Saturday, February 29, 2020

ગ્રેગર જોન મેન્ડલ

સમય:- 1831 આસપાસ, સ્થળ:- મોરાવિયા(ચેકોસ્લાવેકિયા)

ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલ 8 થી 9 વર્ષની વયનો એક અતિ જીજ્ઞાસુ છોકરો પોતાના પિતા સાથે ખેતરમાં કામ કરતાં-કરતાં થોડા સવાલો પોતાના ગરીબ પિતાને પુછે છે(જીવન સાધન સુવિધાહીન છતાં જીજ્ઞાસા જુઓ).......“પિતાજી, અમુક છોડ ઉંચા તેમજ અમુક છોડ નીચા કેમ? અમુક વટાણા લીસ્સા તેમજ અમુક વટાણા ખરબચડા કેમ? અમુક ફુલોનો રંગ લાલ તેમજ અમુક ફુલોનો રંગ ગુલાબી કેમ?” તેના અભણ પિતા પાસે તેના સવાલોના જવાબો નહતાં.


યુવાન થઇ તે છોકરો ચર્ચમાં પાદરી બની ગયો છતાંય મનમાં પ્રશ્નો એના એજ રહ્યાં. તેની જીજ્ઞાસા જોઇ ચર્ચે આગળ ભણવા માટે યુવાનને યુનિવર્સિટીમાં મોકલી આપ્યો. સાત આઠ વરસ સુધી છોડવાઓ ઉપર પરિશ્રમપૂર્વક પ્રયોગો કરી તેણે પોતાના પ્રશ્નોના ઉત્તર શોધી લીધાં. વેલ, એ યુવાનનું નામ હતું “ગ્રેગર જોન મેન્ડલ”. તેમણે આનુવંશિકતાનો નિયમ શોધી નાંખ્યો. બાદમાં તેઓ “ફાધર ઓફ જેનેટિક્સ” તરીકે ઓળખાયા.

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

પ્રસિધ્ધ વૈજ્ઞાનિક તેમજ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણના મોટા પ્રવકતા સ્વર્ગીય “પુષ્પ મિત્ર ભાર્ગવ” એ ‘ધ હિન્દુ’ સમાચારપત્રમાં લખેલ પોતાના એક લેખમાં કહ્યું હતું કે ભારત છેલ્લા કેટલાય વર્ષોથી વિજ્ઞાન ક્ષેત્રમાં નોબલ પારિતોષિક જીતી શક્યું નથી, એનું સૌથી મોટું કારણ ભારતના વૈજ્ઞાનિકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની અનુપસ્થિતિ છે. એમણે વૈજ્ઞાનિકોના અવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનું એક સરસ ઉદાહરણ આપ્યું.....
-
એક વક્તવ્ય તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં લખ્યું હતું “હું વિશ્વાસ ધરાવું છું કે જ્ઞાન એકમાત્ર માનવ પ્રયાસો થકી જ પ્રાપ્ત કરી શકાય છે કોઇપણ પ્રકારના દૈવીય પ્રકાશ દ્વારા નહીં. તેમજ સઘળી સમસ્યાઓનું નિરાકરણ મનુષ્યના નૈતિક તેમજ બૌદ્ધિક મૂલ્યો વડે જ કરી શકાય છે અને તેના માટે કોઇપણ અલૌકિક શક્તિના શરણે જવાની આવશ્યકતા નથી.” જાણીને નવાઇ લાગશે કે જ્યારે એકપછી એક વૈજ્ઞાનિક ઉપરોક્ત વક્તવ્ય ઉપર હસ્તાક્ષર કરવા માટે મનાઇ કરવા લાગ્યા ત્યારે એ સ્પષ્ટ થઇ ગયું કે વૈજ્ઞાનિક સમુદાયમાં જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની ભારે ઉણપ છે. આ ઘટના ભલે જુની હોય પરંતુ આજે પણ વૈજ્ઞાનિક સમુદાયની આજ સ્થિતિ છે.

Denise Darvall

ત્રણ-ત્રણ હાર્ટ એટેકના કારણે ‘લુઇ વાશ્કાન્સ્કી’ નું હ્રદય ઘણું કમજોર થઇ ગયું હતું. ડાયાબીટીસ તો પહેલેથી જ હતો. શરીરમાં રક્તને પમ્પ કરવા માટે અસમર્થ એમના બીમાર દિલ સાથે તેઓ વધુ જીવી શકે તેમ નહતાં. ત્યારે તેમના જીવનમાં “ડેનીજ ડારવાલ” ની મૃત્યુનો પ્રવેશ થયો.
-
ડેનીજનું મૃત્યુ એક કાર એક્સીડન્ટમાં થયું હતું. શરાબના નશામાં ધુત એક કાર ડ્રાઇવરે તેને તથા તેની માંને કચડી નાંખી હતી. માં તુરંતજ મૃત્યુ પામ્યા જ્યારે ડેનીજનું મગજ રક્તના અભાવે મૃત થઇ ગયું. જોકે તેનું હ્રદય લગાતાર ધબકી રહ્યું હતું. ડોક્ટરોએ તેને બચાવવાના બધા પ્રયત્ન કરી જોયાં છેવટે હાર માની લીધી. ડેનીજના પિતાને જણાવવામાં આવ્યું કે એમની પુત્રીને પાછી લાવવી હવે શક્ય નથી કારણકે તે બ્રેન-ડેડ છે. વધુમાં તેમણે કહ્યું શું તમે તમારી વ્હાલી દિકરીનું હ્રદય લુઇ વાશ્કાન્સ્કી નામના એક આધેડ વ્યક્તિને દાનમાં આપશો? પિતાએ વિલંબ કર્યા વિના તુરંતજ હા પાડી દીધી.
-
દક્ષિણ આફ્રિકામાં તે દિવસે ડો. ક્રિશ્ચિયન બર્નાર્ડે મનુષ્યથી મનુષ્યમાં પહેલી વખત સફળ હ્રદય પ્રત્યારોપણ કર્યું. ડેનીજનું હ્રદય વાશ્કાન્સ્કીમાં પ્રત્યારોપણ કર્યા પહેલાં 18 દિવસ સુધી ધબક્યુ હતું. ડેનીજની કિડની એક દસ વર્ષના અશ્વેત છોકરા ‘જોનાથન વોન વિક’ને લગાડવામાં આવી. ઘણો હંગામો મચ્યો કે શા માટે એક શ્વેત મહિલાની કિડની એક અશ્વેતને આપવી? પરંતુ 25 વર્ષીય ડેનીજ મૃત્યુ પામીને ઇતિહાસ રચી ગઇ. પોતાના દેહના બે અંગોના દાન વડે તેણે લિંગભેદ અને રંગભેદ બન્નેને પોતાની ભાષામાં એક સટીક પ્રત્યુત્તર આપ્યો હતો. ચારેય જણા પરસ્પર સ્નેહ પીયને અમર થઇ ગયાં......ડેનીજ ડારવાલ, ડો. ક્રિશ્ચિયન બર્નાર્ડ, લુઇ વાશ્કાન્સ્કી અને જોનાથન વોન વિક. 


(સ્કંદ દ્વારા)


 

માસિક ચક્ર(એક નેચરલ સિલેક્સન)


