Saturday, January 28, 2023

મનુષ્ય અને વ્હેલ

 


 

બ્રહ્માંડમાં બુદ્ધિમાન જીવનની શોધ વર્તમાન વૈજ્ઞાનિક પ્રાથમિકતા છે પરંતુ શું પૃથ્વી ઉપર મૌજૂદ જીવ-જગતમાં બુદ્ધિમત્તા ઉપર મનુષ્યોનો એકાધિકાર છે? શું પૃથ્વી ઉપર મનુષ્યો સિવાય અન્ય કોઇ બુદ્ધિમાન જીવ નથી?

-

વ્હેલ માછલી પૃથ્વી પરનું સૌથી વિશાળકાય જીવ છે. એક બ્લૂ વ્હેલ આકારમાં 30 મીટર લાંબી તથા 180000 કિલો સુધીનું વજન ધરાવે છે. સમગ્ર જીવનકાળ સુધી પાણીમાં રહેવા છતાં, સ્તનધારીઓથી વિકસિત થવાના કારણે વ્હેલ પાણીમાં શ્વાસ નથી લઇ શકતી. માટે તેણે સમયે-સમયે સમુદ્રની સપાટી ઉપર આવી પોતાના માથા ઉપર સ્થિત "બ્લો હોલ" વડે શ્વાસ લેવો પડે છે(જુઓ નીચેની ઇમેજ). સઘળા સ્તનધારી જીવોની જેમ વ્હેલ પણ પોતાના નવજાત શિશુઓનું પોષણ-રક્ષણ કરે છે, તેમને પોતાનું દૂધ પીવડાવે છે. વ્હેલ માછલીઓમાં કેટલાક એવા સામાજીક ગુણ પણ જોવા મળે છે જે આપણને બુદ્ધિમત્તાની પરિભાષા ઉપર પુનર્વિચાર કરવા મજબૂર કરે છે.



-

સમુદ્રની ભીતરી દુનિયામાં અંધકારનું સામ્રાજ્ય છે. અસ્તિત્વ માટેના દ્રશ્ય શક્તિ અને સૂંઘવાની શક્તિ જેવા સ્તનધારીઓના ગુણ અહીં કોઇ કામના નથી. માટે લગભગ પાંચ કરોડ વર્ષ પહેલા, નેચરલ સિલેક્શન પ્રક્રિયા અંતર્ગત તેમનામાં સમય સાથે "ધ્વનિ તરંગો" ઉપર આધારિત ઇન્દ્રિયોનો વિકાસ આરંભ થયો. વ્હેલ તથા ડોલ્ફિન, સમુદ્રમાં હવાની તુલનાએ પાંચ ગણી ઝડપે ચાલવા સક્ષમ ધ્વનિ તરંગોની સહાય વડે સંવાદ કરે છે. તેમજ તરંગોના માધ્યમથી ભોજન, શત્રુ, સગા-સંબંધી વગેરેને શોધવામાં પણ સક્ષમ હોય છે. તેમના ધ્વનિ તરંગોને શોરબકોર કહેવા કરતા એક પ્રકારનું લયબધ્ધ સંગીત કહેવું અધિક ઉચિત રહેશે. કેમ? વાંચો આગળ...

-

વૈજ્ઞાનિકોએ વ્હેલ દ્વારા ગવાયેલ ગીતોની સુરાવલીને રેકોર્ડ કરી જાણ્યું કે ધુનની સુરતાલ માં જરા અમસ્તી પણ ગરબડ કર્યા વગર તે ગીતોને વારંવાર દોહરાવે છે. માનો અનંતકાળથી ચાલ્યુ આવેલ કોઇ શાશ્વત પ્રેમ સંગીત. જો કોઇ વ્હેલ નવું ગીત દોહરાવે તો તેના પરિવારના અન્ય સદસ્ય તે ગીતને શીઘ્રતા સાથે શીખી તે આગેવાન વ્હેલનું અનુસરણ કરે છે. વ્હેલની સ્મરણ-શક્તિ બેહદ અદભૂત હોય છે. ઠંડીની ઋતુમાં જો વ્હેલનું કોઇ ટોળું ગીતની અધવચ્ચેથી અન્ય ટોળાથી અલગ થઇને પ્રવાસ યાત્રા માટે નીકળી પડે અને મહિના બાદ ફરી મિલન થાય ત્યારે ગીત બિલકુલ તે જગ્યાએથી શરૂ થાય છે જ્યાંથી તેને અધૂરું છોડવામાં આવ્યુ હતું.

