મેટ રીડલેના એક પુસ્તક "The Red Queen" માં પ્રજાતિઓની અસ્તિત્વ માટેની દોડનો સરસ ઉલ્લેખ છે........ તમારા મનમાં એક ટ્રેડમિલ(જીમમાં મૌજૂદ દોડવા માટેનું એક સાધન) ની કલ્પના કરો. ટ્રેડમિલનો બેલ્ટ ઝડપથી ફરી રહ્યો છે. અગર તમારે પડી જવાથી બચવું હોય, તો તેની ઉપર દોડો, દોડતા રહો, થંભી જવાની મનાઇ છે. તમારી ગતિનો ટ્રેડમિલની ગતિ સાથે તાલ મેળવો, અન્યથા તમે પડી જશો અને બની શકે કે ઇજાગ્રસ્ત પણ થઇ જાઓ.
-
હવે એક બીજી સ્થિતિને સમજો.....એકજ ટ્રેડમિલ ઉપર આગળ એક ચોર છે અને પાછળ એક પોલિસ. બન્ને થોડા અંતરે છે. ટ્રેડમિલનો બેલ્ટ ફરી રહ્યો છે અને બન્ને તેની ઉપર દોડી રહ્યાં છે. હવે આ સ્થિતિમાં બન્નેએ પોતપોતાની ગતિ એટલી રાખવી પડશે કે ન તો તેઓ બેલ્ટ ઉપર પડે તેમજ ન તો તેઓ એકબીજાના સંપર્કમાં આવે. ચોરે એટલી ઝડપથી ભાગવુ પડશે કે તે પોલિસના હાથમાં ન આવે અને પોલિસે એટલી ઝડપથી ભાગવુ પડશે કે તે હર હાલમાં ચોરને ઝડપી લે. બન્નેની ઇચ્છાઓ વિરોધાભાસી છે છતાંય બન્નેએ તેજ રફતારે દોડવાની કોશિશ તો કરવી જ પડશે.
-
નિરંતર બદલાઇ રહેલા પર્યાવરણમાં સજીવો માટે પણ કંઇક આવું જ થઇ રહ્યું છે. બે પ્રજાતિઓ જે આપસમાં પ્રતિયોગિતા કરી રહી છે, બન્ને પોતાને બદલવાની પ્રક્રિયામાં કાર્યરત રહેશે. અન્યથા એકદિવસ ખતમ થઇ જશે અને ફળસ્વરૂપ આનો પ્રભાવ બીજી પ્રજાતિ ઉપર પણ પડશે. અંતે તેનો પણ નાશ થઇ શકે છે. જુઓ કેવી રીતે.....
-
કોઇ જંગલમાં ઘણાં બધા સસલાઓ પણ છે અને શિયાળો પણ. શિયાળથી બચવા માટે સસલાને તેજ શ્રવણ શક્તિવાળા કાન અને ચપળ પગ જોઇએ. અન્યથા એકદિવસ તેઓ સઘળા શિયાળોના મોં ના કોળિયા બની જશે. એટલામાટે સસલાઓની શ્રવણ શક્તિ અને ચપળ-ચંચળ ચાલ વિકસિત થઇ. પરંતુ પછી શિયાળે પણ જીવવાનું છે. એટલામાટે તેમના શરીરમાં પણ આવશ્યક બદલાવ થયાં જેથી તેઓ સસલાઓને પકડીને ખાય શકે. બે પ્રતિયોગી પ્રજાતિઓ જીવતા રહેવા માટે નિત્ય સ્વંયને બહેતર-વધુ-બહેતર બનાવતી જાય છે. આ રીતે આ... શિયાળ અને સસલા વચ્ચે હંમેશા ચાલનારી તેમજ ક્યારેય ન અટકનારી આયુધ-પ્રતિયોગિતા છે. જે જીવનના ટ્રેડમિલ બેલ્ટ ઉપર દોડી રહી છે.