પીરિયડ્સની જરૂર જ શા માટે છે? શું પ્રકૃતિ પાસે માસિક ધર્મ સિવાય હર મહિને આ ચક્ર ચલાવવા માટેનો બીજો કોઇ ઉપાય નહતો? શું યોનિમાર્ગ દ્વારા આ રક્તપાત જરૂરી છે? શું સામાન્ય બદલાવ સાથે માતૃત્વના હસ્તાક્ષર....પ્રકૃતિ સ્ત્રીદેહ ઉપર નહોતી કરી શકતી?
-
વેલ, જવાબ ખૂબજ રોચક છે..... સૌપ્રથમ માસિકચક્રની ટૂંકમાં સમજ.....હર માસિકચક્રના 14માં દિવસે એક અંડાણુ અંડાશયથી નિકળી અંડવાહિની દ્વારા ગર્ભાશય તરફ જાય છે. હવે હરવખતે તેનો શુક્રાણુ જોડે મેળ તો થશે નહીં માટે 28માં દિવસે તેને રક્ત-માંસ સાથે યોનિમાર્ગ દ્વારા નિ:સૃત કરી દેવામા આવે છે....માસિક ધર્મ અગર ખૂબજ મૌલિક હોત તો હર જીવમાં એ હોવું જોઇતું હોત પણ એવું નથી. દેડકા, મગરમચ્છ, ગાય, સિંહ, બિલાડી, સુવર તેમજ પક્ષીઓમાં(એક-બે પ્રજાતિને બાદ કરતાં) પણ માસિક સ્ત્રાવની અનુપસ્થિતિ છે. ફક્ત મનુષ્ય, કેટલીક વાનર પ્રજાતિ અને ચામાચીડિયામાં જ કુદરતે આ ક્રિયાને સામેલ કરી છે.
-
ભલે આપણે સંસ્કારોને કારણે માતા અને શિશુને પરમ પ્રેમના પ્રતિક ગણીએ, પરંતુ પ્રકૃતિના જૈવિક ઇશારા કંઇક અલગ જ નિર્દેશ કરે છે. ‘માં’ એક જીવ છે, જેની પાસે પોષક તત્વોનો ભંડાર છે. ભ્રૂણ જે હજી નિર્માણ જ થયો છે એણે જીવિત રહેવાનું છે. કેવી રીતે જીવશે?>>જ્યારે ખોરાક મળશે---- ખોરાક કોણ આપશે?>>એજ આપશે જેના ગર્ભમાં એ ઉછરી રહ્યો છે----કેટલો ખોરાક જોઇશે?>>જેટલો વધુમાં વધુ મળી શકે----(હવે શરૂ થાય છે રીયલ થ્રીલર) ખોરાક માટે ભ્રૂણ ગર્ભાશયની મોટી માંસલ દિવાલોમાં ધસે છે, લોહીની નસો સુધી પહોંચે છે, અધિક થી અધિક પોષક તત્વોને શોષે છે અને વિકસિત થાય છે.
-
પરંતુ પોષિકા એટલેકે ‘માં’ એવું કેમ થવા દે? ભ્રૂણની આ હરકતથી એણે પોતાનું રક્ષણ કરવાનું છે. ભ્રૂણ તો આવતા જ રહેશે માટે કેવળ આ એક ભ્રૂણને જ સર્વસ્વ કેમ આપી દેવું? કઇ રીતે આ સ્વાર્થ સામે ઝૂકી જવું??? એટલા માટે હર મહિને એ જગ્યા જ્યાંથી ભ્રૂણ આવવાની સંભાવના છે, એની દિવાલોને જ ક્ષત-વિક્ષત કરી દો. વહેડાવી દો એ તૂટેલી દિવાલોના લોહી-માંસને યોનિ માર્ગે. પરજીવી ભ્રૂણ ઉછરી જ ન શકે એક મહિના સુધી. આવતા મહિને પાછુ જોયું જાશે, લડાઇ જીતી લીધી પરંતુ યુદ્ધ જારી રહેશે.
-
માં-ભ્રૂણ વચ્ચેની આ રસાકસી કુદરતે અકારણ નથી બનાવી. વિજ્ઞાન જણાવે છે કે માસિક ધર્મ દરમિયાન થતાં રક્તસ્ત્રાવ દ્વારા સ્ત્રી એ ભ્રૂણોને બહાર ફેંકી દે છે, જે ગર્ભાશયની આંતરિક દિવાલ ઉપર યોગ્ય રીતે ચોંટીને ધસી નથી શકતાં. આ એક પ્રયોગ છે એ જાણવાનો કે, સૌથી પરિપુષ્ટ અને યોગ્ય ભ્રૂણોને જ માં પોતાના ગર્ભમાં સ્થાન આપશે વિકસિત થવા માટે. પસંદગી પ્રક્રિયા ઘણી કઠિન છે માટે સૌથી સબળ ભ્રૂણ જ ગર્ભમાં ઉછરીને શિશુરૂપે બહાર નવો જન્મ લઇ શકે. માટે કહેવું પડે કે આ માસિકધર્મ એ “માં” દ્વારા લેવાયેલ ભ્રૂણોની એક પરિક્ષા છે. માસિક ધર્મવાળી પ્રજાતિઓ સંતાનોના સિલેક્શનમાં સૌથી વધુ ધ્યાન રાખે છે. 


(સ્કંદ દ્વારા)

Room for Water


નેધરલેન્ડ વિશ્વના સૌથી વધુ પૂર(રેલ)ના રિસ્કવાળા દેશોમાંથી એક છે. અડધો દેશ પૂરના પાણી વડે ડૂબી શકે તેવી સ્થિતિ છે. આ દેશ કૃષિપ્રધાન છે, અમેરિકા બાદ સૌથી વધુ કૃષિ નિર્યાત નેધરલેન્ડથી થાય છે. યુરોપના સૌથી વધુ ગીચતા(ભીડભાડ) ધરાવતા માનવીય વસાહતો વાળા દેશોમાંથી નેધરલેન્ડ એક છે. હવે જરા વિચારો અગર પૂર આવ્યું તો નેધરલેન્ડ ઠપ્પ થઇ જશે, બધુંજ નષ્ટ થઇ જશે. પરંતુ પૂર અહીં ક્યારેય આવતું જ નથી. છેલ્લે 1953માં વિકરાળ પૂર આવ્યું હતું ત્યારપછી ક્યારેય નથી આવ્યું. કારણ???????
-
“અમે પાણી સાથે લડતા નથી, અમે પાણીને પ્રેમ કરીએ છીએ અને તેને જગ્યા આપીએ છીએ.” આ વાક્ય ખુબજ કોમન ડચ વાક્ય છે. Room for Water----આજ નામ છે નેધરલેન્ડની પૂર નિયંત્રણ સ્ટ્રેટેજીનું. હવે એ સ્ટ્રેટેજીનું કામ જુઓ.....હરેક નદીના કિનારે પાક્કા ઢોળાવો બનાવવામાં આવે છે જેને ડાઇક્સ કહેવામાં આવે છે(જુઓ ઇમેજ). તે પૂરના પાણીને પર્યાપ્ત જગ્યા આપે છે. બીજું, નહેરો(કેનાલ) નું અજીબોગરીબ જાળું







. જેટલી સડકો તેટલીજ નહેરો મતલબ મનુષ્ય જેટલી જમીન વાપરશે તેટલીજ પાણી પણ વાપરશે. પાણી માટે પર્યાપ્ત રૂમ હશે, નદીના તટો થી દૂરદૂર સુધી માનવ વસ્તી ખાલી કરાવી નાંખી છે, ત્યાં લોકો નહીં રહે ફક્ત પાણી રહેશે. શહેરોમાં પણ કેનાલ દ્વારા ઠેરઠેર પાણી માટે જગ્યા કરાઇ છે.
-
હવે જરા નેધરલેન્ડની તુલના ભારત સાથે કરી જુઓ. હરવર્ષ પૂરને કારણે જાનમાલનું વ્યાપક નુકસાન થાય છે કારણ?? પાણીની જગ્યા ઉપર અતિક્રમણ. નદીના તટોને પૂરીને માનવ વસાહતો સ્થપાવા લાગી. જ્યાં જળ અને મનુષ્ય વચ્ચે યુદ્ધ થાય છે ત્યાં અકસર મનુષ્ય હારી જાય છે. આપણે નેધરલેન્ડ પાસેથી શિખવું જોઇએ.
-
ટૂંકમાં આપણે પૂર સાથે લડવાનું નથી પણ પૂરની સાથે જીવવાનું છે, જળને જગ્યા આપવાની છે. નિષ્કર્ષ:- “અગર પોતાના માટે શહેરો વસાવો છો તો જળ માટે પણ ‘Room’ બનાવો.”

પ્રશ્ન

જીવવૈજ્ઞાનિક “જે. બી. એસ. હાલ્ડેન(J. B. S. Haldane)” ના અનુસાર ભારતીયોના અધિક શિષ્ટ હોવાના કારણે ભારતમાં વિજ્ઞાનના વિકાસનો દર ઓછો છે......
-
યાદરહે આ એમનો પોતાનો અનુભવ હતો જે એમણે લાંબો સમય ભારતમાં રહી પ્રાપ્ત કર્યો હતો અને હું એમના આ અનુભવ સાથે સહમત છું. કારણકે અધિક શિષ્ટાચાર પ્રશ્ન પુછવાના અવસરને કચડી નાંખે છે. પ્રશ્ન ન ઉઠવાની સ્થિતિને મૂક સહમતિ માની લેવામાં આવે છે જેને પરિણામે સારા અને પ્રભાવી કાર્યો પણ સમય જતા પરંપરા બની જાય છે અને અંધવિશ્વાસ રૂપે સમાજમાં મૂળીયા નાંખી જાય છે.
-
જરા મને જણાવો એક શિક્ષકને કયો વિદ્યાર્થી ગમશે? એ જે સવાલો પુછી-પુછીને એમને માથું ખંજવાળવા મજબૂર કરશે કે એ જે શિષ્ટમાં રહી હાં મા હાં ભરી સહમતિ દર્શાવશે???? આપણા ભારતીયોની અડધીથી ય વધુ જીજ્ઞાસા તો આપણી શિષ્ટતા જ ખાય જાય છે. બેવકૂફ દેખાવાના ભયે કેટલાય પ્રશ્નો દમ ઘૂંટીને મરી જાય છે.

ફોટોલાઇન:- “બેશક હું એ સવાલોનો પક્ષ લઈશ જેના જવાબ નથી આપી શકાતા, સિવાય કે એ જવાબોનો જેની સામે સવાલ નથી કરી શકાતા. ---------રિચર્ડ ફાઇનમેન”

