Sunday, March 15, 2020

હું એકલો શું કરી શકું???





ભારતમાં હરવર્ષ આશરે બે લાખ લોકો ફક્ત એટલામાટે મૃત્યુ પામે છે કેમકે તેમને રોજીંદી જરૂરિયાત જેટલું પાણી પણ નથી મળતું. ભારત સરકારની ઉચ્ચ પ્લાનીંગ એજન્સી નીતિ આયોગનું કહેવું છે કે ભારત પોતાના ઇતિહાસની સૌથી ખતરનાક water crisis(જળસંકટ) માંથી પસાર થઇ રહ્યું છે. 2020 મતલબ ચાલુ વર્ષના અંત સુધીમાં દિલ્હી, બેંગલોર અને હૈદરાબાદ જેવા 21 મોટા શહેરોનું ground water(ભૂગર્ભ જળ) ખતમ થઇ જશે. વિતેલ દસ વર્ષોમાં ભૂગર્ભ જળનું સ્તર આશરે 61% સુધી ઘટી ગયું છે. તેમજ 2030 સુધી દેશની 41% વસ્તીને પીવાલાયક સ્વચ્છ પાણી નહીં મળે. આ સઘળી પરિસ્થિતિ માટે જવાબદાર ફક્ત અને ફક્ત આપણે જ છીએ.
-
ચાલો જે થવાનું હતું તે થઇ ગયું પરંતુ હવે આપણે એકલા શું કરી શકીએ? આના પ્રત્યુત્તરમાં એક સત્યઘટના સંભળાવું......મુંબઇમાં એક બીચ હતો જે પ્લાસ્ટિક અને પોલિથીન વડે ખદબદતો હતો. બીચને અડીને ઘણાં ફ્લેટ હતાં. બીચની આસપાસ ઝૂપડપટ્ટી પણ હતી. ઝૂપડપટ્ટીના છોકરાઓ ત્યાં કચરો વીણતાં પરંતુ તેઓ પોલિથીન ઉઠાવતા ન હતાં. કેમકે એક પોલિથીનનું વજન ખુબજ ઓછું હોય છે. તેથી તેમના માટે તે ખાસ લાભકારક ન હતું. પછી એક દિવસ તે ફ્લેટોમાં એક કુટુંબ રહેવા આવે છે. તે કુટુંબનો એક વ્યક્તિ સવારે બારીની બહાર નજર કરે છે અને તેને પાંચ-છ ફૂટનો કચરાનો ઢગલો બીચ ઉપર જોવા મળે છે. આ નજારો ત્યાંના અન્ય રહેવાસીઓ દરરોજ જોતા હતાં. પરંતુ આ માણસ અનોખી માટીનો હતો.
-
આ વ્યક્તિ સોશ્યલ મીડિયાથી સંકળાયેલ ન હતો. માટે ન તો તેણે તે જગ્યાનો ફોટો ખેંચી સોશ્યલ મીડિયામાં મુક્યો કે ન તો તેણે કોઇને એવું કહ્યું કે.....યાર સરકાર આનું કંઇ કરતી કેમ નથી? કેટલી ગંદકી છે અહીંયા? પરંતુ તેણે કંઇક એવું કર્યું જે કહેવાતો ભણેલ કે સમજદાર વ્યક્તિ નથી કરતો. ઓક્ટોબર 2015ની એક સવારે તે ચુપચાપ બીચ ઉપર ગયો અને પોલિથીનને અલગ કરીને કચરો વીણવા લાગ્યો. બે-ચાર જણાએ તેને કહ્યું પણ ખરૂ કે ગાંડો થઇ ગયો છે કે શું, એકલો ક્યાં સુધી કરીશ આવું? પરંતુ અગર તે વ્યક્તિ તે દિવસે પીછેહટ કરી લેત તો તે કેવળ તે વ્યક્તિની જ હાર ન થાત બલ્કે એક એવા દ્રષ્ટિકોણની પણ હાર થાત જે એવું વિચારવાવાળાને ઇગ્નોર કરે છે કે.....હું શું કામ કરૂં? આ મારૂ કામ થોડુ છે? મારા એકલાના કરવાથી શું થશે? મારૂ ઘર તો સ્વચ્છ છે ને?
