુઓ......
-
વર્ષ 2014 માં એક ખુબજ રોમાંચક કેસ સામે આવ્યો. જેમાં અમેરિકાના Target Stores નામના retailer દ્વારા ઉપયોગ કરાતા AI એ એક છોકરીના સામાન ખરીદવાના પેટર્નમાં આવેલ બદલાવના આધારે તેણી ગર્ભવતી હોવાનું તારણ કાઢી લીધું. અચરજભરી વાત તો એ છે કે ત્યારે ખુદ તેને કે તેના પરિવારવાળાઓને પણ જાણ સુધ્ધા ન હતી કે તે ગર્ભવતી છે. દરઅસલ થયું એવું હતું કે વિતેલા થોડા દિવસોમાં તે છોકરીના સામાન ખરીદવાના પેટર્નમાં એક બદલાવ આવી ગયો હતો. તે હવે સેન્ટ ફ્રી સાબુ તેમજ એકસ્ટ્રા લાર્જ કોટન ગાઉન વધુ ખરીદવા લાગી. આ પેટર્નના આધારે AI એ તેને નવજાત શિશુઓથી જોડાયેલ પ્રોડક્ટના mail મોકલ્યાં.
-
એક દિવસ જ્યારે તેના પિતાએ તેના mail ચેક કર્યા તો તેઓ ક્રોધિત થઇ ગયાં. તાબડતોબ તેઓ retailer પાસે ગયાં અને કહ્યું મારી છોકરી હજી હાઇસ્કૂલમાં છે અને તમે તેને નવજાત શિશુઓના પ્રોડક્ટ ખરીદવા માટેના mail મોકલો છો? તમને શું લાગે છે તમારી પ્રોડક્ટ ખરીદવા માટે તે હમણાંથી જ ગર્ભવતી બની જાય? એ સમયે ત્યાં મૌજૂદ વર્કરોએ માફી માંગી અને સમજાવ્યું કે બની શકે કે તેઓ તરફથી કોઇ ભૂલ થઇ હોય. ત્યારબાદ તેઓ ત્યાંથી નીકળી ગયાં. જો કે થોડા દિવસો બાદ તેમણે પરત ત્યાં ફોન કર્યો અને પોતાના તે દિવસના વ્યવહાર બાબતે માફી માંગી. વધુમાં તેમણે જણાવ્યું કે ટેસ્ટ કરવાથી તેમને ખબર પડી કે તેમની દિકરી ખરેખર ગર્ભવતી છે.
-
આ તો હતું AI નું એક સાધારણ ઉદાહરણ. અત્યાર સુધી આપણે જેટલાં પણ AI ના નિર્માણ કર્યા છે તે નબળા(weak) AI માં આવે છે, કારણકે તે આપણાં દ્વારા code કરાયેલ algorithm ના આધારે જ કાર્ય કરે છે. પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે આવનારા 50 વર્ષોની અંદર આપણે એવા AI બનાવવા માંડીશું જે પોતાના સોફ્ટવેરના code માં પણ ફેરફાર કરવા માટે સક્ષમ હશે. આવા AI ને Artificial General Intelligence(AGI) નામ આપવામાં આવશે.
આજે લગભગ હરેક ક્ષેત્રમાં ચાહે તે અંતરિક્ષ હો, મેડિકલ હો, રોબોટ હો,સેલ્ફ ડ્રાઇવિંગ કાર હો કે ડ્રોન હો, ટૂંકમા હર ક્ષેત્રમા AI આપણને મદદગાર સાબિત થઇ રહ્યું છે. પરંતુ શું હંમેશા તે આપણને મદદગાર જ રહેશે? હાલ AI તેના શરૂઆતી ચરણમાં છે જેથી તે માનવી જેવું બુદ્ધિશાળી નથી. એટલા માટે આપણને તેનાથી કોઇ ખતરો નથી, પરંતુ જે ગતિથી તેનો વિકાસ થઇ રહ્યો છે, તે સમય પણ હવે બહુ દૂર નથી કે બુદ્ધિમત્તામાં તે માનવી જેવા થઇ જશે. તેમજ એ સંભાવના પણ પૂરેપુરી છે કે તે આપણાંથી પણ વધુ બુદ્ધિવાન બની જાય. ત્યારે શું થશે? શું આપણને તે મદદરૂપ થશે કે વિનાશનું કારણ બનશે?
