શું રાષ્ટ્રવાદની ચાસણીમાં બોળ્યા વિના રમતગમતની બાયોપિક બનાવવી શક્ય નથી? હિન્દી સિનેમાની વાત કરીએ તો લગભગ-લગભગ કહી શકાય કે, "ભાગ મિલ્ખા ભાગ" એવી પ્રથમ સ્પોર્ટ્સ બાયોપિક ફિલ્મ હતી જેનો અંત રાષ્ટ્રગીત સાથે થયો. ત્યારબાદ "દંગલ", "મેરી કોમ" જેવી ફિલ્મોએ આ પ્લોટને ફોલો કર્યો. આમ જોવા જઇએ તો આઝાદી સમયથી જ હિન્દી સિનેમા રાષ્ટ્રવાદના વિચારને લોકો સુધી પહોંચાડવા માટેનું સૌથી લોકપ્રિય માધ્યમ રહ્યું છે પરંતુ "ગદર", "LOC કારગિલ" જેવી ફિલ્મોએ ઉગ્ર રાષ્ટ્રવાદની લહેર પ્રસરાવી.
-
ઠીક છે પરંતુ અહીં સમસ્યા ખેલાડીઓ પર બની રહેલી ફિલ્મોના આ નવા યુગમાં દેશભક્તિની ચાસણી ઉમેરીને તૈયાર કરવામાં આવતી લોકપ્રિય કોકટેલની છે. આ કથાત્મક માળખાની સૌથી મોટી સમસ્યા એ છે કે ફિલ્મો ખેલાડીઓના જીવન પર આધારિત હોવા છતાં, આ વાર્તાઓમાં નિર્ણાયક ક્ષણો પર ઉદ્ભવતા ભાવનાત્મક પરપોટાઓ તે રમતોને ઢાંકી દે છે જેના કારણે આ વાર્તાઓ શક્ય બની હતી. આ ફિલ્મો રમતગમતને બીજા કોઈ સત્ય કરતાં ગૌણ સાધન તરીકે દર્શાવે છે. કોઈપણ સાચા ખેલાડીને પૂછો તો તેઓ કહેશે કે રમતગમત ફક્ત ધ્યેય પ્રાપ્ત કરવાનું સાધન નથી બલ્કે તે પોતે જ ધ્યેય છે.
-
રમતગમત અને રમતવીરોને લગતી ફિલ્મોની સમસ્યા એ છે કે તે હંમેશા "દેશ" ને "રમત" નો પર્યાયવાચી માની લે છે. રમતવીરનો રમત પ્રત્યેનો પ્રેમ હંમેશા "દેશભક્તિ" તરીકે વ્યક્ત કરવામાં આવે છે અને ફિલ્મ રાષ્ટ્રવાદના તોફાનમાં વહી જાય છે. યાદરહે, રાષ્ટ્ર રમતવીરની પાછળ ત્યારે ઉભું હોય જ્યારે તે જીતે છે પરંતુ રમત રમતવીરનો તે જીવનસાથી છે જે તેમને હારની તે મુશ્કેલ ક્ષણોમાંથી બચવામાં મદદ કરે છે જ્યારે તેમનું રાષ્ટ્ર તેમનાથી પીઠ ફેરવી લે છે.
-
રમત સ્વયંમાં એક જીવન પધ્ધતિ છે અને તે ખેલાડીના વ્યક્તિત્વને નિખારે છે. જ્યારે લાલ માટી પર ઊભો રહેલો રાફેલ નડાલ રેકેટના એક જ સ્ટ્રોકથી સામાન્ય દેખાતા બોલને અકલ્પનીય સ્પિન આપે છે, જ્યારે વીવીએસ લક્ષ્મણ તેના કાંડાની મદદથી બોલને ફાઇન લેગ તરફ વાળે છે, જ્યારે મેસ્સી પોતાની અસાધારણ ચપળતા વડે રક્ષાપંથીને છિન્નભિન્ન કરતો ગોલપોસ્ટ તરફ આગળ વધે છે.....આ બધી પોતાનામાં સંપૂર્ણ અભિવ્યક્તિઓ છે અને આ લાગણીને પૂર્ણ કરવા માટે કોઈ 'રાષ્ટ્રવાદી' નામક પૂંછડીની જરૂર નથી.
-
આ બાબતે આપણા દેશના ઉચ્ચ કક્ષાના રમતવીર અભિનવ બિન્દ્રાએ બહાદુરીપૂર્વક કહ્યું હતું કે, “હરેક ખેલાડી 99.99% તો ચોક્કસપણે પોતાના માટે જ રમે છે પછી ભલે તે ટીમ સ્પોર્ટ્સ હોય કે વ્યક્તિગત સ્પર્ધા. અલબત્ત, તેઓ ખુલ્લેઆમ કહી નથી શકતા કેમકે આ વાત સાંભળવામાં 'પોલિટિકલી યોગ્ય' નથી લાગતી.”
(મિત્ર મિહિર દ્વારા)


No comments:
Post a Comment