શું કોઇ બાળક બે વાર જન્મી શકે છે? હા, આધુનિક મેડિકલ સાયન્સના પ્રયાસોથી આવું થઈ શકે છે. અલબત્ત! આવું થયું પણ છે. વાત છે 2016 ની. અમેરિકામાં રહેતી માર્ગારેટ હોકિન્સ બીમર નામની મહિલાની બાળકી(લિનલી) જ્યારે તેની માતાના ગર્ભમાં હતી અને તેની ઉંમર માત્ર 16 અઠવાડિયા હતી ત્યારે અલ્ટ્રાસાઉન્ડમાં જાણવા મળ્યું હતું કે તેની કરોડરજ્જુના નીચેના ભાગમાં ગાંઠ છે. તે ગાંઠનું કદ લગભગ સ્વયં બાળકીના કદ જેટલું જ મોટું હતું અને તે ગાંઠ બાળકીના રક્ત-સંચારને ખલેલ પહોંચાડતી હતી.
-
આ ઘણાં મોટાં sacrococcygeal teratoma ના કારણે લિનલીનું હૃદય ખૂબ જ ઝડપથી ધબકતું હતું. આ ગાંઠને દૂર કર્યા વિના ગર્ભમાં રહેલી બાળકી માટે જીવવું મુશ્કેલ હતું. પરંતુ!! તેનું આ જટિલ ઓપરેશન કેવી રીતે કરવું? કેમકે તે તો ગર્ભમાં હતી. બાળક ગર્ભમાં હોય ત્યારે પણ બહારથી સાધનો નાખીને ઘણા ઓપરેશન કરવામાં આવે છે. પરંતુ આ સમસ્યા અલગ પ્રકારની હતી. આવું ઓપરેશન જ્યાં સુધી બાળકી ગર્ભમાં હોય, ત્યાંસુધી થઇ શકે એમ ન હતું. આ સિવાય, ન તો ડોક્ટરો લિનલીના મોટા થવાની રાહ જોઈ શકે એમ હતાં અને ન તો આટલી નાની ઉંમરે તેનો જન્મ કરાવી શકે એમ હતાં. બંને પરિસ્થિતિઓમાં બાળકી બચી શકે એમ ન હતી. તેથી ડૉક્ટરોએ માર્ગારેટને ગર્ભપાત કરાવવાનું કહ્યું.
-
આ અજાત(નહિ જન્મેલ) બાળકીના માતાપિતા ટેક્સાસની ચિલ્ડ્રન્સ હોસ્પિટલ માં આવ્યા. અહીંના ફેટલ સેન્ટરમાં ડો. ઓલુયિન્કા ઓલુટોયે અને તેમના સાથી ડો. ડેરેલ કાસે કહ્યું કે તેઓ ગર્ભમાંથી બાળકીને કાઢશે, તેનું ઓપરેશન કરશે અને ફરી પાછી તેને માતાના ગર્ભાશયમાં વૃદ્ધિ માટે મૂકી દેશે. 23 અઠવાડિયાના ગર્ભમાં લિનલીના હૃદયની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે હવે વધુ રાહ જોઈ શકાય એમ નહોતી. બાળકીના માતા-પિતાએ આ માટે મંજૂરી આપી દીધી.
-
ડોકટરોએ માર્ગારેટનું સિઝેરિયન ઓપરેશન કર્યું, લિનલીને બહાર કાઢવામાં આવી અને એનેસ્થેસિયા આપી જટિલ ઓપરેશન કર્યું. તે સમયે લિનલીનું વજન માત્ર એક પાઉન્ડ ત્રણ ઔંસ (0.53 કિગ્રા) હતું. ઓપરેશન દરમિયાન એક તબક્કે લિનલીનું હૃદય બંધ થઈ ગયું હતું. તેને ફરી શરૂ કરવામાં આવ્યું અને ડોકટરોએ લિનલીની 90 ટકા ગાંઠ કાઢી નાખી. આ દરમિયાન ભ્રૂણને લોહી પણ ચઢાવવું પડ્યું. ઓપરેશન દરમિયાન માર્ગારેટના ગર્ભાશયમાંની amniotic sac અર્થાત તે કોથળી જેમાં બાળક રહે છે, તેને કાપી નાખવામાં આવી અને તેની અંદર રહેલું પ્રવાહી જેમાં બાળક તરતું રહે છે, તેને અલગ કરીને સુરક્ષિત રાખવામાં આવ્યું(જુઓ નીચેની ઇમેજ).
-
ઓપરેશન બાદ ભ્રૂણને ફરી તેના સ્થાને રાખવામાં આવ્યું. amniotic sac ની અંદર ફરી તેનું પ્રવાહી નાંખી ગર્ભાશયને બંધ કરવામાં આવ્યું અને છેવટે પેટને બંધ કરવામાં આવ્યું. માર્ગારેટે સુખરૂપ પોતાનો ગર્ભકાળ પુરો કર્યોં અને અંતે તેની પ્રેગ્નન્સી પૂરી થતાં જ તેની સિઝેરિયન ઓપરેશન દ્વારા ડિલિવરી કરવામાં આવી. આ રીતે લિનલીનો બે વખત જન્મ થયો. હવે એક મુખ્ય વાત....જે લોકો જન્મ સમયે ગ્રહોની સ્થિતિ અનુસાર બાળકનું ભાવિ નક્કી કરે છે, તેઓ આ કિસ્સામાં કયા સમયને જન્મનો યોગ્ય સમય ગણશે, પહેલો કે બીજો અને શા માટે?


No comments:
Post a Comment