માસિકધર્મની ઉપેક્ષા

જરા કલ્પના કરી જુઓ......આપણી "માં" ને માસિક સ્ત્રાવ ન થાત, તો શું આપણે જન્મી શક્યા હોત ખરા? બેશક નહીં,,કારણકે માસિક સ્ત્રાવ પ્રજનન માટે મૂળભૂત(પાયાની) આવશ્યકતા છે. આટલી જરૂરી કુદરતી જૈવિક પ્રક્રિયા તરફે આટલો બધો અણગમો શા માટે?
શું આપ વરસાદમાં પલળ્યા બાદ એજ પલળેલાં કપડાં પહેરી રાખો છો? ભીંજાયા બાદ શરીરને લૂંછતા નથી? નાના છોકરાઓનાં લંગોટ ભીના થઇ ગયા પછી તુરંત શું કામ બદલી નાંખવામાં આવે છે? કારણકે બધાય જાણે છે કે ભીનાશને લીધે ઘણી મુશ્કેલીઓ તેમજ બિમારીઓ થાય છે. છતાંય આમાંથી એકેય ક્રિયાને અસહજ કે ઢાંકવા-સંતાડવાની નથી ગણવામાં આવતી. તો પછી સ્ત્રીઓના માસિક અને એની સાથે જોડાયેલ ભીનાશને વર્જીત શું કામ ગણવામાં આવે છે?
માસિક સ્ત્રાવ એક જૈવિક પ્રક્રિયા છે, બિલકુલ એવી રીતે જે રીતે પુરૂષોને વીર્ય ઉત્સર્જન થાય છે. ફરક માત્ર એટલો છે કે, માસિક દરમ્યાન સ્ત્રીઓને અસામાન્ય પીડા પણ થાય છે. કદાચ તમે જાણતાજ હશો (અને ન જાણતા હો તો જાણવુંજ જોઇએ) કે, માસિક સ્ત્રાવ દ્વારા થતા ભીનાશપણા પ્રતિ લાપરવાહીના કારણે કેટલીય મહિલાઓ સંક્રમણ(ચેપ) ની શિકાર થઇ જાય છે. તેઓ સંકોચવશ ન તો કોઇને કહી શકે છે અને ન તો તેમનું શરીર એ ચેપને સહન કરવા માટેની પરવાનગી આપે છે. એ સ્થિતિમાં પીડા તેમજ અસહજતાનો બેવડો માર સહન કરતી મહિલાઓની યાતનાનો ફક્ત અંદાજો લગાવી જુઓ....વિચારતા જ શરીરના રૂંવાટા ઊભા થઇ જાય છે. યાદ રાખો...વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર હર વર્ષ લગભગ દોઢ કરોડ મહિલાઓના મૃત્યુ યોની તેમજ એને લગતા ચેપ દ્વારા થતી બિમારીઓને કારણે થાય છે.
આટલું ઓછું હોય એમ પાછા પ્રતિબંધોની હારમાળા....અથાણાને અડવું નહીં, અશુધ્ધ છો માટે પૂજા નહીં કરો, મંદિરમા જવું નહીં, જમવાનું બનાવવું નહીં, કોઇપણ શુભ પ્રસંગમાં જવું નહીં, લોકો સાથે હળવા-મળવાનું બંધ, અલગ રહો....જાણે રજસ્વલા(માસિક) એ કોઇ છૂત-અછૂતની બિમારી હોય!!! અલબત્ત, આ પ્રકારના પ્રતિબંધો પણ સ્ત્રીઓ દ્વારા જ લગાવવામાં આવે છે. જોકે હું એ સ્ત્રીઓને દોષી નથી ગણતો જેઓને રજસ્વલા એટલે ફક્ત બગાડ એટલીજ જાણકારી હોય છે. એમને ક્યારેય એવું સમજાવવામાં નથી આવ્યું કે માસિક ધર્મ પણ એક સામાન્ય જૈવિક ક્રિયા જ છે. પુરૂષો પાછા આને મહિલાઓનો વિષય માને છે અને “આ સ્ત્રીઓની પોતાની અંગત મેટર છે” કહી સામાન્યકરણ કરી દે છે. પુરૂષો પોતાના ઘરની મહિલાઓ સાથે તમામ વિષયો ઉપર ચર્ચા કરે છે. જેવાકે... બજારમાં વોશિંગ મશીન કે એર કન્ડિશનરનું નવું મોડલ કયું આવ્યું છે, કોઇ નવી રેસિપિ ટીવી ઉપર જોઇ હોય, મેડિકલ ઇન્સ્યોરન્સ વગેરે દરેક. પરંતુ સ્ત્રીઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલ મુદ્દાઓ ઉપર ચર્ચા નહિવત પ્રમાણમાં થાય છે. ખરેખર તો પુરૂષોની પણ જવાબદારી છે કે તેઓ કોઇ નવી કે લાભદાયક માહિતીઓથી સ્ત્રીઓને અવગત કરાવે. કદાચ એટલા માટેજ આવા વ્યવહારને પ્રોત્સાહન આપવા હેતુથી WHO એ 28 may ના દિવસને વિશ્વ માસિક ધર્મ અને શારીરિક જાગરૂકતા દિવસ ઘોષિત કર્યો છે.

હસ્તરેખાનું લોજીક

શું આપ જ્યોતિષશાસ્ત્રમાં માનો છો? શું કોઇ વ્યક્તિ હસ્તરેખા દ્વારા આપણું ભવિષ્ય બતાવી શકે છે? જવાબ છે.....‘ના’.....અગર તમે કોઇપણ એવા જ્યોતિષ અથવા વ્યક્તિને જાણતા હો જે હસ્તરેખા દ્વારા ભવિષ્યકથન કરી શકતો હોય,તો સમજ જો તમે અંધશ્રધ્ધાના શિકાર છો. જી હા, વાત કડવી છે પરંતુ સાચી છે. અગર આપને ખોટી લાગતી હોય તો એક કામ કરો(Try it).......તે જ્યોતિષ પાસે એક વાંદરો કે ચિમ્પાન્ઝીનને લઇ જાઓ અને તેના હાથ બતાવી જ્યોતિષને કહો કે આનું ભવિષ્ય કહી બતાવે. ગમે તેવા ચમરબંધ જ્યોતિષની પણ બોલતી બંધ થઇ જશે!!!
તો હવે પ્રશ્ન થાય છે કે જ્યારે હસ્તરેખાના સહારે માણસનું ભવિષ્ય કહી શકાય છે તો પછી વાંદરાઓનું કેમ નહીં? After all હસ્તરેખા તો વાંદરાઓ અને ચિમ્પાન્ઝીનોને પણ હોય છે અને એ પણ પાછી અદલ મનુષ્યો જેવીજ. જોવા જઇએ તો કોઇપણ ટેકનીક દ્વારા મનુષ્યોનું ભવિષ્ય ભાંખવું સંભવ નથી. કારણકે ભવિષ્યનું તો હજી નિર્માણ જ નથી થયું. તો શું છે આ રેખાઓનું સત્ય???
વેલ, વાસ્તવમાં આપણા હાથની રેખાઓ વિકાસની પ્રક્રિયાનું એક મહત્વપૂર્ણ ડાયમેન્સન છે. કઇ રીતે? આગળ વાંચો.....આ રેખાઓના કારણેજ આપણે આપણાં હાથ વાળી અને સંકોચી શકીએ છીએ તેમજ મુઠ્ઠી બાંધી ગ્રીપ બનાવી શકીએ છીએ. આજ કારણ છે કે ભલે આપણું પેટ હોય, પગ હોય કે હથેળી હોય,,,જ્યાં-જ્યાં અંગોને વાળવાની આવશ્યક્તા હોય ત્યાં-ત્યાં સ્કીન ઉપર આ રેખાઓ હશેજ. કેમકે જો આ રેખાઓ ના હોત તો, આપણી ચામડી એકબીજા ઉપર(અરસ-પરસ) "Clump" થઇ જાત. આ રેખાઓ ના કારણે જ આપણે ચીજ-વસ્તુઓને પકડવા તેમજ આવશ્યક્તા અનુસાર ઉપયોગ કરવા માટે સમર્થ છીએ. આ રેખાઓ ના કારણે જ માનવો ઓજાર બનાવતા શીખ્યા અને ટેકનીક તેમજ બુધ્ધિના સહાયથી જ પૃથ્વીના ઇતિહાસમાં સર્વોચ્ચ સ્થાને બિરાજી શક્યાં. અર્થાત...મનુષ્યએ પોતાના સુંદર ભવિષ્યનું નિર્માણ અવશ્ય પોતાની હસ્તરેખાઓના સહારે જ કર્યું...એ દ્રષ્ટીએ હસ્તરેખા એ આપણું ભવિષ્ય હોય શકે. બાકી ભાગ્યરેખા, જીવનરેખા, ધનરેખા કે ગુરૂનો પહાડ એ બધુ જ ‘ખયાલી પુલાવ’ જેવું જ છે.


(વિજય દ્વારા)

