Monday, March 2, 2020

બેલા

બેલા નામની માદા ગેંડા દક્ષિણ આફ્રિકાના ક્રેગા કામ્મા પાર્કની રહેવાસી હતી. તે ચાર બચ્ચાઓની માં બની ચુકી હતી. હાલમાં જ તેનું મૃત્યુ થયું છે. ખરેખર તો મૃત્યુ નહીં પણ હત્યા થઇ છે એ પણ તેના ફક્ત એક ઇંચ જેટલા શિંગડા માટે.
-
દુનિયાભરમાં ગેંડાની પાંચ પ્રજાતિઓ જોવા મળે છે. કુદરતે તેમને ખાસ પ્રકારના શિંગડા વડે સજ્જ કર્યા છે પરંતુ કુદરતનો આ ઉપહાર તેમની મૃત્યુનું કારણ બની રહ્યો છે. પાંચ પ્રજાતિઓમાંથી એક એવી નોર્ધન વાઇટ રાઇનોની પૂરી પ્રજાતિ લગભગ સમાપ્ત થઇ છે. લગભગ એટલા માટે કે, આ પ્રજાતિનો આખરી બચેલ ગેંડો સુડાન મરી ચૂક્યો છે. હવે આ પ્રજાતિની આખરી બે માદા બચી છે. એમની મૃત્યુ સાથે આ પ્રજાતિ પર હંમેશ માટે પડદો પડી જવાનો છે. નોર્ધન વાઇટ રાઇનોના નામશેષ થવાનું કારણ એમના શિંગડા હતાં જેના લીધે તેમની અંધાધુંધ હત્યાઓ કરવામાં આવી.
-
બેલા એક વાઇટ રાઇનો હતી. ગેંડાની આ પ્રજાતિ ઉપર પણ વિલુપ્ત થવાનો ખતરો મંડરાય રહ્યો છે. શિંગડાને લીધે ઉદભવેલ ખતરાને કારણે પાર્કના અધિકારીઓ પોતે જ તેનું શિંગડુ કાપી નાંખતા હતાં જેથી શિંગડુ દેખાય નહીં અને શિકારીઓના કહેરથી તેનું અસ્તિત્વ જોખમાય નહીં. પરંતુ થોડા સમય પછી તેનું શિંગડુ ફરી ઉગી નીકળતું હતું. આ વખતે પણ તેનું શિંગડુ ફક્ત એક ઇંચ જેટલુંજ વધ્યું હતું. પરંતુ શિકારીઓએ ફક્ત એક ઇંચ શિંગડુ હાસિલ કરવા માટે તેની હત્યા કરી નાંખી. મનુષ્યની લાલચ તેમજ અંધવિશ્વાસની ભેટરૂપે બેલાની બલિ ચઢી ગઇ.

No comments:

Post a Comment