Monday, March 2, 2020

અંગ્રેજી દેવી

લોકોને અંગ્રેજીમાં કહેલું કંઇપણ અર્થપૂર્ણ લાગે છે(ખાસ કરીને ભારતીયોને). ઉદાહરણ જુઓ.......કેન્સરથી લોકો ઘણા ડરે છે. અગર મારે લોકોને કંઇક વેચવું છે તો હું તેને વિટામિન કહીશ અને સાથે ઉમેરીશ કે આનાથી કેન્સર સારૂ થઇ જાય છે. એક જ વર્ષમાં હું લોકોને ટોપી પહેરાવી કરોડપતિ થઇ જઇશ. જી હા, વાત થઇ રહી છે એક વિટામિનની. એમીગ્ડાલિન(amygdalin) આજકાલ ચર્ચામાં છે. નામ નથી સાંભળ્યું આપે? જી, બિલકુલ નહીં જ સાંભળ્યું હોય. સાચા નામો નીરસ હોય છે અને કલિષ્ટ પણ. શું કરવું આપણાં કાન ને મુલાયમ જૂઠની આદત જે પડી ગઇ છે. આજ વિટામિનને આજકાલ B-17 તરીકે દર્શાવી ઇન્ટરનેટ ઉપર ધુંવાધાર પ્રચારિત કરાઇ રહ્યું છે અને દાવાઓ કરાઇ રહ્યાં છે કે તેનાથી કેન્સર મટાડી શકાય છે.
-
એમીગ્ડાલિનની કહાની આજકાલની નથી; 1950 થી પ્રચલિત છે. એનાથી કોઇ કેન્સર ઠીક નથી થતું બલ્કે તેમાં સાયનાઇડ હોય છે. જોકે તે એટલું ઝેરીલું નથી હોતું કે ફક્ત ચાખવાથી જ પ્રાણ પંખેરૂ ઉડી જાય. હાં, મહિનાઓ સુધી સેવન કરવાથી સાયનાઇડની ઘાતકતાની અસર અવશ્ય થઇ શકે. સફરજનના બીજમાં પણ એમીગ્ડાલિન હોય છે પરંતુ તે એટલું ઘાતક નથી હોતું. એનું કારણ છે સાયનાઇડ પણ અનેક તત્વોથી જોડાયેલ હોય છે. હર વખતે તે તેના ઘાતક મોડમાં નથી હોતું. પણ હાં, અગર લગાતાર મહિનાઓ સુધી બીજ અને બીજ જ ખાવાથી સાયનાઇડ શરીર ઉપર પોતાની ઝેરીલી અસર જરૂર દેખાડશે.
-
એમીગ્ડાલિનના કેન્સર ઉપચાર બાબતે ઘણાં રીસર્ચ હાથ ધરાયા, ઘણાં શોધપત્રો પણ છપાયા પરંતુ કંઇજ સકારાત્મક ન મળ્યું. ઉલ્ટુ, તેમાં સાયનાઇડ મૌજૂદ હોવાના કારણે પશ્ચિમના ઘણાં દેશોમાં તેને પ્રતિબંધિત કરી દેવાયું. પરતુ આપણે ભારતીયોતો ભોળા છીએ. વિટામિન, હર્બલ અને કેન્સર ત્રણેયને ભેગા કરીને આપણને કોઇપણ ઉલ્લુ બનાવી શકે છે. અરે! હજી આપણે હિન્દુ-મુસલમાનમાંથી ઉંચા નથી આવતા, એમીગ્ડાલિન અને સાયનાઇડ સુધી શું તંબુરો પહોંચવાના? તેઓ આપણાં ગજવાં કાપતા રહેશે, નફો રળતા રહેશે. કારણકે તેમને બજારની રૂખ ખબર છે, આપ ફક્ત ધર્મ-ધર્મ જપતા રહો અને ખીસ્સા ઢીલાં કરતા રહો.
-
ભોળપણ, મૂર્ખતા અને જડતા એકજ સ્પેક્ટ્રમમાં મળી આવતી ત્રણ મનોદશાઓ છે. ભોળા ઉપર આપ સ્નેહ વરસાવો છો કારણકે તેમાં બાળપણ દેખાય છે, મૂર્ખતા ઉપર રીસ સાથે હાસ્ય વરસાવો છો અને જડતા ઉપર ક્રોધ વરસાવો છો કારણકે તે આપની સાચી વાતમાં પણ કુતર્ક કરે છે. સંસારમાં સૌથી મોટો પૈસો છે અને આ સત્ય બજારનો લૂંટારૂ ઉદ્યોગપતિ સારી રીતે જાણે છે. આપ આપના ભગવાનો માટે મારો/મરો, મેં આપના ખિસ્સાંમાં કાણું પાડી દીધું છે.

(સ્કંદ દ્વારા)

No comments:

Post a Comment