Monday, March 2, 2020

છદ્મ(Pseudo) વિજ્ઞાન

બાળકને જન્મ આપતી વખતે “માં” ને કેટલું દર્દ થાય છે? ગૂગલ ઉપર આ પ્રમાણે સર્ચ કરી જુઓ, જવાબ ઇમેજ પ્રમાણે મળશે. જેમાં માતાની મહીમા દર્શાવીને કહ્યું છે કે....માનવ શરીર 45 ડેલ(યૂનિટ) સુધીનું દર્દ સહી શકે છે જ્યારે બાળકને જન્મ આપતી વખતે માં ને 57 ડેલ(યૂનિટ) સુધીનું દર્દ થાય છે. આ દર્દ વીસ હાડકા એકસાથે તૂટવા જેટલું અધિક છે. શું આ સાચું છે? ના....આ તદ્દન ખોટી વાત છે. આ રહી હકિકત.....
-
અગર માનવ શરીર ફક્ત 45 ડેલ સુધીનું જ દર્દ સહી શકતું હોય તો એથી વધુ દર્દ સહેવું અસંભવ હોવું જોઇએ(57 ડેલની તો પછી વાત જ ક્યાંથી આવી?). અર્થાત, 45 ડેલનો દાવો સાચો પ્રતિત નથી થાતો. થોડી કોમન સેન્સ વાપરતા સમજી શકાશે કે આ વાત કેટલી અસત્ય છે.
-
હકિકતે દર્દની તિવ્રતાને માપવા માટે ડેલ જેવું કોઇ યુનિટ જ નથી. ન કેવળ દર્દને બલ્કે માનવ શરીરને થતી કોઇપણ અનુભૂતિને કોઇપણ રીતે માપવું સંભવ નથી. વૈજ્ઞાનિક જગતમાં ડેલ જેવા યુનિટને કોઇ ઓળખતું નથી. આશ્ચર્ય સાથે કહેવું પડે કે લોકો પોતાની વાત સાચી સાબિત કરવા માટે કોઇપણ સીમા સુધી જઇ તેને તથ્યના વાઘા પહેરાવવા મથે છે. અગર દર્દને માપવું સંભવ જ નથી તો પછી પ્રસુતિ વખતે માતાને કેટલું દર્દ થાય એ કેમ ખબર પડે? પ્રસુતિ વખતે સ્ત્રીને થતો દર્દ એક સ્વ અનુભવ છે. હર મહિલા તેને અલગ-અલગ વર્ણિત કરે છે. ઘણી મહિલાઓને આ દર્દમાં એક પ્રકારની ખુશીનો પણ એહસાસ થાય છે(so how can you calculate the pain??).
-
જન્મ લેનાર હર બાળકનો આકાર તેમજ વજન સરખુ નથી હોતું. બાળક જે માર્ગ દ્વારા બાહર નીકળે છે તેનો આકાર પણ અલગ-અલગ હોય છે. કેટલીક સ્ત્રીઓ ઊભી અવસ્થામાં તો કેટલીક બેઠેલી તેમજ ઘણી સ્ત્રીઓ સુતેલી અવસ્થામાં પ્રસુતિ કરે છે. માટે ઘણા એવા ફેક્ટર્સ હોય છે જે કોઇપણ પ્રસુતિને સરળ અથવા કઠીન બનાવે છે. એવી જ રીતે બાળકના જન્મ સમયે થનારા દર્દની તુલના અન્ય કોઇ દર્દ સાથે પણ ન કરી શકાય. જગતનો કોઇપણ મનુષ્ય એ નથી બતાવી શકતો કે કેટલાં હાડકા તૂટવાથી કેટલું દર્દ થાય(વીસ હાડકા તો ખેર, બહુ દૂરની વાત છે!!!)

No comments:

Post a Comment