-
(2) Elon Musk, Stephen Hawking અને Bill Gates જેવાઓનું માનવું છે કે AI એ માનવીની આખરી શોધ હશે કારણકે આના પછી કોઇ શોધ કરવા માટે માનવ પૃથ્વી ઉપર બચશે નહીં. AI આપણને શા માટે ખતરારૂપ થઇ શકે તેનો નમુનો આપણને ગયા વર્ષે એ સમયે જોવા મળ્યો જ્યારે ફેસબુક એક AI દ્વારા સંચાલિત CHATBOT બનાવવા ઉપર કામ કરી રહ્યું હતું. જેનું કામ હતું લોકો સાથે CHAT કરવું. માટે તેના પ્રોગ્રામિંગમાં સાફસાફ લખવામાં આવ્યું હતું કે ચેટિંગ દરમિયાન તેણે કેવળ અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ કરવાનો હતો. જ્યારે આ CHATBOT સંપૂર્ણરીતે તૈયાર થઇ ગયા તો તેમનું પરીક્ષણ કરવા માટે ફેસબુકે બે CHATBOT ને એકબીજા સાથે ચેટ કરવા માટે કામે લગાડી દીધાં. પરંતુ જ્યારે ફેસબુકે તે બે વચ્ચે થઇ રહેલાં વાર્તાલાપને જોયા તો તેમની આંખો પહોળી થઇ ગઇ કારણકે તેઓ એકબીજા સાથે વાત કરવા માટે એક અલગ જ ભાષાનો ઉપયોગ કરી રહ્યાં હતાં. જે દેખાવમાં અંગ્રેજી જેવી જરૂર હતી પરંતુ આપણાં માટે તેને સમજવું અસંભવ હતું. જુઓ તેમના વાર્તાલાપનો અંશ......
-
Bob:- i can ii everything else…………….
Alice:- balls have zero to me to me to me to me to me to me
Bob:- you i everything else……………
Alice:- balls have a ball to me to me to me to me to me to
Bob:- i……………
કંઇ સમજાયું? હેરતની વાત એ છે કે ભલે આપણે તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલ ભાષા સમજી ન શક્યાં પણ તે બન્ને CHATBOT આ ભાષાને સારી રીતે સમજી રહ્યાં હતાં. ખરેખર ચેટને અસરકારક બનાવવા માટે તેઓએ અંગ્રેજીના બદલે એક optimum ભાષાનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું. આ ભાષા સમજમાં ન આવવાના કારણે ખતરનાક પણ સાબિત થઇ શકે તેમ હતી, માટે પ્રોગ્રામને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો.
-
હવે નજર કરીએ શું થશે અગર AGI(Artificial General Intelligence) નું નિર્માણ શક્ય બન્યું તો? આ માટે બે અલગ-અલગ મત છે. પ્રથમ:- AI સંપૂર્ણપણે મનુષ્યોનો નાશ કરી નાંખશે. બીજો:- AI બ્રહ્માંડના રહસ્યો ઉપરથી પડદો ઉઠાવવા માટે મનુષ્યોની મદદ કરશે જેના થકી મનુષ્ય અમરત્વ પ્રાપ્ત કરી લેશે. ચાલો વાત કરીએ પ્રથમ સંભાવનાની.....
-
એકવખત અગર મશીનો આપણી જેમ બુદ્ધિમાન થઇ ગયા તો, તેમની બુદ્ધિ આપણી જેમ linearly(ધીમેધીમે) નહીં પરંતુ exponentially(ઘાતાંકમાં) વિકસિત થશે. કહેવાનો મતલબ છે કે જેટલું આપણે હજાર વર્ષમાં શીખીશું મશીનો તેજ થોડાં દિવસોમાં જ શીખી લેશે. આ વિકાસદર ને કારણે આપણે તેમને યુધ્ધમાં પણ ક્યારેય માત નહીં આપી શકીએ. ઇતિહાસ સાક્ષી છે કે જે પ્રજાતિએ અત્યારસુધી આ પૃથ્વી ઉપર જનમ લીધો છે તેણે ખુદને બચાવવાની તથા પોતાની પ્રજાતિને આગળ વધારવાની હર સંભવ કોશિશ કરી છે. માટે એવું કોઇજ કારણ દેખાતું નથી કે AI આવું નહીં કરે.
