મારું બાળક શાકભાજી(શાક-રોટલી) તો ખાતું જ નથી. આ સમસ્યા લગભગ હર ઘરની હોય છે. બાળકોને ચોકલેટ આપો ખાઇ લેશે, કેન્ડી આપો ખાઇ લેશે ઇવન કે જે ઘરોમાં માંસાહાર સ્વીકાર્ય છે ત્યાંના બાળકો માંસાહાર પણ હોંશેહોંશે ખાઇ લેશે પણ જેવી શાક-રોટલી આપશો એટલે નનૈયો ભણી દેશે. કેમ? આપણે તો શાક-રોટલી ખાઇ લઇએ છીએ તો પછી બાળકો ખાવામાં કેમ ખંચકાય છે? ક્યારેય જાણવાની કોશિશ કરી છે ખરી? આના જવાબનું મૂળ ઉત્ક્રાંતિ(evolution) માં છુપાયું છે. ખેર, આ વાત તો છેવટની છે પરંતુ ત્યાં સુધી પહોંચવાનો માર્ગ જોઇ લઇએ. હકિકતમાં બાળકોના શાક-રોટલી ન ખાવાના ચાર કારણો છે.
-
(1) ઊર્જા:- શાકભાજી પોષક તત્વો તો આપે છે પરંતુ શાકભાજીની કેલરી વેલ્યૂ એટલેકે ઊર્જા આપવાનું પ્રમાણ માંસ અને શુગર કરતા ઘણું ઓછું છે અને બાળકોને વિકસવા માટે પુષ્કળ ઊર્જાની જરૂર હોય છે. 100 ગ્રામ ગાજરમાં કેવળ 41 કેલેરી ઊર્જા હોય છે જ્યારે 100 ગ્રામ માંસમાં 165 કેલેરી ઊર્જા હોય છે. શું તમને ખબર છે કે એક તડબૂચ આપણને જેટલી ઊર્જા આપે છે તેનાથી વધુ ઊર્જાની જરૂર તો તેને પચાવવા માટે જોઇએ. બાળકો માટે આ ખોટનો સોદો છે તેથી તેઓ શાકભાજીથી દૂર ભાગે છે. આવું તેઓ જાણીજોઇને નથી કરતા પરંતુ ઉત્ક્રાંતિએ આ પ્રોગ્રામિંગ તેમના મગજમાં કર્યુ હોય છે.
-
(2) Taste Buds:- બીજું કારણ છે...સ્વાદેંદ્રિયના તંતુઓ(જુઓ નીચેની ઇમેજ). બાળકોમાં આ તંતુઓની સંખ્યા ત્રીસ હજાર જેટલી હોય છે. ઉંમર વધતા આ તંતુઓની સંખ્યા ઘટતી જાય છે. ચાલીસ વર્ષની ઉંમરે તેમની સંખ્યા લગભગ દસ હજારથી પણ ઓછી થઇ જાય છે અને ઢળતી ઉંમરે તો આ આંકડો કેવળ બે હજારની આસપાસ રહી જવા પામે છે. વધુ તંતુઓનો અર્થ એવો થાય કે બાળકો સ્વાદને આપણા કરતા વધુ સારી રીતે જાણી શકે છે. આજ કારણ છે કે બાળકો શાકભાજીથી દૂર ભાગે છે કેમકે મોટે ભાગે શાકભાજી તૂરી, ખાટી, કડવી હોય છે. અર્થાત જે શાકભાજી આપણને કડવી લાગે તે બાળકોને આપણા કરતાય વધુ કડવી લાગે છે. ટૂંકમાં સ્વાદની તીવ્રતા વધી જાય છે.
-
(3) ભૂતકાળ:- આદિમાનવ જ્યારે જંગલોમાં રહેતો હતો ત્યારે ઘણી એવી વનસ્પતિઓ સાથે તેને પનારો પડતો હતો જેઓ ઝેરી હતી. તેમની ઉપર લાગતા ફળો ક્યાં તો ખાટ્ટા અથવા કડવા હતાં. આજ વાત ઉત્ક્રાંતિ દરમિયાન આપણા reptilian brain માં ફીટ થઇ ગઇ તેમજ જીન્સ સુધી પહોંચી ગઇ. આપણા શરીરમાં એવા જીન્સ પણ મૌજૂદ છે જેઓ કડવી વસ્તુઓને પસંદ કરતા આપણને રોકે છે. તેથી જ બાળકો આવા ફળો/શાકભાજીઓ થી દૂર ભાગે છે.
-
(4) આપણે:- જી હાં, બાળકોનું શાકભાજી ના ખાવાનું એક કારણ આપણે વડીલો છીએ. તમને થશે આ વળી કઇરીતે? ઉલ્ટું, આપણે તો તેમને શાકભાજી ખવડાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો પછી આપણે કઇરીતે જવાબદાર? હવે વાંચો આગળ....માનવી ખુશી-આનંદના પળોનું ભાથું બાંધે છે. આવા પળો વડે આપણી મેમરી બને છે. જીવન જીવવા માટે આવા પ્રસંગો ટોનિકનું કાર્ય કરે છે અને તેથી જ આવા પ્રસંગો આપણને લાંબા સમય સુધી યાદ રહે છે. એવા પ્રસંગો જેમાંથી બાળકોને ખુશી મળી, તેમનો દૂર સુધી શાકભાજી સાથે સંબંધ જ નથી. જ્યારે જન્મદિવસ હોય, તહેવાર હોય, પરીક્ષામાં પાસ થવાની ખુશી હોય ત્યારે આપણે મીઠાઇઓ વહેંચીએ, બહાર જમવા જઇએ છીએ, પિઝા ખાઇએ છીએ, ચોકલેટ-આઇસ્ક્રીમ ખાઇએ છીએ. ટૂંકમાં આનંદના જેટલા અવસરો હતાં તેમનું connection આપણે એવા ખોરાક સાથે કર્યુ જેમાં ખુબ વધુ પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ હતાં. આને associative learning કહે છે. પછી બાળકને શાકભાજી ક્યાંથી ભાવે?


No comments:
Post a Comment