ધાર્મિક પુસ્તકો અને આપણે

આ પોષ્ટ એવા અણસમજુઓ માટે ટકોર સમાન છે...જે દિવસભર જૂઠ્ઠા તેમજ ભ્રામક પ્રચારના સહારે હિન્દુત્વના બ્યુગલ વગાડવાની આડમાં સંસ્કૃતિની જડ ખોદી રહ્યાં છે. આજે આપને એક કટુ સત્ય કહુ છું કે...શા કારણે આપણે ભારતીય પાછળ છીએ તેમજ વિશ્વ સમુદાયમાં આપણી ઇજ્જત કેમ નથી? વાંચીને થોડી પચાવવાની શક્તિ રાખજો!!!
વાસ્તવિકતા એ છે કે, આપણે ભારતીયોએ પ્રાચીન કાળમાં ક્યારેય કોઇ mechanical શોધ નથી કરી. મંત્રો, ધ્યાન વગેરેના સહારે આખા વિશ્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાના જે પ્રયત્નો કરાયા છે/ કરાઇ રહ્યાં છે; તે ફક્ત શબ્દોનો હેર-ફેર છે બીજું કંઇજ નથી. કઇ રીતે?? વાંચો આગળ......“એક વાનર એક વૃક્ષની આજુ-બાજુ નાચી રહ્યો છે અથવા તો ગોળ-ગોળ ફરી રહ્યો છે.” આ લાઇન દ્વારા હું પણ એ સાબિત કરી શકુ છું કે પૃથ્વી સૂર્યના ચક્કર મારે છે. બસ મારે ફક્ત મારી શબ્દાવલીમાં વાનરનો અર્થ પૃથ્વી અને વૃક્ષનો અર્થ સૂર્ય કરવો પડશે. કાંઇ સમજાય છે આપને? આવી વાર્તાઓ કે કથાઓ તો કોઇપણ પુસ્તકોમાં બેસુમાર હોવાની, એનાથી કાંઇ એવું ન કહી શકાય કે પૃથ્વી સૂર્યના ચક્કર મારે છે એવું આપણા પૂર્વજોએ હજારો વર્ષ અગાઉ કહ્યું હતું. આવી વાતોની જાળ તો કોઇપણ ગૂંથી શકે છે. ખરેખર તો આવું કહીને આપણે આપણાં પૂર્વજોને હાસ્યાસ્પદ બનાવીએ છીએ.
આવી વાતોનો અર્થ વિજ્ઞાન નથી. વિજ્ઞાન જ્યારે કોઇ શોધ કરે છે ત્યારે શોધના અનુસંધાનમાં તથ્યો પ્રગટ કરે છે, એની માટે નિયમ પ્રતિપાદિત કરે છે. આવા શબ્દોના ખેલના કારણે આપણે તો વિજ્ઞાનમાં કોઇ યોગદાન આપતા નથી ઉલ્ટુ કોઇ શોધ થઇ હોય તો શબ્દોના વાઘા પહેરાવી એને આપણાં ગ્રંથોમાં શોધી કાઢતાં આપણને ખુબ સરસ આવડે છે. એટલું મગજમાં ઠાંસી લ્યો કે આ પુસ્તકોના સહારે ક્યારેય કોઇ શોધ થશે નહીં. હાં શોધ થઇ ગયા બાદ એની જડ પુસ્તકોમાંથી અવશ્ય શોધી કઢાશે. આજ કારણ છે કે જગતમાં આપણે હાંસીપાત્ર બન્યાં છે. થોડા કઠોર બનો...વિજ્ઞાનની શાબાશી એટલી સસ્તી નથી. આ લેખ દ્વારા કોઇની શ્રધ્ધા ઉપર તરાપ મારવાનો પ્રયાસ નથી. તમે નાસ્તિક છો કે આસ્તિક!!! કોઇજ વાંધો નથી. પરંતુ એક ગુજારિશ છે કે, ધર્મગ્રંથોને ચાહે પુસ્તક માનો, ચાહે જ્ઞાન માનો, ચાહે ઇશ્વરીય વાણી માનો કંઇપણ માનો પરંતુ "અંતિમ સત્ય" ક્યારેય નહીં માનો.....
>>> એક ઉદાહરણ.....મહારાણા પ્રતાપ આપણી શાન તેમજ પ્રેરણાના સ્ત્રોત છે, પરંતુ કેટલાક નંગો નેટ ઉપરથી ઉલ-જુલુલ કન્ટેન્ટ ઉઠાવી રાણા પ્રતાપની તલવારને 25kg., કવચને 80kg. અને ભાલાને 72kg. ના જણાવી એવા મૂર્ખતાપૂર્ણ Claim કરે છે કે, મહારાણા પ્રતાપ 200kg. વજન લઇને લડવા જતાં હતાં. ઘણાં મિત્રોને આનો અંદાજો હશે. ઘણી જગ્યાએ તેમજ ઘણાં પુસ્તકોમાં પણ આ પ્રકારનુંજ લખાણ જોવા મળે છે. (નેટ ઉપર રાણા પ્રતાપની તલવારના વજન વિશે જરા સર્ચ કરાવી જુઓ. બધે આ પ્રકારની જ માહિતી જોવા મળશે.).....બેશક રાણા પ્રતાપ તાકતવર હતાં તેમજ તેઓ 200kg. વજન ઉઠાવી પણ શકતાં હશે, પરંતુ સૈન્ય ઉપકરણો સંબધિત જાણકારી ધરાવનાર એક સામાન્ય માણસ પણ જાણે છે કે યુધ્ધભૂમિ......કે જ્યાં સેકન્ડના દસમાં ભાગની પણ ચૂક માણસને શહીદ બનાવી દે છે.....એ યુધ્ધભૂમિમાં 2-3kg. થી વધુ ભારની તલવાર લઇ જવી એ મૂર્ખામી છે. યુધ્ધના નિયમો પણ આવું જ કહે છે.
રાણા પ્રતાપના શસ્ત્રોને લગતી હકિકત કંઇક નીચે મુજબની છે....(મહારાણા પ્રતાપ મ્યુઝિયમના એક વ્યક્તિએ આપેલ ડિટેલ્સ અનુસાર)
>>તલવાર= 1.799kg.
>>ભાલો= 2.9kg.
>>આર્મર= 16.295kg.
ખરેખર તો આવા જૂઠા પ્રચારોના કારણેજ વિશ્વ સમુદાય આપણા પ્રાચીન નાયકોનો સ્વીકાર નથી કરતો. કહેવાનો મતલબ એટલોજ કે હવે સુધરી જાઓ....જય રાજપુતાના, જય ભવાની ના નારાથી કંઇજ થવાનું નથી. મહારાણા પ્રતાપની ઓળખાણ એમના શસ્ત્રોથી નહીં પરંતુ એમની હિમ્મત તેમજ એમના હોંસલાથી છે. આવા બધા ઐતિહાસિક નાયકોના જીવન સાથે છેડછાડ બંધ કરો....નહીંતો આપણી આવનારી પેઢીઓ આવા અતિરેક વર્ણનોને કારણે આપણા ઇતિહાસથી હંમેશા માટે વિમુખ થઇ જશે.


(વિજય દ્વારા)

પુરૂષોને નિપ્પલ


વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તમે ક્યારેય વિચાર્યું છે કે પુરૂષોને છાતી ઉપર નિપ્પલ શું કામ હોય છે? જવાબ ખૂબ જ રોમાંચક છે....

માતાના ગર્ભમાં જ્યારે આપણો જન્મ થાય છે, તો શરૂઆતના 5 થી 6 અઠવાડીયા સુધી આપણું લિંગ નિર્ધારિત નથી થાતું. અથવા બીજા શબ્દોમાં કહી શકાય કે ગર્ભમાં સર્વે બાળકોનો જન્મ એક નારી(સ્ત્રી) તરીકે જ થાય છે. શિશુ પોતાની માં તેમજ પિતા પાસેથી સમાન રૂપથી 23-23 ક્રોમોસોમ ગ્રહણ કરે છે. જેમાંથી 23મો ક્રોમોસોમ કે જે પોતાના પિતા પાસેથી ગ્રહણ કરે છે, એજ શિશુનું લિંગ નક્કી કરે છે. તે X પણ હોય શકે છે અથવા Y પણ....પરંતુ તેને ગ્રહણ કરવામાં 5 થી 6 અઠવાડીયા લાગે છે. જો X હોય તો પ્રક્રિયા નિર્ધારિત રૂપથી આગળ વધતી રહે છે અને શિશુ સ્ત્રીની શારીરિક વિશેષતાઓને ગ્રહણ કરે છે. પરંતુ અગર Y હોય તો ક્રોમોસોમ ઉપર ઉપસ્થિત એક ખાસ જીન્સ (SRY----sex-determining region Y) ના કારણે શિશુમાં બદલાવ શરૂ થઇ જાય છે. જનન પિંડ(gonad) અંડાશય બનવાની જગ્યાએ અંડકોષમાં પરિવર્તિત થાય છે.....
-
નર અને માદાના જનન અંગો એક જેવાજ હોય છે. બસ 6 અઠવાડીયા પછી એમનું રૂપપરિવર્તન થાય છે. પરંતુ આ જીન્સ નરના નિપ્પલ ઉપર ખાસ અસર નથી ઉપજાવતું. ટેસ્ટોંટોરેન હાર્મોન્સને કારણે પુરૂષો સ્ત્રીઓની જેમ વક્ષતો વિકસિત નથી કરી શકતા, પરંતુ આ નિપ્પલ જીન્દગીભર એમની સાથે રહે છે એ યાદ કરાવવા માટે કે 6 અઠવાડીયા પુરતાં.......આપણે પણ ક્યારેક એક નારી(સ્ત્રી) હતાં...

એક ચર્ચા

સમય હતો ઇસવી સન 1900 આસપાસનો , સ્થળ:-અમેરિકા.....એક ચર્ચા.......

કોલેજના એક પ્રોફેસર અને એક ચર્ચના અધિકારી વચ્ચે વાતચીત થઇ રહી હતી. અધિકારીનું કહેવું હતું, “જે કંઇ શોધવું હતું તે બધુંજ માનવીએ શોધી લીધું છે. હવે આથી વધુ વિજ્ઞાનની પ્રગતિ સંભવ નથી.” પ્રોફેસર એમના વિચારોથી સહમત નહતાં. એમણે હિંમત કરીને કહી દીધું, “આજથી પચાસ વર્ષ બાદ માનવી પક્ષીઓની જેમ આકાશમાં ઉડતો દેખાશે.” ચર્ચના અધિકારી થોડા નારાજ થતાં બોલ્યાં, “ફક્ત પક્ષીઓ અને દેવતાઓ જ આકાશમાં ઉડી શકે છે, એ બાબતે બીજુ કંઇ વિચારવું પણ ધર્મગ્રંથોનું અપમાન કરવું છે.”
-
આ નાનકડા કિસ્સામાં અગર કોઇ એવી ખાસિયત ના હોત તો અહીંયા ચર્ચા કરવાની જરૂરજ ના હોત. આ કિસ્સાની ખાસ વાત એ છે કે, Church of the United Brethren ના Bishop તરીકે ઓળખાતા એ ચર્ચના અધિકારીનું નામ હતું મિલ્ટન રાઇટ(Milton Wright), અને તેઓના બે દિકરા---ઓરવિલ અને વિલ્બર.....પ્રખ્યાત રાઇટ બંધુઓ જેમણે આ ઘટનાના ફક્ત ત્રણ વર્ષ બાદ જ આકાશમાં હવાઇ જહાજને ઉડાડવા માટેની સફળતા પ્રાપ્ત કરી......

રેફરન્સ:- જહોન હિલીયર ના પુસ્તકમાંથી.

