Wednesday, March 25, 2020

પૃથ્વીનો વિનાશ




મિત્રો, તમે સમાચાર તો સાંભળ્યા હશે કે 29 એપ્રિલ 2020ના દિવસે એક asteroid(સુક્ષ્મગ્રહ) પૃથ્વી સાથે ટકરાશે. ટક્કરના કારણે સમગ્ર પૃથ્વીની જીવસૃષ્ટિ નાશ પામશે. તો શું વાત સાચી છે? શું દુનિયા આટલી જલ્દી ખતમ થઇ જશે?
-
સૌપ્રથમ તે asteroid વિષે જાણીએ જે થોડા દિવસો પછી આપણી મૃત્યુનું કારણ બનવાનો છે. તેનું નામ છે 1998 OR2. તે મંગળ અને ગુરૂ ગ્રહ વચ્ચે મૌજૂદ asteroid belt(લઘુગ્રહ પટ્ટા) માંથી આવ્યો છે. તેનું કદ 2.5 કિ.મી થી 4.1 કિ.મી સુધીનું મનાય છે. તેની શોધ 1998 માંજ થઇ ચુકી હતી. ત્યારથીજ વૈજ્ઞાનિકો તેની હિલચાલ ઉપર નજર રાખી રહ્યાં હતાં. નાસાના Centre for Near-Earth Object Studies(CNEOS) ઘણી રિસર્ચ બાદ સુક્ષ્મગ્રહને Potentially Hazardous Object ની શ્રેણીમાં રાખ્યો છે. શ્રેણીમાં એવા પદાર્થોને રાખવામાં આવે છે જેમનું કદ 150 મીટરથી વધુ હોય તેમજ તેઓ પૃથ્વીની કક્ષાની ઘણી નજીકથી પસાર થતાં હોય.
-
આવતા મહિને તે પૃથ્વી પાસેથી પસાર થવાનો છે. અગર તે પૃથ્વી સાથે ટકરાય તો ફક્ત 4 કિ.મીનું કદ ધરાવતો સુક્ષ્મગ્રહ સમગ્ર પૃથ્વીની જીવસૃષ્ટિને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. કઇરીતે? થોડું વિશ્લેષણ કરીએ(ધારણા આધારિત).....આજથી લગભગ 6.6 કરોડ વર્ષ પહેલાં આપણી પૃથ્વી ઉપર Chicxulub નામનો લઘુગ્રહ ટકરાયો હતો. એજ લઘુગ્રહ હતો જેણે પૃથ્વી ઉપરથી ડાયનાસોરનો ખાત્મો કરી નાંખ્યો. લઘુગ્રહનું કદ 11 થી 81 કિ.મી. સુધીનું માનવામા આવે છે. તેની ગતિ 18 કિ.મી./સેકન્ડ હતી. જ્યારે તે પૃથ્વી સાથે ટકરાયો ત્યારે ઉત્પન્ન થયેલ ઉર્જાનો અંદાજો લગાવીએ.
-
આજસુધીનો સૌથી મોટો તેમજ શક્તિશાળી ન્યુક્લિયર બોમ્બ "Tsar" રશિયાએ બનાવ્યો છે. આના પરિક્ષણ વખતે નીકળેલ ઉર્જા 2.4X10^17 જૂલ જેટલી હતી. આટલી ઉર્જાથી 100 watt ના એક બલ્બને લગાતાર 8 કરોડ વર્ષ સુધી સળગતો રાખી શકીએ. Chicxulub ના ટકરાવાથી ઉત્પન્ન થયેલ ઉર્જા Tsar બોમ્બથી 20 લાખ ગણી વધુ હતી. હવે વાત કરીએ 1998 OR2 ની. તે Chicxulub કરતાં ઘણો નાનો છે માટે તેની અસર પણ તેનાથી ઓછીજ હશે. પણ કેટલી?