-
અહીં બીજુ એક પ્રકરણ ઉમેરાય છે.....કે સેક્સ શું કામ બન્યુ? કુદરતે આ વિધિને સંતાનોના જન્મ માટે શું કામ પસંદ કરી? અલૈંગિક પ્રજનન(asexual reproduction) વડે પણ સંતાનો ઉત્પન્ન થઇ શકે છે એ પણ આસાનીથી. તો પછી જટીલ એવી આ સેક્સની ક્રિયાનો જીવોમાં સમાવેશ કરવા પાછળનો પ્રકૃતિનો ઉદ્દેશ્ય શું? શા માટે આસાન રસ્તો ન અપનાવીને પ્રકૃતિએ મુશ્કેલ માર્ગની પસંદગી કરી? સેક્સ માટે બીજો પાર્ટનર જોઇએ જે મળે કે ન પણ મળે. તેથી સેક્સ(લૈંગિક પ્રજનન) ઘણું જટીલ તેમજ દિક્કતવાળું કામ છે છતાંય અધિકતર ઉચ્ચતર જીવો આજ ક્રિયા દ્વારા પોતાના સંતાનો પેદા કરે છે. ફરી એજ સવાલ...સેક્સ શું કામ બન્યુ?
-
પુરૂષને કુદરતે બનાવ્યો જ શું કામ? ફક્ત સ્ત્રી અને સ્ત્રી જ હોત તો શું ખોટું હતું? તે સંતાનને અલૈંગિક પ્રજનન વડે પણ જન્મ આપતે(જેમ હાલમાં પણ ઘણાં જીવો જન્મ આપે છે તેમ). અગર એકજ લિંગની પસંદગી કરવી હોત તો પ્રકૃતિ સ્ત્રીની કરતે કારણકે પુરૂષતો ગર્ભ પણ ધારણ નથી કરી શકતો તો પછી તેઓની એવી તે શું ઉપયોગિતા જેના માટે તેઓ કુદરતમાં ઉપસ્થિત થયાં.
-
જવાબ છે અસ્તિત્વની દોડ, પરસ્પર પ્રતિયોગિતા. આપને થશે સેક્સ અને અસ્તિત્વને શું લેવાદેવા? અલૈંગિક પ્રજનન વડે પણ અસ્તિત્વ તો ટકેલું રહે છે. અહીં એક ઉદાહરણ જુઓ....મચ્છર મનુષ્યની તુલનાએ ઘણી ઝડપે તેમજ ઘણાં બધા ઇંડા મુકી બચ્ચાઓને જન્મ આપે છે. તેમને યુવા થવામાં અને સંતાનો જણવામાં મનુષ્યોની જેમ વીસ-ત્રીસ વર્ષ નથી લાગતાં. પરિણામ સ્વરૂપ તેમની ભીતર આનુવાંશિક બદલાવ તીવ્ર ઝડપે થાય છે જે મનુષ્યો માટે હાનિકારક પણ છે. મનુષ્યોને યુવા થઇ પ્રજનન કરવામાં સમય લાગે છે માટે તેમની ભીતરના આનુવાંશિક બદલાવ લૈંગિક પ્રજનન વડે એટલા ઝડપી તો અવશ્ય રહે છે કે મચ્છરોમાં થઇ રહેલા બદલાવ સાથે સ્પર્ધા કરી શકે. અન્યથા તેજીથી નિત્ય બદલાતા મચ્છરો એકદિવસ સમગ્ર સંસારના મનુષ્યોનો નાશ કરી નાખે.
-
એટલા માટેજ મચ્છર અને મનુષ્ય બન્નેએ સેક્સની પસંદગી કરી. અગર બે માંથી એકપણ જો અલૈંગિક પ્રજનન કરતે, તો તે પ્રજાતિમાં બદલાવ ઘણો અતિઘણો ધીમો હોત. પરિણામ સ્વરૂપ બીજો સેક્સ દ્વારા પહેલાંથી અધિક સ્માર્ટ થઇને પહેલાંનું નામોનિશાન મીટાવી દેત. પરંતુ હવે બન્ને લૈંગિક પ્રજનન કરી જીવનની આ દોડમાં દોડી રહ્યાં છે જેથી કરીને એકબીજાની સાપેક્ષ જીવિત રહે. બન્ને બદલાતા રહ્યાં અને બનેલા રહ્યાં. આનુવાંશિક સ્તર પર જીવ-પ્રજાતિઓ નિરંતર બદલાઇ રહી છે. આપણે આ બદલાવોને જોઇ કે મહેસુસ નથી કરી શકતાં કારણકે આપણે ફક્ત 60-70 વર્ષ જીવીને સમાપ્ત થઇ જઇએ છીએ. જ્યારે આ બદલાવો હજારો લાખો વર્ષોના સમયગાળામાં સ્થૂળરૂપે સ્પષ્ટ હોય છે.

(સ્કંદ દ્વારા)
No comments:
Post a Comment