ધારોકે...કોઇ અતિ-કજિયાખોર વ્યક્તિ, કોઇક અન્ય કજિયાખોર વ્યક્તિ સાથે સુમેળભર્યા સંબંઘો સાધી લે(કે જે એના સ્વભાવની તદ્દન વિરૂધ્ધ છે) તો, તમારું મંતવ્ય શું હશે? બિલકુલ આવું જ કંઇક આપણા સૂર્યમંડળમાં થઇ રહ્યું છે, જે આપણા સૂર્યમંડળની રચના વિષેની અત્યારસુધીની આપણી સમજને ચેલેન્જ કરે છે. ચાલો જોઇએ કે સમગ્ર ઘટનાક્રમ શું છે?
-
મળીએ એક અવકાશી ખડક(space rock) ને, જેનું નામ છે....Arrokoth(જુઓ મુખ્ય ઇમેજ). આ તસવીર new horizon ટેલિસ્કોપ વડે લેવામાં આવી છે. આ પદાર્થ kuiper belt માં મૌજૂદ છે. આજ એ પદાર્થ છે જેણે વૈજ્ઞાનિકોની ઉંઘ હરામ કરી નાખી છે. બંન્ને એકબીજા સાથે એવી લીવ ઇન રિલેશનશીપમાં રહે છે, જેમનું જોડાણ ખુબજ નાજુક છે. અત્યારસુધીની આપણી સમજ મુજબ આવું થવું શક્ય નથી. કેમ? કેમકે સ્પેસમાં બે પદાર્થોની ટક્કર હંમેશા જોરદાર જ થાય છે(એવું આપણે સમજીએ છીએ).
-
હવે મૂળ સમસ્યા ઉપર આવીએ. આ ખડકે આપણા સૂર્યમંડળના બનવાના મોડેલને ચેલેન્જ કર્યું. કઇરીતે તે જુઓ...આપણે એવું સમજતા હતાં કે જ્યારે સૂર્યમંડળ બની રહ્યું હતું ત્યારે સૂર્યની આસપાસ એક accretion disk હતી, જે ખુબજ ઝડપથી ફરી રહી હતી. પરિણામે તેમાં મૌજૂદ પદાર્થો વચ્ચે ટક્કરો પણ જોરદાર થતી રહી. અંતે ગ્રેવિટિના કારણે નાના ગ્રહો બનતા ગયા. ટૂંકમાં શરૂઆતી સમયમાં ખુબજ પ્રચંડ ટક્કરો સૂર્યમંડળમાં થઇ રહી હતી. પ્રચંડ ટકરાવથી Arrokoth જેવા પદાર્થો બનતા નથી. આવા પદાર્થોનું નિર્માણ ત્યારેજ શક્ય બને જ્યારે બે પદાર્થો હળવેકથી એકબીજા સાથે જોડાય. યાદરહે આવા ઘણાં અન્ય ખડકો પણ આપણને kuiper belt માં મળ્યા છે. અર્થાત જેમ-જેમ આપણે સૂર્યથી દૂર જતાં જઇએ તેમ-તેમ ત્યાં અથડામણો હળવી થઇ રહી છે. બસ, આજ વાત આપણા મોડેલ/સમજને ચેલેન્જ કરી રહી છે. અહીં વિજ્ઞાનની ખુબસુરતી જુઓ....કેવળ એક અવલોકને આપણી અત્યારસુધીની સમજ ઉપર ફેરવિચારણા કરવા આપણને મજબૂર કરી દીધાં(ધર્મની જેમ પથ્થર કી લકીરનો કાયદો થોડો છે!).
-
આ સમસ્યાનું નિવારણ એક થીઅરી આપે છે જેને Nice model of solar system કહે છે. આ થીઅરી શું કહે છે તે પહેલાં થોડાં પ્રશ્નો જોઇ લઇએ...ચંદ્ર ઉપર ઘણાં ખાડા(craters) આપણને નજરે ચઢે છે. મંગળ ઉપર પણ ઘણાં ખાડા દેખાય છે. અલબત્ત! પૃથ્વી ઉપર પણ ઘણાં ખાડા છે પરંતુ અધિકતર ભાગ પાણીથી ઢંકાયેલ હોવાના કારણે તેઓ નજરે ચઢતા નથી. આ ખાડા પડવાનું કારણ અવકાશી પિંડોનો ટકરાવ છે(જેને heavy bombardment કહે છે) એ તો આપણે જાણીએ જ છીએ પરંતુ સવાલ એ છે કે, એવું તો શું બન્યું કે...આટલી વિશાળ માત્રામાં તે સમયે અવકાશી પિંડો આ ગ્રહો-ઉપગ્રહો ઉપર ટકરાયા? આ સવાલનો જવાબ આ થીઅરી આપે છે.
-
આ થીઅરી કહે છે કે, એવું નથી કે શરૂઆતી સમયમાં ઘણા પ્રચંડ ટકરાવો થયા બલ્કે થયું એવું કે, જે બાહરી ચાર ગેસ જાયન્ટો(ગુરૂ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન) છે તે ઘણાં નજીક-નજીક ઉત્પન્ન થયા. પરંતુ!! બાદમાં આ બાહ્ય ગ્રહોએ પોતાનું સ્થાન બદલવાનું શરૂ કરી દીધું. જેના કારણે સૂર્યમંડળમાં ઘણો ઉત્પાત મચ્યો. પરિણામે અવકાશી પિંડોનો ટકરાવ અન્ય ગ્રહો ઉપર વધ્યો. અહીં સુધીની ઘટનાઓને તો આ થીઅરી બખુબી સમજાવે છે પરંતુ કેટલીક એવી ઘટનાઓ છે જેને આ થીઅરી સમજાવવામાં અસમર્થ છે જેમકે અમુક ગ્રહો ફરતે વલયો શા માટે છે? ટૂંકમાં આ થીઅરીની પણ પોતાની મર્યાદાઓ તો છે જ.

No comments:
Post a Comment