-
જ્યારે તે ધરતી સાથે ટકરાશે ત્યારે લગભગ 27 થી 41 કિ.મી લાંબો ખાડો પડશે. જેની ઉંડાઇ 9 થી 10 કિ.મી. હશે. પતન સેન્ટરથી 200 કિ.મી.ના ક્ષેત્રમાં જે કંઇપણ હશે તે બળીને ખાખ થઇ જશે. તેની અથડામણને કારણે પૃથ્વી ઉપર ઓછામાં ઓછો 9.0 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવી શકે છે. જે અત્યારસુધી માનવીએ અનુભવેલા સૌથી ભયંકર ભૂકંપ કરતાય વધુ છે. જેના કારણે સમુદ્રમાં લગભગ 100 મીટર જેટલી ઉંચી સુનામી આવી શકે છે. 600 કિ.મી./કલાકની રફતારથી પવન ફૂંકાઇ શકે છે. પંદર દિવસ સુધી આકાશમાં ધૂળની ચાદર છવાયેલ રહેશે. સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં વનસ્પતિઓ નાશ પામશે. ફક્ત એક થી બે કલાકની અંદર દુનિયાની અડધી વસ્તી નાશ પામશે. તેમજ બાકીના લોકો ભુખમરાને લીધે નાશ પામશે. પણ........પણ........પણ........ સઘળી વાતો પરિકલ્પના છે. મતલબ ગણતરીને આધારે કરાયેલ છે.
-
1998 OR2 ની વાત કરીએ તો તે પૃથ્વીથી લગભગ 62 લાખ કિ.મી. દૂરથી પસાર થશે. જરા અંદાજો લગાવો....પૃથ્વીથી ચંદ્રનું અંતર 3,84,000 કિ.મી. છે. ટૂંકમાં લઘુગ્રહ પૃથ્વી માટે સહેજપણ ખતરારૂપ નથી. આવા ઘણાં લઘુગ્રહો ભવિષ્યમાં પૃથ્વી નજીકથી પસાર થશે. જેમકે Bennu. લઘુગ્રહ 24 સપ્ટેમ્બર 2196 માં પૃથ્વી નજીકથી પસાર થશે. આવા બધા લઘુગ્રહોની પૃથ્વી સાથે ટક્કરની શક્યતા ખુબજ......ખુબજ......ખુબજ......નહિવત છે. પરંતુ હાં....એક એવો લઘુગ્રહ છે જેની ટક્કર પૃથ્વી સાથે થવાની પ્રબળ સંભાવના છે. જેનું નામ છે 2010 RF12. તે 8 સપ્ટેમ્બર 2010 ના રોજ એન્ટાકર્ટિકાથી ફક્ત 79,000 કિ.મી ઉપરથી પસાર થઇ ચુક્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તે ફરી 6 સપ્ટેમ્બર 2095 ના દિવસે પૃથ્વીની નિકટથી પસાર થશે. તેમજ 4 થી 5% શક્યતા છે કે તે પૃથ્વી સાથે જરૂર ટકરાશે. પરંતુ ચિંતાજનક વાત નથી કેમકે તેનું કદ ફક્ત 7 મીટરનું છે. આટલી નાની કદના પદાર્થને કદાચિત આપણું વાતાવરણ ભસ્મીભૂત કરી નાંખશે. તો ચિંતામુક્ત રહો અને ખોટા ન્યૂઝને અવગણો.



Monday, March 23, 2020

COVID-19 અને જનતા કર્ફ્યુ




 અત્યારસુધી આપણે કોરોના વાયરસને કોરોના કોરોના કહીને સંબોધતા હતાં પણ હવે વૈજ્ઞાનિકોએ તેને નામ આપ્યું છે SARS-COV-2. 2003 માં જે સાર્સનો વાયરસ ફેલાયો હતો. તેને વાયરસ ઘણો મળતો આવે છે માટે તેને આવું નામ આપવામાં આવ્યું છે. જ્યારે COVID-19 વાયરસથી થતાં રોગનું નામ છે. તો થઇ પૂર્વભુમિકા.
-
હવે વાત કરીએ સરકારની....WHO અનુસાર વાયરસનો mortality rate(મૃત્યુદર) કેવળ 3.4% છે. mortality rate આપણને દર્શાવે છે કે કોરોનાના કારણે કન્ફર્મ કેસો અને તેમના મૃત્યુનો ratio શું છે? સરળતા ખાતર અગર 100 લોકોને કોરોના વાયરસ થયો છે તો તેમાંથી ફક્ત ત્રણ લોકોજ મરી રહ્યાં છે. તે પણ તેઓ જેમની વય ઘણી વધુ છે. તો ઉપરથી શું એવું નથી લાગતું કે આપણી સરકાર જનતા કર્ફ્યુનો આદેશ આપી ઘણી કઠોર બની રહી છે? આનો સ્પષ્ટ જવાબ છે 'ના'.......
