Monday, March 2, 2020

પપ્પા

ઘણાં લોકો ફાધર્સ ડે જેવા દિને પોતાના પપ્પા વિશે લખતા હોય છે કે જીવનમાં એમણે કેવી રીતે સંઘર્ષ કર્યો, ગરીબીમાં પણ કેવી રીતે અમને ઉછેર્યા તેમજ અમારી ઇચ્છાઓ પૂર્ણ કરી, કેવી રીતે મજૂરી કરીને મોંઘી શિક્ષા અપાવી, કઇ રીતે પોતાની સાઇકલ વેચીને મારા માટે નવી સાઇકલ ખરીદી વગેરે વગેરે. આ બધી ભાવનાઓ સર્વથા સત્ય છે અને તેને નમન છે પણ........પણ.........
-
હવે એક અમીર બાપનો દિકરો પોતાના પપ્પા માટે શું લખશે? એ છોકરો....જેને મોંઘી કાર સ્કૂલે છોડવા માટે જાય છે, જેને સમજ નથી પડતી કે શું ખાવું? કેમકે એટલી બધી વાનગીઓ સામે ઉપલબ્ધ હોય છે, જેના પપ્પા માટે મોંઘા ભણતર અર્થે સંતાનને દુનિયાના કોઇપણ ખૂણે મોકલવું ડાબા હાથનો ખેલ છે, જેના બાપે હોસ્પિટલમાં ભટકવું નથી પડતું બલ્કે આખુ હોસ્પિટલ એમના નોકર બની એમની આસપાસ ઘુમે છે. એ છોકરો જે બાળપણથી જ ગર્ભશ્રીમંત છે, જેના પાપા એ સામ્રાજ્ય ઉભુ કર્યું છે, જેના પિતાને કોઇ જ દુ:ખ ભર્યુ સંઘર્ષ કરવું પડ્યુ નથી....તે દિકરો આખિરકાર પિતાના કયા સંઘર્ષને લઇને ભાવુક થશે? કયા પ્રકારે પોતાના પિતાને મહાન બતાવે?
-
બીજી વાત.....અમીર દેશોમાં, જ્યાં શિક્ષા એટલી મોંઘી નથી, સાધારણ શિક્ષણ ખર્ચ છે, સર્વેને આસાનીથી ઉપલબ્ધ છે, ત્યાંના પિતાએ પોતાના સંતાનોને ભણાવવા સંઘર્ષ નથી કરવો પડતો, સ્વાસ્થ્ય સુવિધાઓ એવી બેહતર છે કે ત્વરિત અને ગુણવત્તાસભર ઇલાજ ઉપલબ્ધ છે....એવા દેશોમાં પિતાની મહાનતા, એમના પ્રતિ પ્રેમ દર્શાવવા માટે બાળકો કયા શબ્દોની પસંદગી કરતા હશે? એમના કયા સંઘર્ષોને યાદ કરતા હશે? એ વિદેશી બાળક.....ભારત જેવા દેશોમાં જયાં સરેરાશ પિતા આર્થિક-સામાજીક પછાતપણાને કારણે સંઘર્ષ કરવાના અવસર પામી “મહાન” કહેવાય રહ્યા છે......શું વિચારતો હશે? શું તે એવું વિચારતો હશે કે કાશ! મારા દેશમાં પણ રોજગાર ઓછા હોત, કાશ! અમારી પણ શિક્ષણ વ્યવસ્થા મોંઘી હોત તો અમારા પિતાજીએ પણ સંઘર્ષ કરવો પડ્યો હોત જેથી અમે તેમને મહાન સિદ્ધ કરી શક્યા હોત.
-
શું પિતા પોતાના બાળકો પ્રતિ પ્રેમ ને કારણે મહાન છે કે જીવનમાં કરેલ સંઘર્ષોને કારણે(કે જે એમણે દેશના પછાતપણા તેમજ આર્થિક પરિસ્થિતિઓને કારણે કરવા પડ્યા છે)? શું અલ્પ વિકસિત દેશોના પિતાઓ વિકસિત દેશોના પિતાઓ કરતાં મહાન છે????

No comments:

Post a Comment