હાલમાં જ નોબેલ પુરસ્કારોની ઘોષણા થઇ. વિજેતાઓ પર નજર કરતા આશ્ચર્ય થાય છે કે, જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં એ લોકો ક્યાં છે અને આપણે ક્યાં? તેમના જેવું આપણે કેમ નથી કરી શકતાં? બાકીના વિશ્વની તુલનામાં આ આધુનિક યુગમાં આપણે કેટલી શોધો કરી છે? આપણામાં અને તેમનામાં શું ફરક છે?
-
આપણો ધ્યેય....સંસારને સુખદ/ખુશહાલ બનાવવાનો નથી હોતો બલ્કે તથ્યહીન, તર્કહીન ધાર્મિક માન્યતાઓમાં જ રચ્યા-પચ્યા રહેવાનો હોય છે; બ્રહ્માંડ/સૃષ્ટિને વાસ્તવિકરૂપે સમજવાનો નહીં બલ્કે મોક્ષ પ્રાપ્ત કરવાનો હોય છે. માટે જ આપણે આપણા ધાર્મિક ગ્રંથોને અંતિમ સત્ય માનીએ છીએ અને તેથી જ બાબાઓની ભીડનો હિસ્સો બનીએ છીએ. આપણા સારા ભૂતકાળ પર ગર્વ કરવો એ સારી વાત છે પણ શું ભૂતકાળમાં જ પડ્યા રહીને, તેને કોઈપણ રીતે મહાન સાબિત કરીને અને હંમેશા પાછળની તરફ જ જોતા રહીને આપણે કઇ રીતે આગળ વધી શકીશું? જે પ્રશ્નોના જવાબ યુવાઓએ વિજ્ઞાનમાં શોધવા જોઈએ, તેઓ તેમને ધર્મ, આધ્યાત્મિકતામાં શોધે છે. અહીં સ્વતંત્ર ચિંતનને હતોત્સાહિત કરવામાં આવે છે. યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર અને ડીન સુધ્ધા અતાર્કિક વાતો કરતા નજરે ચઢે છે.
-
જન્મકુંડળીમાં મંગળ જોવાને બદલે આપણે સાચા મંગળ ગ્રહ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોત તો ઇસરો મંગળ ઉપર પણ લેન્ડ કરી ચૂક્યું હોત. જ્યારે તમે ભવિષ્યવાણીઓ, ધ્યાન, ટેરો, ન્યૂમેરોલોજી જેવી વાહિયાત વાતો પર વિશ્વાસ કરવા માંડો તો પછી તમે સત્ય શોધવામાં પ્રયોગશાળામાં અગણિત રાતો શા માટે બગાડશો? આપણે ત્યાં પ્રયોગશાળાઓની દિવાલો ઉપર જાળાં બાઝ્યાં હોય છે અને બાબાઓના આલિશાન મહેલો ચકચકાટ હોય છે.
-
બાળકોને સ્કૂલ લેવલે જ પ્રાયોગિક જ્ઞાન આપવું જરૂરી છે. આપણે ત્યાં 95% શાળાઓમાં લેબ જ નથી. જ્યારે બાળક લેબમાં કોઇ પ્રયોગ જ નહીં કરે તો શીખશે કઇ રીતે? કોઇપણ દસમાં ધોરણના વિદ્યાર્થીને પૂછી જુઓ કે તેણે NaCl જોયું છે? જવાબ તમને લગભગ નકારમાં જ મળશે પરંતુ જ્યારે તેને કહેવામાં આવે કે અરે! તેં સામાન્ય મીઠું નથી જોયું? તો તે કહેશે કે હા, મેં જોયું છે. જ્યારે આપણા સ્કૂલ લેવલના બાળકો જ આટલા પંગુ છે તો ઉચ્ચ કક્ષાએ બિચારાઓ કેવી રીતે સંશોધન કરશે?
No comments:
Post a Comment