Saturday, January 7, 2023

Neuromarketing

 


 

એક કાલ્પનિક પ્રસંગ....વાર્તા શરૂ થાય છે અર્જુન નામક શખ્સથી. કોઇક કારણવશ એક દિવસ અર્જુનની ઓફીસ બપોરે બંધ થઇ જાય છે. હરરોજ પોતાનું ટિફિન સાથે લાવતો અર્જુન તે દિવસે બપોરે જમી નથી શકતો. ઓફીસથી નીકળી રિક્ષા સ્ટેન્ડ સુધી જવા તે ચાલવા માંડે છે. તેના ખિસ્સામાં પચાસ રૂપીયા છે કે જે પાંચ કિલોમીટર દૂર રહેલ તેના ઘર સુધી જવા માટેનું ભાડું છે. પગપાળા યાત્રા દરમિયાન તેની નજર એક જાહેરાત ઉપર પડે છે.

-

જાહેરાત એક ખુબજ પ્રખ્યાત તેમજ મલ્ટિનેશનલ કંપનીના બર્ગર અંગે હતી. જેના બર્ગરનો ભાવ પચાસ રૂપીયા હતો સાથેસાથે તેની જાહેરાતમાં બર્ગર સાથે મફત એક નાનકડાં રમકડાંનો સમાવેશ પણ થતો હતો. અર્જુન એક મિનિટ માટે તે જાહેરાત સામે થંભી ગયો. એક તો પેટમાં ભૂખના ઘોડા દોડતા હતાં માટે ક્ષણભર પુરતો તેના મનમાં વિચાર આવ્યો કે તે બર્ગર ખાઇ લે. પરંતુ!! અચાનક તેના મગજનો તે ભાગ સક્રિય થયો કે જે રેશનલ થિંકિંગ માટે જવાબદાર છે. જેને frontal cortex કહે છે કે જે કપાળની બિલકુલ પાછળ હોય છે(જુઓ નીચેની ઇમેજ). તેણે વિચાર્યું કે જો હું બર્ગર ખાઇ લઉં તો પછી મારે પાંચ કિલોમીટર ચાલીને ઘરે જવું પડશે કે જે યોગ્ય નથી અને તે બર્ગર ખાવાનું માંડી વાળી રીક્ષામાં બેસી જાય છે.



-

હવે બીજી સ્થિતિ જુઓ...એક દિવસ અર્જુનની પત્નીનો ફોન આવે છે કે સાગર(તેમના પુત્ર) ને સ્કૂલમાં આજે મોડું થશે માટે ઓફીસેથી છૂટી તમે તેને સાથે લેતા આવજો. સ્કૂલ જો કે તેની ઓફીસની ઘણી નજીક હોય છે, માટે અર્જુન છોકરાને સાથે લઇને રીક્ષા સ્ટેન્ડ તરફ ચાલવા માંડે છે. ચાલતાં-ચાલતાં સાગરની નજર બિલકુલ તે જાહેરખબર ઉપર પડે છે જેને અર્જુને થોડાં દિવસ પહેલાં જોઇ હતી (યાદરહે અહીં બીજી બધી સ્થિતિ સરખી છે).

-

છોકરો અર્જુનનું ધ્યાન ત્યાં દોરે છે અને કહે છે કે પપ્પા ચાલો ત્યાં જઇને બર્ગર ખાઇએ. અહીં નોંધવાલાયક વાત છે કે છોકરાને બર્ગરમાં એટલો બધો નહીં પરંતુ રમકડાંમાં વધુ રસ છે. અર્જુને પુત્રને સાફ ના પાડી દીધી અને સમજાવવાની કોશિશ કરી કે બેટા ફિલહાલ મારી પાસે કેવળ પચાસ રૂપીયા છે, જો બર્ગર આપણે ખાઇશું તો ઘરે કઇરીતે પહોંચીશું? પરંતુ છોકરો પોતાની જીદ ઉપર અડીખમ રહ્યો અને તેના આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હવે અર્જુન લાગણીશીલ બન્યો. તેના મગજનો frontal cortex ભાગ હવે નિષ્ક્રિય થયો અને બીજો હિસ્સો જેને limbic system કહે છે તે સક્રિય થયો. મગજનો હિસ્સો લાગણીઓ આધારિત નિર્ણયો લેવડાવે છે. અંતે અર્જુને છોકરા સાથે બર્ગર ખાધું, સાથે રમકડું લીધું અને છોકરાને ખભે બેસાડી, સમગ્ર દિવસની નોકરી કર્યા બાદ પાંચ કિલોમીટરની પગપાળા યાત્રા માટે ચાલી નીકળ્યો.

-

બંન્ને પ્રસંગ શું દર્શાવે છે? જરા વિચાર કરો.... કંપનીએ વિચાર્યુ કે, જ્યારે માણસ પાસે કેવળ એટલા રૂપીયા હશે જેના વડે તે પોતાની જરૂરિયાત સંતોષી શકશે તો તે આપણું બર્ગર કઇરીતે ખરીદશે? આપણે કંઇક એવું કરવું પડશે કે તેની પાસે પૈસા ભલે હો, ભૂખ ભલે લાગી હો, છતાં તે આપણું બર્ગર ખરીદે. માટે કંપનીએ એક એવી ઓફર કરી કે બાળકો દ્વારા તમારા રેશનલ થિંકિંગને manipulate કરી શકાય. વાત કેવળ તુક્કો નથી પરંતુ કંપનીના CEO વગેરેના ઇન્ટરવ્યુ લીધા બાદની ડોક્યુમેન્ટ્રી મૌજૂદ છે. કંપનીનું નામ છે McDonald.

-

રીતે તેમણે રેશનલ થિંકિંગનું લેવલ નીચું કર્યુ અને ઇમોશનલ થિંકિંગનું લેવલ ઉચું કર્યું અને તે પણ વિજ્ઞાનની સહાયતા વડે. કેમકે તેઓએ આપણી પાસે ઇર-રેશનલ નિર્ણયો લેવડાવવા છે. સાયન્સ અને ન્યૂરોસાયન્સનો માર્કેટિંગ સાથે ગાઢ સંબંધ છે. હવે મોટી-મોટી બ્રાન્ડ આપણાં મગજને ધ્યાનમાં રાખી માર્કેટિંગ વ્યૂહરચના બનાવે છે અને તર્કની ધજ્જીયા ઉડાવી લાગણીના આધારે પોતાના ઉત્પાદનો વેચે છે. ટૂંકમાં આખો ખેલ જુઓ...કહેવાય છે કે સાયન્સ રેશનલ થિંકિંગથી આવે છે પરંતુ તેજ સાયન્સની મદદથી રેશનલ થિંકિંગને દબાવવામાં પણ આવે છેઆને ન્યૂરોમાર્કેટિંગકહે છે.

 


No comments:

Post a Comment