ધર્મ



બેશક આંતકવાદનો સબંધ કોઇ ધર્મ સાથે નથી પરંતુ.......જો તમે એમ માનતા હો કે તમારો જ ધર્મ દુનિયાનો સૌથી બહેતરીન ધર્મ છે તો આપ આજ ગફલત દ્વારા આપના બાળકોના મગજમાં એવું ઠાંસી રહ્યાં છો કે તમારા સંપ્રદાય સિવાયના બીજા બધા સંપ્રદાયો બેકાર અને ખોટા છે. અહીંથી જ બીજાઓ પ્રત્યે નફરત, ગુસ્સો તેમજ કટ્ટરતા ઉદભવે છે. આજ નફરતો દ્વારા આંતકવાદીઓ પેદા થાય છે. આપણે જે દિવસે એ હકિકત કબૂલી લઇશું કે આપણું હિન્દુ હોવું કે મુસલમાન હોવું એ ફક્ત એક સંજોગ છે....આપણો જન્મ બીજા સંપ્રદાયમાં પણ થઇ શક્યો હોત....એ દિવસથી આપણે ધર્મોના દિવાના બનતા અટકી જઇશું તેમજ ખુદ ને નફરતના નારા લગાવવા વાળા ટોળાનો હિસ્સો બનતા અટકાવી દઇશું.

યાદ રાખો:- તમારો ધર્મ/સંપ્રદાય દુનિયાનો સૌથી ઉત્તમ ધર્મ/સંપ્રદાય નથી.. (આ બધાયને લાગુ પડે છે)

સાર:- હર “એ” માણસ જે પોતાના ધર્મની વિરૂધ્ધ એક શબ્દ પણ સાંભળી શકતો નથી......એક સંભવિત આંતકી હોય છે.

Golden Ratio(સુવર્ણ અનુપાત)



પ્રસિધ્ધ ફિબોનાકી સિકવન્સ(Fibonacci Sequence) એ સદીઓથી ગણિતજ્ઞો, કલાકારો, ડિઝાઇનરો અને વૈજ્ઞાનિકોને મોહિત કર્યા છે. તે Golden Ratio ના નામે પણ ઓળખાય છે. પ્રકૃતિની પોતાની સર્વવ્યાપકતા તેમજ અદભુત કાર્યક્ષમતા જેવા મૂળભૂત ગુણોમાં ગોલ્ડન રેશિયો મહત્વનો ભાગ ભજવે છે. કઇ રીતે વાંચો આગળ....
-
ફિબોનાકી સિકવન્સ વધતા જતા નંબરોનો એક સેટ છે. જે કંઇક આવી રીતે શરૂ થાય છે.....0, 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, 55.........હંમેશા માટે ચાલ્યે રાખે છે. ધ્યાનથી જુઓ પ્રત્યેક નંબર આગળના બે નંબરોનો સરવાળો છે. આ એક સામાન્ય પેટર્ન છે, પરંતુ.....સમગ્ર બ્રહ્માંડ માટે આ પેટર્ન બહુ મહત્વની છે. 5 ને 3 વડે ભાગો તો જવાબ આવશે 1.6; 8 ને 5 વડે ભાગો તો જવાબ આવશે 1.6; 13 ને 8 વડે ભાગો તો જવાબ આવશે 1.6; 21 ને 13 વડે ભાગો તો જવાબ આવશે 1.6 and as going on...મતલબ 1.6 એ Golden Ratio નંબર છે. (જરા ગુગલ ઉપર Golden Ratio લખી સર્ચ કરાવી જુઓ.....)
-
Golden Ratio પ્રકૃતિ તેમજ વિજ્ઞાનના બધા રૂપોમાં પ્રગટ થાય છે. બાંધકામ ક્ષેત્રમાં 1.6 અનુપાતનો ભરપુર ઉપયોગ થાય છે. ઇજીપ્તના પિરામિડો, તાજમહલ વગેરે અનેક બાંધકામો Golden Ratio ઉપર આધારિત છે. મનુષ્યના DNA, ચહેરાની રચના, આંખો તેમજ કાનની રચના મા પણ Golden Ratio નો ફાળો છે. આકાશગંગા, ચક્રવાત, વૃક્ષોની શાખાઓ, ફૂલોની પાંખડીઓ, બીજના ગર્ભમાં વગેરે અસંખ્ય જગ્યાએ Golden Ratio ઉપલબ્ધ છે. કહેવાનો મતલબ આખા બ્રહ્માંડમાં આ રેશિયો મૌજૂદ છે. માટે જ ઘણાં આ ફીગરને કુદરતી તેમજ વિસ્મયકારક માને છે.

સ્કિલ ડેવલપમેન્ટ

સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા ફંડના રિપોર્ટ અનુસાર જગતમાં ભારત સૌથી વધુ યુવા આબાદી વાળો દેશ છે. 10 થી 24 વર્ષની ઉંમરના 35.6 કરોડ લોકો સાથે ભારત નંબર વન ઉપર છે. 26.9 કરોડ સાથે ચીન દ્વિતીય ક્રમે ત્યારબાદ ઇન્ડોનેશિયા(6.7 કરોડ), અમેરિકા(6.5 કરોડ), પાકિસ્તાન(5.9 કરોડ), નાઇજીરીયા(5.7 કરોડ), બ્રાઝીલ(5.1 કરોડ), બાંગ્લાદેશ(4.8 કરોડ) વગેરે વગેરે.
-
પરંતુ ભારતમાં હર વર્ષ બેરોજગારી વધી રહી છે. જેનું મુખ્ય કારણ સ્કિલ્ડ(કુશળ) યુવાઓની મોટી સંખ્યામાં અછત છે. સી.આઇ. આઇ. ની ઇન્ડીયા સ્કીલ રિપોર્ટ અનુસાર હરવર્ષ સવા કરોડ યુવાઓ રોજગાર બજારમાં આવે છે, જેમાંથી ફક્ત 37 ટકા યુવાઓ જ રોજગારને કાબેલ હોય છે. સૌથી વધુ કફોડી હાલત એન્જિનિયરોની છે. એક અન્ય રિપોર્ટ અનુસાર દરવર્ષે 15 લાખ યુવાઓ એન્જિનિયર બને છે, પરંતુ તેઓમાંથી ફક્ત 4 લાખ લોકોને જ નોકરી મળે છે. ‘એસોસિયેશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસિસ કંપનીઝ’ અનુસાર 75% ટેકનિકલ સ્નાતક નોકરી લાયક હોતા નથી.
-
કારણ??...ડિગ્રી અને સ્કિલ વચ્ચેનો ફાસલો(અંતર) ખુબ વધી ગયો છે. દેશની અધિકાંશ એન્જિનિઅરીંગ કોલેજો ડિગ્રી વહેંચવાની દુકાનો બનીને રહી ગઇ છે. આ કોલેજોમાંથી આવનાર લાખો યુવાઓ પાસે ડિગ્રી તો છે પરંતુ કંઇક કરી છૂટવાની સ્કિલ નથી. જેના કારણે દેશભરમાં હરવર્ષ લાખો યુવાઓ બેરોજગારીનો માર વેઠે છે. અહીં એક ઉદાહરણ જુઓ....એશિયાની આર્થિક શક્તિ દક્ષિણ કોરિયાએ સ્કિલ ડેવલપમેન્ટ મામલે ચમત્કાર કર્યો છે. એમની વિકાસની હરણફાળ પાછળ સ્કિલ ડેવલપમેન્ટનું મહત્વપૂર્ણ યોગદાન છે. આ મામલે કોરિયાએ જર્મનીને પણ પાછળ રાખી દીધું છે. 1950માં દક્ષિણ કોરિયાનો વિકાસદર ભારત કરતાય નીચો હતો. પરંતુ ત્યારબાદ એમણે સ્કિલ વિકાસમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. આજ કારણ છે કે તે 1980 સુધીમા મોટા ઉદ્યોગોનું હબ બની ગયું. એમના 95% મજદૂરો સ્કિલ્ડ અથવા vocationally ટ્રેઇન્ડ છે.(ભારતમાં આ આંકડો 3% છે)
-
આવી હાલતમાં ભારત કઇ રીતે આર્થિક મહાસત્તા બની શકે છે????

એક ખુબસુરત શોધકર્તા

શું આપ જાણો છો, આજની અનિવાર્ય ગણાતી...વાઇ-ફાઇ, બ્લુટૂથ, CDMA જેવી ટેકનીકના કોન્સેપ્ટની શોધ એક અભિનેત્રી દ્વારા થઇ હતી? જી હા, એ ખુબસુરત અભિનેત્રી હતી Hedy Lamarr (હેડી લામાર).
-
1933 મા રજૂ થયેલ “સ્ટેસી” નામની વિવાદાસ્પદ ફિલ્મે તેણીને રાતોરાત લોકોના દિલમાં બેસાડી દીધી. હેડીની આ દિવાનગી લોકમાનસ માં 1950 સુધી છવાયેલી રહી. હેડીએ પોતાના જીવનકાળ દરમિયાન પાંચ લગ્ન કર્યા તેમજ 19 જાન્યુઆરી 2000માં ફ્લોરિડામાં અંતિમ શ્વાસ લીધા.
-
હેડીએ અભિનય ઉપરાંત એક શોધકર્તાના રૂપમાં પણ પોતાની પહેચાન સ્થાપિત કરી. તેણીએ 1933માં પોતાના પ્રથમ લગ્ન બાદ અભિનયથી થોડા સમય માટે વિરામ લીધો અને ટેકનોલોજી ક્ષેત્રમાં પગ મૂક્યો. દ્વિતીય વિશ્વયુધ્ધ દરમિયાન તેણીએ રેડિયોને જામ કરવાને મોટી સમસ્યા માની અને ‘જ્યોર્જ એન્થેલ’ સાથે મળીને સ્પેક્ટ્રમ ફેલાવવાની ટેકનીક શોધી. એમણે ડેવલપ કરેલ કોન્સેપ્ટનું નામ હતું.....“radio guidance system for Allied torpedoes”. જોકે એમની ટેકનીકનો ઉપયોગ વિશ્વયુધ્ધ દરમિયાન નહોતો થયો, પરંતુ બાદમાં એમના કોન્સેપ્ટ દ્વારા વાઇ-ફાઇ, બ્લુટૂથ, CDMA જેવી ટેકનીકનો આવિષ્કાર થયો. તેણીના કામને બિરદાવવા માટે 2014માં તેણીને “National Inventor Hall of Fame (NIHF)” માં સ્થાન આપવામાં આવ્યું.

