ભારતમાં સેક્સ એજ્યુકેશન પ્રતિ કેટલી ગંભીરતા છે? કેટલા કિશોર-કિશોરીઓને માસિક સ્રાવ, વ્યક્તિગત સ્વચ્છતા, જનનાંગોની એનાટોમી અને ફિઝિયોલોજી, જાતીય સંક્રમિત રોગો, ગર્ભાવસ્થા, ગર્ભનિરોધકના સાધનો તથા તે સંબંધિત અન્ય બાબતોની સાચી જાણકારીઓ છે? લગભગ નહિવત..
-
આપણા સમાજમાં આ વિષયો પર વાત કરવી ખરાબ માનવામાં આવે છે. કેટલા વાલીઓ પોતાના બાળકોને આ અંગે યોગ્ય શિક્ષણ આપે છે અથવા આપવું યોગ્ય ગણે છે? આપણે એવું સમજીએ છીએ કે બાળકો, આ વસ્તુઓ આપમેળે શીખી જશે. બાળકો અને કિશોરોની વાત તો દૂર રહી, અહીંની પરિણીત મહિલાઓને પણ સ્તન કેન્સર અને સર્વાઇકલ કેન્સર જેવા વિષયો વિશે જાણકારી નથી. તેઓને પોતાના વક્ષસ્થળનું સ્વયં નિરીક્ષણ કરતા પણ નથી આવડતું. આ અંગોને લગતી સમસ્યાઓ પણ તે પોતાના પરિવારના સભ્યોથી છુપાવતી રહે છે. આ જ કારણ છે કે ઘણી વખત સ્તન અને સર્વાઇકલ કેન્સરની વહેલી ખબર નથી પડતી અને તેના કારણે મહિલાઓ મૃત્યુ પામે છે.
-
આપણો સમાજ શરૂઆતથી જ આ બાબતે રૂઢિચુસ્ત રહ્યો છે. બાળ ગંગાધર તિલક અને મદન મોહન માલવીય જેવા રૂઢિવાદીઓ પણ માનતા હતા કે છોકરીઓના લગ્ન તેમના માસિક સ્રાવ(Menarche) પહેલા એટલેકે લગભગ 10 વર્ષની ઉંમરે કરવા જોઈએ. આ ધારણાઓમાં બદલાવ લાવવાને તેઓ હિન્દુ ધર્મમાં હસ્તક્ષેપ માનતા હતાં. તે સમયે, ઘણી છોકરીઓ તેમના લગ્નની પ્રથમ રાત્રે લોહીમાં લથપથ થઇ મૃત્યુ પામતી હતી અને આ રૂઢિવાદીઓ આ માટે તેમના પતિઓને દોષી ન માની બાળકીઓના જનાનંગોને "દોષયુક્ત" ગણતા હતાં. આ કોઇ હવાહવાઇ વાત નથી બલ્કે વેલ ડોક્યુમેન્ટેડ વાત છે. બે ઉદાહરણ જુઓ....
-
11 વર્ષની છોકરી 'રૂખમા બાઈ' ના લગ્ન પોતાનાથી ઘણી મોટી ઉંમરના વ્યક્તિ સાથે કરાયા. પતિએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો ત્યારે રૂખમા બાઈએ તેના પતિના ઘરે જવાની ના પાડી. કોર્ટમાં કેસ ચાલ્યો અને ન્યાયાધીશે રૂખમા બાઈને બે વિકલ્પ આપ્યા...ક્યાં તો પતિના ઘરે જાઓ અથવા જેલમાં રહો. રૂખમા બાઈએ જેલમાં જવાનું પસંદ કર્યું. બાદમાં રાણી વિક્ટોરિયાએ તેમના છૂટાછેડા કરાવ્યા હતા. રૂખમા બાઈએ પાછળથી ઈંગ્લેન્ડમાંથી ઉચ્ચ તબીબી ડિગ્રી મેળવી. આ કિસ્સામાં તિલકનો અભિગમ અત્યંત રૂઢિચુસ્ત અને અવૈજ્ઞાનિક હતો. તેઓ સ્ત્રીઓના આધુનિક શિક્ષણના પણ વિરોધી હતા.
-
1890 માં, જ્યારે 10 વર્ષની છોકરી 'ફૂલમણિ' તેના લગ્નની રાત્રે લોહીથી લથપથ હાલતમાં મૃત્યુ પામી ત્યારે તિલકે છોકરીના ગુપ્તાંગને દોષી ઠેરવ્યું અને કહ્યું કે તેના પતિએ એક સામાન્ય અને બિનહાનિકારક કૃત્ય કર્યું છે માટે તે દોષમુક્ત છે. મદન મોહન માલવિયા પણ આ વિષયો પર સમાન વિચારો ધરાવતા હતા.
-
આ વાતો કહેવા પાછળનો હેતુ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને નેતાઓના ચરિત્ર-હનન કરવાનો નથી પરંતુ એ દર્શાવવાનો છે કે આપણા સમાજમાં આ દુષણો કેવી રીતે પ્રવર્તમાન રહ્યા છે તથા પ્રબુદ્ધ ગણાતા લોકો પણ અવૈજ્ઞાનિક વિચારોથી અછૂત રહ્યાં નથી. તેમના વિચાર પાછળનું કારણ તેમના ધાર્મિક ગ્રંથોમાં જે લખ્યું છે તેને જ અંતિમ શબ્દ ગણવાનું હતું.
-
આવશ્યકતા ખુલ્લા મને, વૈજ્ઞાનિક રીતે વિચારવાની છે. આપણી ભાવિ પેઢીને ભ્રમ અને ગેરમાન્યતાઓથી બચાવીએ તે જરૂરી છે. બાળકોને તેમની ઉંમર પ્રમાણે યોગ્ય જાતીય શિક્ષણ આપવું જ જોઈએ. એક ઉચિત શિક્ષણને આપણે ક્યાં સુધી Taboo બનાવી રાખીશું? ક્યાં સુધી આપણે ઉચિત પ્રશ્નો અને તેના સાચા જવાબોથી મોં છુપાવીશું?

No comments:
Post a Comment