જો તમને લાગતું હોય કે પાંચ થી છ વર્ષના નાના બાળકોને પ્રાઈવેટ પાર્ટ વિશે કંઈ જ ખબર નથી હોતી અને ન તો તેઓ તેમના સાથીદારો સાથે તેના વિશે વાત કરતા હોય છે, તો તમે બિલકુલ ખોટા છો. બાળકો ખુબજ જીજ્ઞાસુ હોય છે અને સાથે તેમને માતા-પિતાને શું અને કેટલું કહેવું, એની સમજણ પણ હોય છે. બાળક માતા-પિતાને ક્લાસરૂમ વિશે તો જણાવે છે પરંતુ સ્કૂલના વોશરૂમમાં થતી વાત છુપાવી રાખે છે કારણકે તેમને જાણતા-અજાણતા જ સારી/ખરાબ વાતની સમજ આવી ગઇ હોય છે. ભૂતકાળમાં તેમણે આ અંગે ક્યારેક કંઇક કહેવાનો પ્રયાસ કર્યો હોય ત્યારે માતા-પિતા તેમને ઠપકો આપતા કહેતા હોય છે કે....બેટા આ ગંદી વાત છે, તમે આ બધુ ક્યાંથી શીખ્યા? કયા ખરાબ બાળકો સાથે તમે દોસ્તી કરી છે? પરિણામ સ્વરૂપ બાળક પોતાની એક ગોપનીય દુનિયા બનાવવા માંડે છે જેના દરવાજા ઉપર “વડીલો માટે પ્રવેશ નિષેધ છે” એવું લખેલું હોય છે.
-
આપણા દેશમાં ડોક્ટર, એન્જિનિઅર, માસ્ટર બનાવવા માટેના તો ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે પરંતુ માતા-પિતા બનતા પહેલા કોઇ ખાસ માનસિક તૈયારીની આવશ્યકતાને, જરૂરી ગણવામાં નથી આવતી. બસ, દુનિયાનું સૌથી મહત્વનું કામ જાતિ, ધર્મ, ગોત્ર, દહેજ જોઇને બે અજાણી વ્યક્તિઓના લગ્ન કરાવી દો અને સારા સમાચાર ક્યારે આવશે નું રટણ કર્યા કરી બાળકો પેદા કરાવી દો. આવી માનસિકતાના ફળસ્વરૂપ આપણે ત્યાં એવા immature(અપરિપક્વ) માં-બાપો ની ફોજ ભરી પડી છે જેઓ બાળકોને ખવડાવવા, ભણવા, ફરવા અને જીદ પૂરી કરવાને જ good parenting સમજે છે. ના તો તેઓને બાળકોની ગોપનીય દુનિયાની જાણકારી હોય છે, ના દુર્દશાની.
-
બાળક વડીલોને સેક્સને લગતા પ્રશ્નો પુછી નથી શકતું. પોતાની જીજ્ઞાસા અને ઉત્સુકતાને ક્યાં અને કેવી રીતે સંતોષવી તેની તેને ખબર જ નથી હોતી. સમાજ ભલે પ્રગતિશીલ થઇ ગયો હોય પરંતુ આજે પણ બાળક પુછે કે હું ક્યાંથી આવ્યું? તો કોઇ માં-બાપ તેને મંદિર તો કોઇ હોસ્પિટલમાંથી લાવ્યાનું કહે છે. પરંતુ!! ખરેખર તે ક્યાંથી આવ્યું તે કહેવાની સમજ માં-બાપમાં વિકસિત નથી થઇ. હાં, બાળક પોતાની આસપાસ ખુલ્લેઆમ સેક્સિસ્ટ જોક્સ/ગાળો સાંભળે છે, ગર્ભ નિરોધના પોસ્ટરો જુએ છે, ફિલ્મોમાં અશ્લીલતા જુએ છે પરંતુ જો તે શરીરના કોઇ પ્રાઇવેટ ભાગ વિશે પુછશે તો તે ગંદુ બાળક કહેવાશે.
-
બાળકોને નાનપણથી જ નગ્ન થવા ઉપર shame-shame/છી-છી કહીને તેમને અહેસાસ કરાવી દેવાય છે કે આ દરેકને બતાવવાની વસ્તુ નથી. હકિકતે તેમને સમજાવવું પડે, ખુલ્લા મને ચર્ચા કરવી પડે, ભયમુક્ત વાતાવરણ સર્જવું પડે. બાળકોને એવો ડર ન હોવો જોઇએ કે તેમના સવાલો તેમને દોષમાં મૂકી શકે છે. હ્યુમન સાયકોલોજી એ પોતાનામાં ખૂબ જ ઊંડો વિષય છે અને આકર્ષણ, પ્રેમ, સેક્સ વગેરે તેના કઠિન તેમજ કોમ્પ્લેક્સ ભાગો છે.
-
આ દેશમાં બાળકો ઉપર આદર્શવાદ લાદતા પહેલા તેમના માતા-પિતાએ ચાઇલ્ડ સાઇકોલોજીનો અભ્યાસ કરવાની અને parenting ની તાલીમ લેવાની જરૂર છે. સરળ ઉકેલ માટે મગજ ખુલ્લું રાખો, પૂર્વગ્રહોથી દૂર રહો અને બાળકો સાથે વાત કરતા રહો....parenting આપોઆપ આવડી જશે. યાદરહે, બાળકોને સમજવું એ વડીલો માટે કોઇ બાળરમતની વાત નથી.
(મમતા સિંહ દ્વારા)

No comments:
Post a Comment