-

વ્હેલ માછલીઓ 20 હર્ટ્ઝની ફ્રીકવન્સી ઉપર 180 ડેસિબલની તીવ્રતા કરતા પણ અધિક શક્તિશાળી ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. મનુષ્યોના કાન આવૃતિના તરંગોને સાંભળવામાં સક્ષમ નથી. તરંગો અબાધિત રૂપે સેંકડો-હજારો કિલોમીટર દૂર સુધી જઇ શકે છે. બે વિભિન્ન મહાદ્વીપો ઉપર મૌજૂદ બે વ્હેલ માછલીઓ કેવળ ધ્વનિ તરંગોના સહારે હજારો કિલોમીટર દૂર હોવા બાવજૂદ આપસમાં ગુફ્તગુ કરી શકે છે. કરોડો વર્ષોથી વ્હેલ માછલીઓ મધ્યે મધુર સંગીતરૂપી સંવાદ નિર્વિઘ્ને પ્રવાહિત થઇ રહ્યો હતો પરંતુ થોડાં વર્ષો અગાઉ "એક શત્રુ" તેમના સંવાદ અને અસ્તિત્વ ઉપર પ્રશ્નચિહ્ન લગાવી દીધું. શત્રુ કોઇ બીજો નહીં પરંતુ એવો જીવ છે જે પોતાને "માનવી" કહેડાવવાનું પસંદ કરે છે.

-

સૈન્ય ઉદ્દેશ્યો અર્થે વપરાતા સોનાર તરંગોના શોરના ફળસ્વરૂપ વ્હેલ માછલીઓનું સંચાર નેટવર્ક નિરંતર પ્રભાવિત થઇ રહ્યું છે. આજથી 200 વર્ષ પહેલા બે વ્હેલ વચ્ચે સંવાદ દસ હજાર કિલોમીટર દૂર સુધી સંભવ હતો જે આજે ઘટીને અમુક સો કિલોમીટર સુધી સિમિત થઇ ગયો છે. વ્હેલ માછલીઓના આ સંગીતરૂપી તરાનાઓ એક પ્રકારના શક્તિશાળી બુદ્ધિમાન સંવાદ તંત્ર છે જેની બોલી સમજી શકવા ફિલહાલ આપણે અસમર્થ છીએ. બેહદ અફસોસની વાત છે કે એલિયન જોડે સંવાદ સ્થાપિત કરવા આપણે તલપાપડ છીએ જ્યારે આ ધરતી ઉપર જ મૌજૂદ એક અન્ય "બુદ્ધિમાન સંવાદ તંત્ર" ને સમજતા પહેલા જ આપણે હસ્તક્ષેપ વડે તેઓને વિલુપ્ત કરવાના સ્તરે પહોંચી ગયા છીએ. વાત આટલેથી અટકતી નથી, ગત દસ વર્ષમાં જ મનુષ્યોએ દાણચોરી હેતુ(રંગ, વાર્નિશ, સૌંદર્ય ઉત્પાદન વગેરે માટે) અઢળક વ્હેલનો શિકાર કર્યો છે. કરોડો વર્ષોથી સમુદ્રમાં ગૂંજી રહેલ જીવનનું સંગીત આપણી અજ્ઞાનતા, મૂર્ખતા અને સ્વાર્થના કારણે ધીમેધીમે દમ તોડી રહ્યું છે.

-

સ્પિન્ડલ કોષિકાઓ...જેને વૈજ્ઞાનિકો સ્વબોધ, સામાજીક સદભાવ, કરૂણા વગેરે માટે જવાબદાર માને છે, તે કોષિકાઓ વ્હેલ માછલીઓમાં મનુષ્યોની તુલનાએ વધુ હોય છે. તો શું વ્હેલ એક બુદ્ધિમાન જીવ નથી? ભલે હાથ-પગ જેવા અંગોના અભાવને કારણે તેઓ ટેકનિકલ ક્ષમતા હાંસિલ નથી કરી શક્યા પરંતુ શું બુદ્ધિમતાનો અર્થ કેવળ ટેકનિકલ ક્ષમતા છે?

 


No comments:

Post a Comment