લિંગ પરિક્ષણ

આ છે દક્ષિણ આફ્રિકી મહિલા દોડવીર “કેસ્ટર સેમેન્યા(Caster Semenya)”.....જેણે 2009 ની વિશ્વ ચેમ્પિયનશીપમાં 800 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પરંતુ લિંગ પરિક્ષણમાં અસફળ થવાને કારણે તેણીનો મેડલ છીનવી લેવામાં આવ્યો હતો. વાત આટલેથી અટકતી નથી, લિંગ પરિક્ષણમાં અસફળ થવા બાવજૂદ તેણીના દેશે સેમેન્યાનો સાથ ન છોડ્યો બલ્કે લડત લડતા રહી આ મામલે જીતીને જ દમ લીધો.
-
આ બાબતે ભારતની સ્થિતિ જુઓ....કોઇને નામ યાદ છે “શાંતિ સુન્દરરાજન”?? જેણે 2006 ના દોહા સ્થિત એશિયાઇ રમતોત્સવ(Doha Asian Games) માં 800 મીટરની દોડમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પરંતુ શાંતિ સુન્દરરાજનનું નામ ફક્ત એટલા માટે જાણીતું નથી કેમકે એશિયાઇ રમતોત્સવની પસંદગી સમિતિને તેણી પુરૂષ હોવાનો સંદેહ થયો માટે તેણીનું લિંગ પરિક્ષણ કરવામાં આવ્યું. જેમાં અસફળ થવાને કારણે તેણીનો મેડલ છીનવી લેવામાં આવ્યો. પરંતુ આપણે ત્યાંના રમત અધિકારીઓને તેણીની લેશમાત્ર ચિંતા ન થઇ અને પરિણામ સ્વરૂપ શાંતિ ગુમનામીના અંધકારમાં ખોવાઇ ગઇ.(નીચે પ્રથમ કમેન્ટમાં શાંતિનો ફોટો આપ્યો છે)
-
હવે શરૂ થાય છે સવાલોનો દૌર......આ લિંગ પરિક્ષણ શું બલા છે? તેમજ મહિલાઓએ જ શું કામ લિંગ પરિક્ષણની પીડા માંથી પસાર થવું પડે છે? પ્રથમ સવાલને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તપાસીએ.....લિંગ પરિક્ષણ શું છે? એ જાણવા પહેલાં એ જાણવું જરૂરી છે કે આની જરૂર શું કામ પડે છે? આનું મુખ્ય કારણ છે પુરૂષ અને મહિલાના સેક્સ ક્રોમોસોમ માં વિવિધતા.....એક સર્વસામાન્ય વાત છે કે મહિલાઓના શરીરમાં XX પ્રકારના ક્રોમોસોમ હોય છે, જ્યારે પુરૂષોમાં XY પ્રકારના હોય છે.(યાદરાખો શિશુનું લિંગ પુરૂષનો ક્રોમોસોમ નક્કી કરે છે.) ગર્ભધારણ દરમિયાન જો પુરૂષનો Y ક્રોમોસોમ મહિલાના X ક્રોમોસોમ સાથે મળે તો જન્મ લેનાર સંતાન છોકરો હોય છે. અને જો પુરૂષનો X ક્રોમોસોમ બાજી મારી જાય તો છોકરીનો જન્મ થાય છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ ક્યારેક-ક્યારેક થોડું અજીબો ગરીબ બને છે. થાય છે એવું કે સ્ત્રીના બન્ને X ક્રોમોસોમ પુરૂષના ક્રોમોસોમ સાથે ક્રિયા કરવામાં સફળ થઇ જાય છે. આ કેસમાં નિર્માણ પામનાર ભ્રૂણમાં મહિલા સાથે-સાથે પુરૂષના પણ લક્ષણો ઉભરી આવે છે. જેમકે સ્ત્રીના બાહ્ય અંગો પુરૂષો જેવા દેખાય અથવા કોઇ પુરૂષના બાહ્ય અંગો સ્ત્રી જેવા થઇ જાય.
-
હવે બીજો સવાલ મહિલાઓએ જ શું કામ લિંગ પરિક્ષણની પીડા માંથી પસાર થવું પડે છે? વધુ ઉમેરીને પૂછી શકાય કે પુરૂષ જેવી સ્ત્રી અથવા સ્ત્રી જેવા પુરૂષથી શું ફરક પડે? આનું કારણ છે...પુરૂષ અને સ્ત્રીના શારીરિક બનાવટમાં ફરક હોવાને કારણે સ્ત્રીને કમજોર ગણવામાં આવે છે(બોલો???). સમસ્ત ખેલ સ્પર્ધાઓના રેકોર્ડ આ વાતની ગવાહી પૂરે છે. આજ કારણે જે મહિલાઓમાં પુરૂષોના લક્ષણો પણ વિકસિત થઇ જાય, એમને પુરૂષ હોવાની આશંકાને પગલે એમનું લિંગ પરિક્ષણ કરવામાં આવે છે. લિંગ પરિક્ષણમાં ખેલાડીના બ્લડ ટેસ્ટ, સેક્સ હાર્મોન્સ, જીન્સ અને ક્રોમોસોમના પરિક્ષણ કરવામાં આવે છે.
-
જોકે આ પરિક્ષણો ફક્ત મહિલાઓથી જોડાયેલા હોય એમને અપમાનજનક પણ માનવામાં આવી રહ્યાં છે. આવા પરિક્ષણોની વૈજ્ઞાનિક પ્રમાણિકતા હંમેશા સંદેહના દાયરામાં રહી છે. આજ બાબતનો ફાયદો ઉઠાવી દક્ષિણ આફ્રિકાએ કેસ્ટર સેમેન્યા માટે હકની લડાઇ લડી અને અંતે સફળતા મેળવી. કાશ...ભારતના ખેલ અધિકારીઓએ પણ શાંતિ સુન્દરરાજનનો કેસ ગંભીરતાથી લીધો હોત, તો પ્રાકૃતિક ગરબડની સજા શાંતિને ના મળી હોત.....(મેરા ભારત મહાન)

શિક્ષા

આ દેશની શિક્ષા પધ્ધતિ જે કેવલ અંકો પર તેમજ ટકાવારી પર આધારિત છે...બાળકો તેમજ યુવાઓને ફક્ત એક જ દિશામાં વિચારવા માટે મજબૂર કરે છે કે કેવી રીતે યેનકેન પ્રકારે આ આંધળી દોડમાં ઉચ્ચતમ ટકાવારી પ્રાપ્ત કરી શકાય અને આ દોડમાં માતા-પિતાઓ પણ એમની સાથે દોડવા લાગે છે. ખરેખર તો આપણી શિક્ષણ પધ્ધતિને ડિઝાઇન જ એવી રીતે કરવામાં આવી છે કે એ કેવલ આંધળી દોડમાં દોડવાવાળા ‘નવયુવાન ભારત’ને પેદા કરે, નહિં કે સમજવાવાળા- વિચારવાવાળા, હરએક ક્રિયા ઉપર પ્રતિક્રિયા આપવાવાળા ‘નવયુવાન ભારત’ને... આધુનિક શિક્ષા બાળકની evaluation અને grading એવી રીતે કરે છે...જેવી રીતે સફરજનનાં બાગમાં ખરીદદાર સફરજનની કરે.
-
એક કટાક્ષ કથા......જંગલમાં હરએક પશુને એકત્રિત કરી બધાની પરિક્ષા લેવામાં આવે છે(ઝાડ ઉપર ચઢવા માટેની) તેમજ ક્ષમતા જોઇને ranking આંકવામા આવે છે. પરંતુ શિક્ષણ પધ્ધતિ એ ભૂલે છે કે આ પરિક્ષામાં તો બિચારો હાથીનો છોકરો ફેઇલ થશે અને વાંદરાનો છોકરો first આવશે. હવે આખા જંગલમાં એ વાત ફેલાઇ ગઇ કે જે ઝટ દઇને ઝાડ ઉપર ચઢી જશે એ સફળ બાકી બધાય ના જીવન વ્યર્થ. તો જે જાનવરોના છોકરા ઝટપટ ઝાડ ઉપર નથી ચઢી શકતા તેમને માટે કોચિંગ institute ખુલી ગયા. હવે ચાલી નિકળ્યાં હાથી, જીરાફ, ભેંસ, હિપ્પો, ઉંટ વગેરે પોતાના બાળકો સાથે institute તરફ....અમારો છોકરો પણ ભણશે, અમારૂ નામ રોશન કરશે....પરંતુ કંઇ રીતે? કંઇ જ ખબર નથી......આપના બાળકને જાણો એ શું છે.....હાથી છે કે જીબ્રા છે કે ચિત્તો છે કે પછી બની શકે કે કીડી હોય; અને જો કીડી હોયતો નિરાશ ના થાવ....કારણકે કીડી ધરતીનું સૌથી પરિશ્રમી જીવ છે તેમજ પોતાના વજનની તુલનાએ હજારગણું વજન ઉપાડી શકે છે. માટે કીડી સમજી એને ધિક્કારશો નહીં.
-
“બાળકોને ભણવા લાયક ચીજ એજ છે જે એમને રમત જેવો આનંદ આપે તથા વિદ્યા સાઇડ ઇફેક્ટ રૂપે ચુપ-ચાપ આપી દે. એમની ઉપર વિદ્યા થોપવાથી તો બુધ્ધિ કુંઠિત થઇ જશે તેમજ માનસિક વિકાસ પણ અસંતુલિત થઇ જશે. સ્કુલો એવી હોવી જોઇએ જ્યાં બાળકો ખુશી-ખુશી દોડતાં-દોડતાં પહોંચી જાય, એમની ઉપર ભારે ભરખમ પુસ્તકોનો બોજ નાંખી એમને ‘કુલી’ ના બનાવે, રટણ ઓછું અને વિચારવાનું વધુ શિખવે.”------આ પ્રાથમિક શિક્ષાની નીતિનો મૂળ સ્તંભ હોવો જોઇએ એવું ઘણાં ચોટીના શિક્ષાવિદ્યો પણ માને છે. પરંતુ અમલદારશાહીનું ભારતમાં રાજ છે. તેઓ કોઇનું સાંભળતા નથી; નેતાઓને ફક્ત વોટની ચિંતા છે, અને બાળકો તો વોટ આપતા નથી... આ નેતાઓ બાળકોને વિકસિત થતા નહીં પરંતુ ફક્ત વોટ માં પરિવર્તિત થતાં જોવા માંગે છે.....
-
ઇમેજમાં મોજૂદ ફેમસ ઇથોલોજીસ્ટ ‘રિચાર્ડ ડોકિન્સ’ એજ કહે છે કે......બાળકોની જીજ્ઞાસાવૃત્તિને છૂટ્ટી મૂકી દો (મતલબ એમની જીજ્ઞાસાને કોઇપણ જાતના દાયરામાં કેદ ન કરો). તેમજ તેમના પ્રશ્નોને અમર્યાદિત કરી નાંખો