-
ઇમેજ જુઓ....આપે ક્યાંક ને ક્યાંક ગ્રાફને જોયો હશે. બધા કહે છે કે શક્ય એટલો ગ્રાફને ફ્લેટ(સીધો) બનાવો. સીધા ગ્રાફનો મતલબ શું છે? આને સમજવા એક ઉદાહરણ જોઇએ. હું તમને બે ઓફર કરૂ છું.....(1) તમને દસ કરોડ રૂપીયા આપુ છું. (2) આજે હું તમને બે રૂપીયા, કાલે ચાર રૂપીયા, ત્રીજા દિવસે આઠ રૂપીયા.... પ્રમાણે ત્રીસ દિવસ સુધી તમને રૂપીયા આપીશ. તમે કઇ ઓફર સ્વીકારશો?
-
મોટાભાગના લોકો પ્રથમ ઓફર સ્વીકારશે જ્યારે બીજી ઓફરમાં તેમને દસગણી રકમ મળે છે. કેમ? કેમકે આપણું મગજ exponential growth(ઘાતાંકીય વધારા) ને તુરંત નથી સમજી શકતું. કોરોનાના કેસમાં પણ કંઇક આવું થઇ રહ્યું છે. ઇમેજમાં દર્શાવેલ ગ્રાફ આપણને પ્રથમ કેસ પછી ઘાતાંકમાં વધતા જતાં કન્ફર્મ કેસોનો ratio દર્શાવે છે. ગ્રાફનો વધારો દર્શાવે છે કે જેમજેમ સમય વિતતો જશે તેમતેમ વધતા કેસો માટે હોસ્પિટલોમાં તેમને સમાવવા તેટલાંજ બેડ, ICU અને વેન્ટીલેટર્સ જોઇશે. મૃત્યુદરમાં વધારો ત્યારે શરૂ થાય જ્યારે સઘળા હોસ્પિટલો overload થવાના શરૂ થઇ જાય.
-
જેટલા કન્ફર્મ કેસો રોજ રિપોર્ટ થઇ રહ્યાં છે તેના ઇલાજ માટે આપણી પાસે એટલું infrastructure મૌજૂદ નથી. યાદરહે કોરોનાનો ઇલાજ નોર્મલ હોસ્પિટલના બેડ ઉપર નથી થઇ શકતો. તેના માટે isolated chambers ની જરૂર પડે છે. પરંતુ ગમેતેમ કરી ગ્રાફની peak(ટોચ) ને જો નીચે લાવી શકીએ, મતલબ curve ને બની શકે તેટલો flat(સપાટ) કરીએ તો આપણે મૃત્યુદરને ઓછો કરી શકીએ. પરંતુ curve ને ફ્લેટ કરવો કઇરીતે?
-
એક ઉદાહરણ જોઇએ....માનીલો એક તળાવમાં ઘણી માછલીઓ છે. તેમાંથી એક માછલી વાયરસગ્રસ્ત થઇ જાય છે. બીજા દિવસે તે બીજી માછલીને ચેપ લગાડે છે. રીતે ધીમેધીમે સઘળી માછલીઓ ચેપગ્રસ્ત થઇ જાય છે. માની લઇએ કે આખી ઘટના ઘટિત થવામાં ત્રીસ દિવસ થયાં અને તે તળાવમાં એક લાખ માછલીઓ હતી. હવે ગણતરી જુઓ....29માં દિવસે તે તળાવમાં 50 હજાર માછલીઓ ચેપગ્રસ્ત હશે, 28માં દિવસે 25 હજાર, 27માં દિવસે 12500, 26માં દિવસે 6250, 25માં દિવસે 3125, 24માં દિવસે 1562, 23માં દિવસે781. મતલબ 23 અને 24 દિવસ સુધી તો સ્થિતિ હળવી તેમજ નિયંત્રિત લાગતી હતી, પરંતુ પછીના ત્રણ ચાર દિવસમાં સ્થિતિ serious તેમજ નિયંત્રણની બહાર નીકળી ગઇ. બિલકુલ રૂપીયાવાળા કિસ્સા જેવું છે. 24 અને 25માં દિવસ સુધી તો તમને થશે કે હું આની કરતા દસ કરોડ રૂપીયા લઇ લેત તો સારૂ થાત પરંતુ પછીના ફક્ત પાંચ દિવસની અંદર રકમ અનેકગણી વધી જાય છે.
