મિથ:-
(1) મહિલાઓ ઉપર થતી હિંસા પાછળ અધિકતર મહિલાઓનો જ હાથ હોય છે.
દહેજ, ભ્રૂણ હત્યા, ઘરેલું હિંસા જેવા મોટાભાગના મહિલા હિંસા સંબંધિત મુદ્દાઓ પર એવું સાંભળવા મળે છે કે મહિલાઓ સામેની હિંસામાં મોટાભાગે મહિલાઓ જ સામેલ હોય છે. વાસ્તવમાં આ એક મિથ છે જેને પિતૃસત્તાએ લાંબા સમયથી ફેલાવ્યું છે. જેન્ડરના આધારે પિતૃસત્તાએ હંમેશા મહિલાઓ ઉપર "સારી મહિલા" બનવાનું દબાણ કર્યું છે. એક સારી સ્ત્રી કેવી હોવી જોઇએ? તે માટેના ઘણા માપદંડો પિતૃસત્તાએ નક્કી કર્યા છે. ઉદાહરણ તરીકે એક સારી સ્ત્રી તે હશે જે પુરૂષો અથવા એમ કહો કે પિતૃસત્તાના મૂલ્યોને આગળ વધારે અને મજબૂતી સાથે તેમને પોતાના જીવનમાં અમલમાં મૂકે.
-
જ્યારે પણ સાસરિયામાં સ્ત્રીઓ ઉપર કોઇ અત્યાચાર થાય અને જો તેમાં સાસુ, નણંદની ભાગીદારી બહાર આવે ત્યારે ઘણા પુરૂષો એવો સવાલ ઉઠાવે છે કે, આમાં પિતૃસત્તાનો શું દોષ? અત્યાચાર તો મહિલાઓએ કર્યો છે. તો તેમણે સમજવું પડશે કે પિતૃસત્તા એ એક પરંપરા છે જેના વહન માટે સ્ત્રીઓને પણ જોતરવામાં આવી છે. પિતૃસત્તા એકલા પુરૂષ વડે ચાલનારી વસ્તુ નથી.
-
(2) "સામાજીક બદલાવ માટે મહિલાઓ સંગઠીત થવા નથી માંગતી. એમનામાં એકતાનો અભાવ છે." આ એક મિથ છે જેને પુરૂસત્તાક સમાજે ફેલાવ્યું છે. હકિકતે બને છે કંઇક એવું કે, સ્ત્રીઓએ ક્યારેય પોતાના ઘરોમાં મહિલાઓને સામાજીક રૂપે સક્રિય થતાં જોઇ નથી હોતી. તેમનો જમાવડો ફક્ત ધાર્મિક કાર્યો ઉપર જ મહત્તમ જોવા મળે છે. આવી સ્થિતિમાં, જ્યારે કોઇ સામાજીક પરિવર્તન માટે મહિલાઓને એક થવાની વાત આવે છે ત્યારે આ વિચાર જ ઘણી સ્ત્રીઓ માટે નવો હોય છે. તેથી તેઓ તેને અજમાવવાને બદલે ટાળવાનું પસંદ કરે છે. માટે એવું કહેવું તદ્દન ખોટું છે કે મહિલાઓ ભેદભાવ વિરૂધ્ધ એક થવા નથી માંગતી. વાસ્તવમાં પિતૃસત્તા ઇચ્છતી જ નથી કે મહિલાઓ એક થાય.
No comments:
Post a Comment