What an Idea!!!

---------------------What an Idea!!!----------------------

બ્રાઝીલના સૌથી શ્રીમંત તેમજ સૌથી શક્તિશાળી લોકોમાંથી એક એવા....Chiquinho Scarpa....એ સનસની ફેલાવી દીધી જ્યારે એમણે પોતાની દસ લાખ ડોલર (7 કરોડ) ની બેન્ટલે (Bentley) કાર ને દફનાવવાની ઘોષણા કરી અને કારણ જણાવ્યું કે, "હું આવું એટલા માટે કરી રહ્યો છું કારણકે મરણ પામ્યા બાદ હું આમા ફરી શકું. આ પ્રસંગ માટેનો દિવસ પણ તેમણે નક્કી કરી નાંખ્યો.

-
 કાર્યની ત્યાંના મિડિયાએ ખૂબ આલોચના કરી તેમજ ખબરને ઘણી નેગેટીવ લીધી, એમને પાગલ ઘોષિત કરી દીધા. મિડિયાએ કહ્યું....આટલી કિંમતી વસ્તુને દફનાવવું એ પૈસાની બરબાદી સિવાય બીજું કંઇજ નથી. આ કેવો માણસ છે? કારને દફનાવવા કરતાં દાન કેમ નથી કરતો? પરંતુ આ બધી બાબતોને અવગણી એ વ્યક્તિ પોતાના કાર્યમાં લાગી રહ્યો.
-
પરંતુ હવે વાર્તામાં ટ્વીસ્ટ આવે છે....સીટ બેલ્ટ બાંધી લો....(અગર ટ્વીસ્ટ ના હોત તો અહીં ચર્ચા કરવાની કોઇ જરૂરિયાત જ ન હોત) નક્કી કરેલ દિવસે જ્યારે લોકટોળુ તેમજ ઘણા મિડિયાકર્મીઓ એકઠા થયાં ત્યારે પોતાની Bentley કારની અંત્યેષ્ટી પહેલાં એમણે ઘોષણા કરી કે, તેઓ કારને દફનાવશે નહીં પરંતુ લોકોનું ધ્યાન “અંગદાન” કરવા બાબત તેમજ જાગરૂકતા ફેલાવવા માટે એમણે આ ડ્રામા કર્યો.
-
એમણે પોતાના ભાષણમાં કહ્યું કે, “લોકોએ મારી નિંદા કરી કેમકે હું મારી મૂલ્યવાન 7 કરોડની કારને દફનાવવા જઇ રહ્યો હતો. પરંતુ મારી મૂલ્યવાન કારની તુલનાએ તમે તમારા બહુમૂલ્યવાન hearts, livers, lungs, eyes, kidneys વગેરે અંગો રોજ દફનાવો છો જે ખરેખર ખોટું છે. ઘણાં લોકો આપના સ્વસ્થ અંગોના પ્રત્યારોપણ માટે ઇન્તેજાર કરી રહ્યાં છે જેના થકી એમની જીદંગી બચી શકે એમ છે. મેં પ્રણ કર્યું છે તમે પણ પ્રણ કરો કે પોતાના અંગોનું દાન કરશો જેથી આપણાં અંગો જીદંગીની સાથે પણ તેમજ જીદંગી પછી પણ કામ કરતા રહે અને લોકોને નવજીવન બક્ષતા રહે.”

સમલૈંગિકતા (Homo-Sexuality) એક અપરાધ????

----------સમલૈંગિકતા (Homo-Sexuality) એક અપરાધ????------------

એક અનુરોધ છે આપને કે લેખ વાંચો તો પૂરેપૂરો વાંચજો. બની શકે... સમલૈંગિક જીવન અંગેની આપની વિચારધારામાં પરિવર્તન પણ આવી શકે....
-
ભવિષ્યમાં જ્યારે પણ ઇતિહાસ લખાશે ત્યારે ન્યૂટન, આઇનસ્ટાઇન, ડાર્વિન જેવા મહાન લોકો સાથે એક નામ અવશ્ય લખાશે.......“એલન ટ્યુરિંગ(Alan Turing)”......23 જૂન 1912, લંડનમાં જન્મેલ આ મહાન કમ્યુટર વૈજ્ઞાનિકે માનવજાતને સૂચના તેમજ પેટર્નનું મહત્વ શિખવ્યું. જેમની શોધોના આધારે દ્વિતિય વિશ્વયુધ્ધમાં માનવતાનો સંહાર કરવાની ખેવના રાખનાર હિટલર ઉપર મિત્ર દેશોએ જીત હાસિલ કરી. અગર વર્તમાનમાં આપની પાસે કમ્યુટર, મોબાઇલ જેવા ડિવાઇસ છે તો એમના માટે પણ એલન ટ્યુરિંગનો આભાર માનવો જોઇએ. કેમકે આધુનિક કમ્યુટિંગના કોડિંગ પણ કમ્યુટર વિજ્ઞાનના પિતામહ એલન ટ્યુરિંગની જ દેન છે.
-
પરંતુ.........માત્ર 41 વર્ષની ઉમરમાં 7 જૂન 1954 ના રોજ આ મહાન વૈજ્ઞાનિકે સાઇનાઇડથી ભરેલું એક સફરજન આરોગીને પોતાની જીવનલીલા સમાપ્ત કરી નાંખી. કારણકે.....તેઓ એક સમલૈંગિક હતાં.......એમની ઉપર એ સમયે અદાલતમાં કેસ ચાલ્યો તથા તેમને દોષી માનીને, તેઓને સ્ત્રી હારમોન્સના ઇન્જેક્શનો આપવામાં આવ્યાં. જેના કારણે એમના વક્ષ સ્ત્રીઓ સમાન વિકસિત થઇ ગયાં. આવા અપમાન, આત્મગ્લાનિ તેમજ તિરસ્કારથી દુઃખી થઇ એ મહાન વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી.
-
ખરેખર તો એ અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે કે આ મહાન વૈજ્ઞાનિકની કસમયી મોત થી માનવજાતે શું ગુમાવ્યું છે, કારણકે એમની ઉંમર 41 વર્ષની જ હતી. અગર તેઓ હજી થોડા વર્ષ વધુ જીવ્યા હોત તો માનવજીવનને ઉપયોગી કેટલીયે શોધો એમણે કરી નાંખી હોત....પરંતુ અફસોસ!!!........પોતાની અંગત જીન્દગીમાં પણ તેઓ એક શાનદાર ઇન્સાન હતાં. જેમણે ક્યારેય કોઇનું પણ બુરૂ ઇચ્છયું ન હતું. એમનો અપરાધ ફક્ત સમલૈંગિક હોવાનો હતો.
>>> તો શું સમલૈંગિકતા ખરેખર પાપ છે????
-
આવો આજે આપણે ધર્મ, પ્રકૃતિ, સમાજ તેમજ નૈતિકતાના નામે બીજાઓની જીન્દગીના અધિકારો છીનવી લેવાવાળાઓને સખત શબ્દોમાં વખોડીએ.