-
તે પોતાના કાર્યમાં લાગેલો રહ્યો. તેને જોઇ ધીમેધીમે આજુબાજુના રહીશો અને ફિલ્મ અભિનેતાઓ પણ તેની સાથે જોડાતા ગયા અને સઘળુ કાર્ય એક movement માં રૂપાંતર પામી ગયું. વેલ, તે વ્યકિતનું નામ છે અફરોઝ શાહ અને બીચનું નામ છે વરસોવા બીચ(જુઓ ઇમેજો). 2016 માં અફરોઝને યુનાઇટેડ નેશન્સે Chamions of Earth નો એવોર્ડ પણ આપ્યો. અફરોઝનું કહેવું છે કે આ કેવળ એક બીચની સફાઇ નથી પરંતુ એક પ્રયાસ છે એ લોકોની માનસિકતાને બદલવાનો જેઓ એમ કહે છે કે કેવળ મારા એકલાના કરવાથી શું ફરક પડશે?
-
આમ તો આપણે આપણી ધરતી/પ્રકૃતિને 'મા' કહીએ છીએ. પરંતુ શું કોઇ સબંધ ફક્ત કહી દેવાથી જ સબંધ બની જાય છે? ફક્ત તે સબંધનો ડિબેટમાં ટોપિક બનાવી દેવા માત્રથી કંઇ થઇ નથી જતું. તેને નિભાવવો પણ પડે છે. શું આપણે આપણી આવનારી પેઢી માટે એક એવી પૃથ્વી છોડીને જોઇશું જ્યાં પોલિથીનના પહાડ હોય? જ્યાં માસ્ક વગર શ્વાસ ન લઇ શકાય? અથવા જ્યાં સ્વચ્છ પાણી માટે દૂર સુધી ભટકવુ પડે?
-
તો પાણીની સમસ્યા માટે વ્યક્તિગત કોઇ ભગીરથ કાર્ય કરવાની જરૂર નથી. જેમકે વરસાદી પાણીનો સંગ્રહ કરો, વોટર મેનેજમેન્ટ પ્લાન બનાવો વગેરે. હાં આ કરી શકતા હો તો ઉત્તમ કાર્ય છે પરંતુ અગર ના કરી શકતા હોય તો આટલું તો કરી જ શકો કે જ્યારે પણ/કોઇપણ જગ્યાએ ચાહે તે ઘર હો, ઓફિસ હો કે સ્કૂલ હો....પાણીના નળ કે શાવરને ખોલો ત્યારે ફક્ત એક વાતનું ધ્યાન રાખો કે આ પાણી માટે કેટલાંય લોકો જીવના જોખમે કુવાની અંદર ઉતરે છે તેમજ કેટલાંય લોકો અમુક કિલોમીટરની પગપાળા મુસાફરી કરે છે. કેમકે પાણી તેઓની ખ્વાઇશ નથી પરંતુ એક જરૂરિયાત છે. આ જરૂરિયાત જેટલી એક અમીરની છે તેટલીજ એક ગરીબની પણ છે. માની લીધું તમારી પાસે પૈસા છે અને તમે પાણીનું બીલ પણ ભરો છો પરંતુ કુદરતી સંસાધનો ફક્ત તમારા જ નથી. પૈસા ક્યારેય પણ આ સંસાધનોની જગ્યા ન લઇ શકે. એકવાત યાદ રાખજો.....અગર તમે લોકોની ઇચ્છા પરિપૂર્ણ ન કરો તો શાયદ તેઓ શાંત રહી શકે છે પરંતુ અગર તમે તેઓની મૂળભૂત જરૂરિયાત છીનવી લેશો તો તેમનું શાંત બેસવું મુશ્કેલ થઇ જશે.

No comments:

Post a Comment