-
પોતાની પ્રજાતિની સંખ્યા વધારવા માટે તેમને જરૂર હશે પૃથ્વી ઉપર મૌજૂદ raw material ની. હવે પૃથ્વી ઉપર ફક્ત મનુષ્યો જ એવા જીવ હશે જે તેમની સિવાય raw material નો ઉપયોગ કરતા હશે. એવામાં તેઓ મનુષ્યોને પોતાના દુશ્મન સમજવા માંડશે અને એ બિલકુલ શક્ય છે કે તેને તેઓ ખતમ કરવાની કોશિશ પણ કરશે. આવું કરવા માટે તેમને કોઇ યુધ્ધ લડવાની જરૂર નહીં રહે કારણકે તેઓ highly intelligent હશે માટે આ કામ તેઓ કોઇ બાયોલોજીકલ હથિયાર અથવા નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને આસાનીથી કરી શકશે.
-
AI થી આપણે એટલે પણ ભયભિત થવાની જરૂર છે કે....પૃથ્વીનો ઇતિહાસ આપણને કહે છે કે જે પ્રજાતિ બીજાથી વધુ બુદ્ધિશાળી હોય છે તે તેમની ઉપર રાજ કરવાની કોશિશ કરે છે. મનુષ્યોનું જ ઉદાહરણ લઇલો જે પૃથ્વીનું સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે. આપણે આપણાંથી ઓછા બુદ્ધિશાળી જીવો સાથે શું કર્યુ છે? ચાલો માની લઇએ આવું કંઇ નહીં થાય છતાં આપણને highly intelligent AI થી ખતરો તો હશે જ. ઉદાહરણ તરીકે....માનીલો આપણે આ દુનિયામાંથી ભૂખમરો ખતમ કરવા માટે એક AI બનાવ્યો. જેનું મિશન ફક્ત એક જ હશે કોઇપણ રીતે ભૂખમરો ખતમ કરવો. હવે આવું બે રીતે થઇ શકે છે (1) કોઇ એવી ટેકનિક બનાવવી જેનાથી ખેતીના પાકને હજારો ગણા વધારી શકાય. (2) મનુષ્યોને જ ખતમ કરી નાંખો, ન રહેશે મનુષ્ય ન રહેશે ભૂખમરો. મોટાભાગના AI સરળ રસ્તો જ પ્રથમ અપનાવે છે તો તેમના માટે બીજો વિકલ્પ જ સરળ રહેશે.
-
ચાલો હવે વાત કરીએ બીજી સંભાવનાની.....ફેસબુકના ફાઉન્ડર ઝુકરબર્ગ સહિત ઘણાં લોકોનું કહેવું છે કે AI આપણી જરૂરિયાત છે. એમની મદદ વગર ન તો આપણે બ્રહ્માંડના રહસ્યોને જાણી શકીએ છીએ, ન તો તે હાંસિલ કરી શકીએ છીએ જે આપણે હાંસિલ કરવા માંગીએ છીએ. કારણકે આપણાં મગજમાં મૌજૂદ ન્યૂરોન્સના પ્રોસેસિંગ પાવર, સ્ટોરેજ તથા સ્પીડની એક લિમિટ હોય છે. માટે આ બધુ કરવા માટે આપણને લાખો વર્ષ જશે જે AI ની મદદથી આપણે થોડાક જ વર્ષોમાં હાંસિલ કરી લઇશું. ઉદાહરણ રૂપે......સમય વિતતા તેમની બુદ્ધિમત્તા પૂરપાટ ઝડપે વિકસતી જશે, જેના કારણે એક સમય એવો આવશે જ્યારે તેઓ આ બ્રહ્માંડ તેમજ જીવન વિશે સઘળુ જ જાણી લેશે. જેમકે.....ટાઇમ મશિનનું નિર્માણ કરી આપશે, જીવનની શરૂઆત બ્રહ્માંડમાં કઇરીતે થઇ એ પણ કહી દેશે, તેમની માટે atoms ને re-assemble તેમજ de-assemble કરવું કોઇ મોટી વાત ન હશે જેના કારણે તેઓ કચરામાંથી ફરી આપણા માટે ખોરાક બનાવી શકશે, તેઓ બીમારીને પણ જડમૂળમાંથી ખતમ કરવા માટે પણ સક્ષમ હશે, નેનો ટેકનોલોજીની મદદથી આપણાં કોષોને લગાતાર repaire કરતાં રહી તે આપણને વૃદ્ધ થતાં પણ રોકી દેશે જેના લીધે મનુષ્યો અમરતા પ્રાપ્ત કરી લેશે. આગળ શું શું થઇ શકે તેની સંભવનાઓ અનંત છે.
-
અંતે AI આપણાં માટે ફાયદાકારક હશે કે નુકસાનકારક? એ કહેવું કઠીન છે કારણકે super intelligent થયાં બાદ તે કયો રસ્તો અપનાવે તેની ઉપર બધુ નિર્ભર છે.

No comments:
Post a Comment