આપણે અહીંયા વ્યક્તિગત “ભાવનાત્મક યૌન સબંધો” ની વાત કરી રહ્યાં છીએ ના કે કુંઠિત સમલૈંગિક અપરાધોની. કોઇ જબરદસ્તી અન્ય સાથે સમલૈંગિક સંબંધ બનાવે તો અવશ્ય તેને દંડિત કરવાં જોઇએ. પરંતુ આપણે વાત કરીશું એ સમલૈંગિક સંબંધોની જેઓ પોતાની દુનિયામાં મસ્ત રહે છે, કોઇને પણ હાનિ પહોંચાડયા વિના.
-
સમલૈંગિકતાનો વિરોધ જનરલી એ આધાર ઉપર કરાય છે કે....આ ધર્મ, પ્રકૃતિ, સમાજ તેમજ નૈતિકતાની વિરૂધ્ધ છે...તો સૌથી પહેલાં સમાજ તેમજ નૈતિકતાની વાત....
-
>>>નૈતિકતાના આધારે કોઇને ખારિજ કરી દેવો ખરેખર દુરાગ્રહ જ માનવો પડે. નૈતિકતાની....સ્વતંત્રતાની સીમા જ વ્યક્તિગત હોય છે. જે આપને માટે બરાબર હોય જરૂરી નથી બધા માટે એ બરાબર જ હોય. બુરખો પહેરવો એ આરબ દેશોમાં નૈતિકતાનો આધાર છે. તો શું આપ કાલથી આપની પત્નીને બુરખો પહેરાવાનું શરૂ કરી દેશો? સિંદુર પુરવું એ ભારતીય નૈતિકતા છે. તો શું હરએક ઇસ્લામિક દેશોએ પોતાની પત્ની માટે સિંદુર તેમજ મંગલસુત્ર પહેરવા માટે ફતવો બહાર પાડવો જોઇએ? આપણાં બનાવેલા નિયમો આપણાં સમાજ ઉપર જ થોપવા જોઇએ (ખરેખર તો થોપવા જોઇએ જ નહીં). એ નિયમોને પૂરા વિશ્વ ઉપર ઠોકી બેસાડવાની ખેવના રાખવાવાળાની તુલના જેહાદિયો સાથે કરવામાં શું ખોટું છે?
-
અને સમાજ શું છે? એના નિયમો કોણ બનાવે છે? અગર સમાન લિંગમાં આકર્ષણ પાપ છે તો શું વિપરીત લિંગમાં આકર્ષણ વ્યક્ત કરવાની સુવિધા આપણો સમાજ આપે છે? માસૂમ દિકરીઓને છોકરાની લાલચમાં પેટમાં જ દફન કરવાવાળો સમાજ શું એ વાતનો જવાબ આપવાનું પસંદ કરશે કે....1000 પુરૂષો સામે 940 મહિલાઓવાળા આ દેશમાં લગ્ન માટે છોકરીઓ શોધી રહેલાં લાખો મર્દોનું ભલું શું કોઇ કલિયુગી દ્રૌપદી કરશે?
-
સમલૈંગિકતાના લક્ષણો પ્રાપ્ત અગર કોઇ સ્ત્રી કે પુરૂષ આપસી સહમતીના આધારે ભાવનાત્મક સબંધ બનાવી લે છે તો આપણાં પેટમાં દર્દ શું કામ થાય છે? શું કહ્યું? સંતાન પેદા નહીં થાશે? સૃષ્ટિ આગળ નહીં વધે? અરે ભલા માણસો...શું તમે ડાયનાસોર પ્રજાતિના એ છેલ્લાં ઇંડા છો કે તમને વંશવૃધ્ધિની ચિંતા સતાવી રહી છે? (હા બધાય સમલૈંગિક થઇ જાય તો મેટર ચિંતાજનક છે.) ઓલરેડી વસ્તી 8 અબજ થઇ ગઇ છે...3 અબજ પાસે ખાવા માટે રોટી નથી...પીવા માટે પાણી નથી...એમને તો પહેલાં સંભાળી લ્યો, વાત કરો છો છોકરાઓ પેદા કરવાની.... સંતાન પ્રાપ્ત કર્યા વિના આપસમાં ખુશ એવા જોડાં સમાજનું ભલું કરે છે કે હાનિ પહોંચાડે છે? માની લીધું કે ખાવા માટે કુદરતે મોઢું આપ્યું છે, પરંતુ વિશેષ પરિસ્થિતિમાં નાકમાં નળીના સહારે ખાવાનુ ખાવાવાળા પાસેથી શું જીવનનો અધિકાર છીનવી લેવો જોઇએ?
>>>સમલૈંગિકતાને કેવી રીતે ધર્મની વિરૂધ્ધ માનો છો? કોઇપણ હિન્દુ ધર્મશાસ્ત્રોમાં મને સમલૈંગિકતાની વિરૂધ્ધ એક લાઇન પણ લખેલી બતાવો...પોતે બનાવેલા રિવાજોને ધર્મના વાઘા પહેરાવીને ક્યાં સુધી લોકોને બેવકુફ બનાવ્યે રાખશો?
>>>તો હવે અંતિમ પડાવ બચ્યો છે કે, સમલૈંગિકતા પ્રકૃતિની તેમજ ઇશ્વરીય નિયમોની વિરૂધ્ધ છે...વાહ રે માનવી, સમગ્ર બ્રહ્માંડમાં ફેલાયેલી લાખો આકાશગંગાઓ માં મોજૂદ કરોડો ગ્રહોમાં એક નાનો ગ્રહ.....પૃથ્વી ઉપર બેઠો-બેઠો ઇશ્વરીય નિયમોને જાણવાનો દાવો કરે છે. અગર શારીરિક બદલાવ અને હાર્મોન્સ અસંતુલનના કારણે કોઇ વ્યક્તિ સમલૈંગિકતા તરફ આકર્ષિત થાય છે, તો એમાં ભૂલ એ વ્યક્તિની છે કે કુદરત એટલે કે ઇશ્વરની?
-
બની શકે આપણા માટે બધાં નિર્ણયો સાચા નથી હોતા....પરંતુ સુધારો....બદલાવ...તેમજ એકબીજા માટે લડવું અને સાથે ઊભા રેહવું એજ માનવતા છે અને આપણું સંવિધાન પણ એજ કહે છે કે, ધાર્મિક આધારોથી ઉપરવટ જઇને વૈજ્ઞાનિક આધાર ઉપર હર વ્યક્તિને જીવવાનો અધિકાર પ્રાપ્ત થવો જ જોઇએ. અગર એવું ના હોત તો....2009માં બ્રિટનના પ્રધાનમંત્રી ગાર્ડન બ્રાઉને સાર્વજનિક રૂપે એલન ટ્યુરિંગ ઉપર ચાલેલ કેસ માટે બ્રિટનની જનતા તરફથી માફી માંગવી પડી ના હોત...તથા વિકાસશીલ દેશો સમલૈંગિકતાને સામાન્ય વ્યવહાર ઘોષિત કરી માન્યતા આપતા ના હોત....તથા પ્રસિધ્ધ કંપની એપ્પલનો લોગો(અર્ધ ખાધેલ સફરજન) એ મહાન સમલૈંગિક એલન ટ્યુરિંગને શ્રધ્ધાંજલી ના હોત....
-
ક્યાં સુધી આપણે, આપણી બનાવેલ પરંપરાઓ તેમજ માન્યતાઓને ઇશ્વરીય નિયમની સંજ્ઞા આપી લોકોથી એમની જીન્દગીઓ છીનવતા રહીશું...બેશક પરંપરાઓ તેમજ માન્યતાઓમાં વિશ્વાસ રાખવું ઉચિત છે, પરંતુ જેવી રીતે એક પથ્થરના અનાવશ્યક ભાગોને હટાવી એક મૂર્તિકાર એમાંથી શિલ્પ શોધે છે, એજ પ્રકારે.....હર પરંપરા ધર્મ નથી હોતી...પરંપરાઓમાં પણ ધર્મ ને શોધવો પડે છે.....
ખુદ વિચાર કરજો....
(વિજય દ્વારા)

Saturday, February 22, 2020

ગર્ભવતી મહિલા અને સુવાની દિશા

ગર્ભવતી મહિલાઓને પીઠ ઉપર સીધા સુવાને બદલે ડાબી બાજુ પડખુ ફરીને સુવાની સલાહ પ્રસુતિ-રોગ-વિશેષજ્ઞો આપે છે. કેમ?? અહીં સવાલ ઉદભવે છે કે ગર્ભાવસ્થા દરમ્યાન પડખુ ફરીને સુવાનો શું લાભ? અને એ પણ ડાબી બાજુ?
-
પીઠ ઉપર સીધા સુવાથી ભ્રૂણયુક્ત ગર્ભાશયનો દબાવ પેટમાં મૌજૂદ એક મોટી શિરા ઇન્ફીરિયર વેના કવા(inferior vena cava) અર્થાત નીચલી મહાશિરા ઉપર પડે છે
. પરિણામસ્વરૂપ શરીરના નીચેના ભાગથી હ્રહય સુધી પહોંચનાર લોહીની માત્રા ઘટી જાય છે. જેના કારણે ગર્ભવતી સ્ત્રીનું બ્લડપ્રેશર લો થઇ શકે છે. જેના ફળસ્વરૂપ ચક્કર આવવું, આંખ આગળ અંધારુ છવાઇ જવું તેમજ મૂર્છા આવી જવી જેવા લક્ષણો ઉત્પન્ન થાય છે. સાથેસાથે નાળ દ્વારા શિશુને મળનાર લોહીની માત્રામાં ઓછપ આવવાથી ફીટલ કોમ્પ્રોમાઇઝ થઇ શકેતેમજ ઘણી વખત ભ્રૂણની મૃત્યુ પણ થઇ શકે છે.
-
તો હવે પ્રશ્ન એ બાકી રહે કે ડાબી બાજુ જ કેમ સુવુ જોઇએ જમણે પડખે કેમ નહીં? એટલામાટે કેમકે જમણી બાજુ યકૃત(liver) ની મૌજૂદગી હોય છે, જે એક ઠોસ અંગ હોય છે. પરિણામસ્વરૂપ જમણે પડખે સુવાથી ભ્રૂણયુક્ત ગર્ભાશયને ખસવાની જગ્યા નથી મળતી જેના કારણે ગર્ભવતી સ્ત્રી અસહજતા અનુભવે છે. ડાબી બાજુ સુવાથી કોઇ તકલીફ નથી થતી કારણકે ડાબી બાજુ કોઇ જ ઠોસ અંગ નથી હોતુ જેથી ગર્ભાશયને ખસવાની જગ્યા મળી રહે છે. ડાબી બાજુ ફક્ત પોલુ ઉદર હોય છે.