-
કોરોનાનું પણ આવુંજ છે. સરકારનું સઘળા પબ્લિક પ્લેસને બંધ કરવા પાછળનું કારણ એકજ છે કે curve ને વધુમાં વધુ ફ્લેટ કરી શકાય. સ્થિતિ નિયંત્રણ બહારની થઇ જાય તેની પહેલાં તેને રોકવા માટે પગલાં ભરવા તે ખુબજ અક્કલમંદીનું કાર્ય છે. જનતાના એકબીજાના સંપર્કને શક્ય તેટલાં દૂર રાખવા સિવાય બીજો કોઇ રસ્તો શેષ બચતો નથી. આજ પ્રકારની ભૂલ ઇટાલીએ કરી હતી. ત્યાં સરકાર ઉંઘતી ઝડપાઇ.
-
એક સત્યઘટના જોઇએ......1918 માં અત્યારસુધીની સૌથી ખતરનાક મહામારી ઇન્ફ્લુએન્ઝા ફેલાઇ હતી. જ્યારે વાયરસ ફેલાવાનુ શરૂ થયું ત્યારે અમેરિકાના philadelphia શહેરે આની ચેતવણીને નજરઅંદાજ કરી. દરમિયાન એક પરેડનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બે લાખ લોકોએ ભાગ લીધો હતો. આના ત્રણ દિવસ પછી ત્યાંની બધી હોસ્પિટલો ફુલ થઇ ગઇ અને એકજ અઠવાડિયાની અંદર લગભગ 4500 લોકોના મૃત્યુ થયાં. પરંતુ એજ અરસામાં અન્ય શહેર st. louis ના સરકારી તંત્રે પ્રથમ કેસ મળ્યાના બે દિવસ પછીજ સ્કૂલ, કોલેજો વગેરે પબ્લિક પ્લેસને બંધ કરી દીધાં. પરિણામસ્વરૂપ બંન્ને જગ્યાઓની ખુવારીનો ગ્રાફ ઇમેજમાં જોઇ શકો છો.
-
દેશના નાગરિકો હજી આને હળવાશથી લઇ રહ્યાં છે. કેમકે વાયરસનો ગ્રોથ હજી તેના દસમાં દિવસમાં પણ નથી. જ્યારે તે 27 કે 28 માં દિવસમાં પ્રવેશશે ત્યારે ભયાનક સ્થિતિ સર્જાશે. પરિસ્થિતિ કાબુ બહારની હશે. માટે બની શકે તેટલા close contact થી બચો. સાર્વજનિક મેળાવડાથી બચો.
-
સરકારનું પગલું સરાહનીય છે પણ પુરતું નથી . રહી વાત એવા મેસેજોની કે 12 કલાકમાં વાયરસ મૃત થઇ જાય તેથી 14 કલાકનો કર્ફ્યુ માસ્ટરસ્ટ્રોક છે, તેમજ થાળી વગાડવાથી વાયરસ નાશ પામે છે, તો તે તદ્દન અવૈજ્ઞાનિક અને બકવાસ વાત છે. ફ્રાન્સ, ઇટાલી જેવા દેશોમાં પોલીસ હવે વગર કારણે ફરતા લોકો ઉપર દંડ લગાવી રહી છે. કોલમ્બિયાએ 19 દિવસનો lockdown જાહેર કર્યો છે. આશ્ચર્યજનક વાત છે કે ત્યાં એકપણ મૃત્યુનો કેસ નોંધાયો નથી. ખુબજ સમજદારીપૂર્ણ પૂર્વતૈયારી છે. માટે આપણી સરકારે પણ હજી ઠોસ પગલાં લેવા પડશે. એક દિવસના બંધથી કંઇજ થવાનું નથી. માટે હે મિત્રો!!! સજાગ રહો, વાંચનમાં એક્ટિવ રહો અને સાંભળવામાં આળસુ.