Sunday, March 8, 2020

લોકકલા

કવિતા અગર સત્તા વિરૂધ્ધ નથી, તો તે કવિતા નથી. સાહિત્યએ સદાય સત્તાની વિરૂધ્ધમાં હોવું જોઇએ. સત્તાનો પક્ષધર લેખક સાહિત્યકાર નહીં પરંતુ દરબારી હોય છે. વરઘોડામાં વાગતું બેન્ડ શું હોય છે, ક્યારેય વિચાર્યું? બેન્ડ, એ નાચગાન સમુહ છે જે સેનામાં સૌથી આગળ રહી, રાજા અને તેની સેનામાં આવેગ ભરી, તેમને ઉત્તેજીત અને ઉગ્ર બનાવે છે. એમનો ઉદ્દેશ્ય ફક્ત એટલો જ હોય છે કે, રાજા અને તેની સેનાનો ઉત્સાહવર્ધક મહિમાગાન કરવો. દરબારી કવિ/ગાયક/કલાકાર પણ ફક્ત એટલામાટે જ જીવિત હતાં કે રાજાનો મહિમા ગાઇને પોતાનું પેટ ભરી શકે. રાજા તેમને ઔપચારિક ઇનામ આપતા અને તેમની કલાને માન/પહેચાન આપતા.
-
પરંતુ આનાથી વિપરિત પણ એક કલા હતી, હજીપણ છે. તે છે.....લોકકલા. લોકકલા મતલબ લોકકથાઓ, લોકગીત, લોકનૃત્ય, લોકસંગીત. આ સઘળું રાજા વિરૂધ્ધ તેમજ ઇમાનદાર હોય છે. તેમાં શાસનની કરતૂતો દ્વારા ભોગવાયેલ તકલીફોનું વર્ણન અને વિવરણ હોય છે. તેમાં અન્યાયો વિરૂધ્ધ, સામાન્ય માણસના સાહસની ગાથા હોય છે. લોકકલાઓ મુક્ત હોય છે.....એકદમ આઝાદ, કેમકે તે લાભ માટે રચવામાં નથી આવતી. માટેજ તે ગરીબ હોય છે પરંતુ હર પ્રકારના બંધનોથી આઝાદ અને નિર્ભય હોય છે.
-
સમાજમાં લોકકલાઓ શાસક વર્ગોની નહીં પરંતુ સામાન્ય માણસ, કમજોર પ્રજા અને ગરીબોની હોય છે. શાસક વર્ગની તો કોઇ કલા જ નથી હોતી. તેઓ તો વેતનભોગી દરબારીઓના ભરોસે કલાના સંપર્કમાં હોય છે. શાસક વર્ગ બસ મૂક દર્શક હોય છે, કલાઓના ઉપભોક્તા હોય છે. કેમ શાસકોની કોઇ સાંસ્કૃતિક તથા કલાત્મક વિરાસત નથી, જ્યારે કલાની હર મૌલિક વિદ્યા પર લગભગ ગેરશાસકોનું વર્ચસ્વ છે? (લેવું ન જોઇએ છતાં....)શાસ્ત્રોનું જ ઉદાહરણ લઇએ તો, કેમ ગરીબ, ફક્કડ ગિરધારી શિવ પોતેજ ડમરૂ વગાડીને તાંડવ કરે છે? કેમ ગાયોનો ગોવાળ કૃષ્ણ પોતેજ વાંસળી વગાડે છે, જ્યારે સ્વર્ગનો રાજા ઇન્દ્ર, સિંહાસન પર બેસી અપ્સરાઓનું નૃત્ય જુએ છે?
-
ટૂંકમાં જે પણ કલા, સાહિત્ય.....સામાન્ય લોકો/જનતાની વાત કરશે, તે શાસનની વિરૂધ્ધની જ વાત કરશે. એટલામાટે કવિ અને કવિતા, નાટક અને અભિનેતા, સાહિત્ય અને સાહિત્યકાર, પત્રિકા અને પત્રકારે સદાય સત્તાની વિરૂધ્ધ જ હોવું જોઇએ. અગર તેઓ આવું નથી કરતાં તો તેઓ લોક નહી દરબારી થઇ ગયા છે એમ માનવું અને દરબારીઓની કોઇ સાંસ્કૃતિક વિરાસત નથી હોતી. તેઓ કલાકાર છે જ નહીં. સંસ્કૃતિ રાજાની નહીં પ્રજાની હોય છે. ફરી એકવાર.....કવિતા અગર સત્તાની વિરૂધ્ધ નથી તો તે કવિતા નથી.

No comments:

Post a Comment