Monday, March 2, 2020

કુછ પાને કે લીયે કુછ ખોના પડતા હૈ

વાત સીત્તેરના દાયકાના શરૂઆતી વર્ષોની છે. 1969ની સુપરહીટ ફિલ્મ આરાધનાની સફળતાની સાથે મનોરંજનની દુનિયામાં ધ્રુવના તારાની જેમ ચમકી રહેલા રાજેષ ખન્નાના ફિલ્મી કરિઅરમાં ઇત્તેફાક, ડોલી, ખામોશી જેવી હીટ ફિલ્મોએ સુવર્ણ પુષ્પગુચ્છ ઉમેરી દીધું. સુપરસ્ટારના છત્ર નીચે સફળતામાં આળોટતા રાજેષ ખન્નાનો અહંકાર પણ પોતાની ચરમસીમાએ હતો.
-
એ સમય દરમિયાન 1970માં રાજેષ ખન્નાને ખબર મળી કે નિર્દેશક ઋષિકેષ મુખર્જી પોતાની નાના બજેટની ફિલ્મને લઇને હીરોની તલાશમાં હતાં. લેખક ગુલઝારના માધ્યમથી તેમને ફિલ્મની વાર્તાની માહિતી મળી. વાર્તા સાંભળી રાજેષ ખન્ના ઋષિદાની ઓફિસે પહોંચ્યા અને કહ્યું, “ઋષિદા આ ફિલ્મતો હું જ કરીશ.” આ સાંભળી ઋષિદાએ કહ્યું મારી ફિલ્મ નાના બજેટની હોવાથી મારી ત્રણ શરતો છે....(1) તમને હું કેવળ એક લાખ રૂા. આપીશ(યાદરહે એ સમયે રાજેષ ખન્નાની ફી 8 લાખ હતી). (2) તમારે તારીખો મને એકીસાથે ફાળવવી પડશે. (3) શૂટિંગ માટે સમયસર આવવું પડશે. બોલો છે મંજૂર?
-
ઋષિદાની શરતો સાંભળી જવાબમાં રાજેષ ખન્નાએ પોતાની ડાયરી કાઢી તેમની સામે રાખી કહ્યું, “દાદા જ્યારે અને જેટલી તારીખો જોઇતી હોય તમારા હાથે લખી નાંખો બીજા બધાને હું મેનેજ કરી લઇશ. એક લાખની ફી પણ ફાઇનલ અને શૂટિંગ માટે સમયસર પહોંચી જઇશ.” સૌથી લોકપ્રિય તેમજ અહંકારી સુપરસ્ટારે પણ આ ફિલ્મ માટે પોતાના પ્રચંડ અહમને મારી નાંખ્યો(ફક્ત કથાવાર્તા અને ઋષિદાના ટેલેન્ટના કારણે). બન્ને વચ્ચે ડીલ ફાઇનલ થઇ અને ફિલ્મ બનવાની શરૂ થઇ. અંતે ફિલ્મ પણ એવી બની કે, આજે 47 વર્ષ પછી પણ દુનિયાભરની 47 લાખથી વધુ ફિલ્મોના સૌથી મોટા ઓનલાઇન સંગ્રહ IMDB (Internet Movie Database) ની સર્વાધિક લોકપ્રિય ભારતીય ફિલ્મોની સૂચીમાં આ ફિલ્મનું નામ પ્રથમ નંબર ઉપર છે. સમય વિતતા રાજેષ ખન્નાની અન્ય સુપરહીટ ફિલ્મો ધીમેધીમે પોતાની ચમક ગુમાવતી રહી પરંતુ 47 વર્ષ પછી પણ આ ફિલ્મની લોકપ્રિયતામાં રતિભારનો પણ ફરક નથી પડ્યો. વેલ, એ ફિલ્મ છે......આનંદ.

No comments:

Post a Comment