Saturday, January 4, 2025

મિશન ઇસરો(ભાગ-1)

 



 

મિત્રો, ઇસરો ઊંઘમાંથી જાગી ચૂક્યું છે કેમકે તેને 31772 કરોડ રૂપિયા ફાળવવાનું કમિટમેન્ટ ભારત સરકારે કર્યું છે. ફળસ્વરૂપ ઇસરો ભવિષ્યમાં એવા-એવા પ્રોજેક્ટ લોન્ચ કરવા જઇ રહ્યું છે જેની માહિતી ભારતીયોને ગર્વ કરવા માટે પ્રેરણા આપશે, સાથેસાથે અબજો રૂપિયાનું સ્પેસ માર્કેટ પણ કવર કરશે. ઇસરોની સિદ્ધિઓને જાણવા માટે એક નાનકડી પોષ્ટરૂપી શ્રૃંખલા આવી રહી છે, જેની માહિતીથી લગભગ તમે અજાણ હશો. તો ચાલો શરૂ કરીએ સફર.....

-

ભારત નવા લોન્ચ પેડ બનાવી રહ્યું છે. શા માટે? આપણી પાસે ઓલરેડી શ્રી હરિ કોટા લોન્ચ પેડ મૌજૂદ છે જ્યાંથી આદિત્ય-L1, ચંદ્રયાન, ચંદ્રયાન-2, ચંદ્રયાન-3, મંગળયાન વગેરેને લિફ્ટ ઓફ કરાયા હતાં. તો પછી નવા લોન્ચ પેડ બનાવવાની જરૂર શું છે? જરૂર એટલે છે કેમકે ભારત નવા લોન્ચ vehicle બનાવી રહ્યું છે જેમકે સૂર્યા, NGLV, ગગનયાન, હ્યુમન સ્પેસફ્લાઇટ ઇવન કે તાજેતરમાં તો ઇસરો એ સ્પેસ tourism ઉપર પણ વાતો કરવાનું શરૂ કરી દીધું છે. સઘળા મિશનો માટે આપણે આપણી લોન્ચિંગ ક્ષમતા વધારવી પડે એમ છે. બીજું, polar orbit(ધ્રુવીય ભ્રમણકક્ષા) માં જવા માટે આપણે એક મુશ્કેલ પેંતરો રચવો પડે છે, તે પેંતરાથી બચવા માટે પણ આપણને એક નવા લોન્ચ પેડની જરૂર છે. જેની ચર્ચા આગળ કરીશું.

-

ભારત નવું લોન્ચ પેડ તમિલનાડુ સ્થિત kulasekarapattinam માં બનાવી રહ્યું છે. કેમ? એક તો નવા-નવા સ્ટાર્ટઅપ આવી રહ્યાં છે તેમના માટે પણ અતિરિક્ત લોન્ચ પેડ જોઇશે. બીજું, લોન્ચ પેડ આપણને એક વધારાનો લાભ આપશે. કઇરીતે તે જુઓ...જ્યારે આપણે કોઇ લોન્ચ vehicle શ્રી હરિ કોટાથી રવાના કરીએ છીએ અને તેણે જો polar orbit(ધ્રુવીય ભ્રમણકક્ષા) માં જવું હોય તો, તેણે એક મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેમાં શરૂઆતી ચરણમાં તેનો પાથ(રસ્તો) પોતાના ગંતવ્ય(destination)થી ભિન્ન રાખવો પડે છે અને થોડા સમય બાદ તેને ફરી પાછું પોતાના મુખ્ય માર્ગે વાળવામાં આવે છે(જુઓ નીચેની ઇમેજ). એવું કેમ?




-

કેમકે શ્રી હરિ કોટાની દક્ષિણે શ્રીલંકા આવેલ છે. તેથી તેના એરસ્પેસમાં રોકેટ ચાલ્યું જશે કે જે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ ગેરકાયદેસર ગણાય. સમગ્ર પ્રક્રિયાને dog leg maneuver કહેવામાં આવે છે કેમકે સઘળા માર્ગનો પાથ કૂતરાના પગ જેવો હોય છે(જુઓ નીચેની ઇમેજ જેની તુલના ઉપરની ઇમેજ સાથે કરો).




-

સઘળી પ્રક્રિયા થોડી અટપટી પણ થઇ જાય છે, ખર્ચાળ પણ સાબિત થાય છે કેમકે ચકરાવો મારતા માર્ગને પહોંચી વળવા સ્વાભાવિક છે કે ઇંધણ પણ વધુ વાપરવું પડે જે સમગ્ર મિશનના બજેટને મોંઘુ બનાવી દે છે અને આવું કરવું નાના રોકેટ માટે બિન-કાર્યક્ષમ ગણાય. તેથી ઇસરો નાના રોકેટના પ્રક્ષેપણ અને polar orbital પ્રક્ષેપણ માટે નવું લોન્ચ પેડ બનાવી રહ્યું છે.

 

(ક્રમશ:)

 

No comments:

Post a Comment