વિજ્ઞાન ટૂંક સમયમાં મનુષ્યની આવરદા વધારવા જઇ રહ્યું છે. કઇરીતે? જુઓ....વાત જાણે એમ છે કે....સિંગાપુરની Duke NUS મેડિકલ સ્કૂલની અસિસટન્ટ પ્રોફેસર Anissa Widjaja ના એક સાથીએ તેને કેટલીક પેશીઓ(tissues)ના નમૂના મોકલ્યા. આ પેશીઓ જોકે અલગ પરીક્ષણ હેતુ તેની પાસે આવી હતી પરંતુ તેણે નોંધ્યું કે આ પેશીઓમાં મૌજૂદ એક પ્રોટીનની માત્રા ઉંમર સાથે વધી રહી છે. બાદમાં તેણે ઘણાં પરીક્ષણો કર્યાં પરંતુ પરિણામ સરખું જ મળ્યું. તે જે ગ્રુપ સાથે સંકળાયેલ હતી તેના હેડ Stuart Cook હતાં. જેમનો સંબંધ UK ની medical research council laboratory સાથે હતો. રિસર્ચ માટે આજ સંસ્થાએ તેમને ફંડિંગ આપ્યું.
-
તેમની રિસર્ચ ટીમનું કહેવું છે કે, આજથી લગભગ 40 કરોડ વર્ષ પહેલાં માછલીમાંથી સસ્તન પ્રજાતિમાં એક પ્રોટીન સામેલ થયું કે જે ઝડપભેર વધતી ઉંમર માટે જવાબદાર છે અને તેનું નામ interleukin-11. જ્યારે આ પ્રોટીન સ્તનધારીઓનો હિસ્સો બન્યું ત્યારે તે ઘણું લાભકારક હતું. હજીપણ ઘણી પ્રજાતિઓ એવી છે જેઓ પોતાનું કોઇ અંગ કપાયા બાદ આ પ્રોટીનની સહાય વડે ફરી તેને ઉગાડી શકે છે.
-
પરંતુ!! હવે તેને મનુષ્ય માટે બિનજરૂરી ગણવામાં આવે છે કેમકે તે ઘણી સમસ્યાઓ ઉભી કરે છે. જેમકે તે સ્નાયુઓને નબળા પાડે છે, હ્રદય કમજોર બનાવે છે, ચયાપચયમાં તકલીફ, પેશીઓને નુકસાન, સોજા વગેરે વગેરે. સંશોધકોની ટીમે ઉંદરોમાં આ પ્રોટીનની માત્રા ઘટાડી તેમની ઉંમરમાં ખાસ્સો વધારો કર્યો છે. આ પ્રયોગ બે પ્રકારે કરાયો (1) ઉંદરોમાં આ પ્રોટીન માટે જવાબદાર જીન્સને જ કાઢી નાંખવામાં આવ્યા. (2) ઉંદરોને anti-interleukin-11 એન્ટિબોડીઝના ઇન્જેક્શન આપવામાં આવ્યા. પ્રથમ રીત વડે ઉંદરોની ઉંમરમાં 20% નો જ્યારે બીજી રીત વડે 25% વધારો નોંધાયો.
-
ફિલહાલ તો આ રિસર્ચ ઉંદરો સુધી જ સિમિત હતી પરંતુ હવે તેને મનુષ્યો ઉપર પણ કરવામાં આવશે. આ રિસર્ચને મનુષ્યો ઉપર કરવું એક મોટી ચેલેન્જ છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ ટેકનિક વડે માનવીનું આયુષ્ય 25% જેટલું વધશે. વધુમાં તેમનું કહેવું છે કે આ કાર્ય લંબાશે કેમકે ફાયદા-ગેરફાયદાને જોવામાં સમય લાગશે તથા તેના માટે પૈસાનું ખુબ ભંડોળ જોઇશે. ફિલહાલ ત્રણ કંપનીઓ એવી છે જેમની પાસે આ પ્રોટીનની એન્ટિબોડીઝ મૌજૂદ છે. આ રિસર્ચનો ઉદ્દેશ્ય કેવળ ઉંમર વધારવાનો જ નથી બલ્કે વધેલી ઉંમર સાથે વ્યક્તિ શક્ય તેટલો ફિટ રહી શકે તેનું ધ્યાન રાખવાનો પણ છે. (રિસર્ચ પેપરની લિંક નીચે મૌજૂદ છે)
https://www.nature.com/articles/s41586-024-07701-9

No comments:
Post a Comment