શું આપણા સ્મિત પાછળ હંમેશા ખુશી જ હોય છે? અર્થ ફિલ્મના એક ખુબસુરત ગીતનો સ્ટોરીનો પ્લોટ જોઇ લઇએ અને એક નાનકડી સમીક્ષા પોષ્ટના અંતે...સતત ઉદાસ રહેતી પૂજા(શબાના આઝમી) નો આજે જન્મદિવસ છે. ઉદાસ શા માટે? કેમકે તેનો પતિ ઇન્દર(કુલભૂષણ ખરબંદા) તેને છોડીને હવે કવિતા(સ્મિતા પાટીલ) સાથે રહે છે. આજે પૂજાને તેના જન્મદિવસની ઉજવણી માટે તેનો મિત્ર રાજ(રાજકિરણ) પોતાના ઘરે આમંત્રિત કરે છે. પૂજા તેનો આ પ્રસ્તાવ સ્વીકારી જેવી હોસ્ટેલમાંથી રાજના ઘરે જવા નીકળે છે ત્યારે નીચે લોબીમાં ઇન્દર બેઠેલો નજરે ચઢે છે.
-
પૂજાને લાગે છે કે શાયદ! ઇન્દર તેને જન્મદિવસની શુભેચ્છા આપવા આવ્યો હશે. જો કે ઇન્દર હવે તેની સાથે નથી રહેતો છતાં પૂજાને વિશ્વાસ છે કે એક દિવસ તે તેની પાસે પરત ફરશે. પરંતુ!! ઇન્દર તો કવિતાની શંકા દૂર કરવા માટે છૂટાછેડાની અરજી ઉપર પૂજાની સહી લેવા આવ્યો હોય છે. તેથી પૂજાનું દિલ તૂટી જાય છે. સૌથી વધુ આઘાત તો તેને ત્યારે લાગે છે જ્યારે ઇન્દર સહી કરાવતી વખતે આજની તારીખ 18 મી સપ્ટેમ્બર જણાવે છે. અર્થાત ઇન્દરને ખબર જ નથી હોતી કે આજે પૂજાનો જન્મદિવસ છે.
-
પૂજાના હોઠ પર એક ઉદાસ મુસ્કાન છવાય જાય છે. તે છૂટાછેડાની અરજીની પોતાની કોપી લઇને ભારે હ્રદયે ત્યાંથી નીકળી જાય છે. તેની આંખોમાં આંસુ છે પરંતુ રાજના ઘરના દરવાજે આવી પોતાને સંભાળે છે. ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરે છે પરંતુ રાજ તેના બનાવટી સ્મિત પાછળ રહેલી ઉદાસીને જાણી લે છે.
-
આ દ્રશ્ય મહેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત 1982માં રિલીઝ થયેલી ફિલ્મ "અર્થ"નું છે. કહેવાય છે કે આ ફિલ્મ મહેશ ભટ્ટના અંગત જીવન પર આધારિત હતી આ દ્રશ્યમાં મહેશ ભટ્ટ ઈચ્છતા હતા કે રાજ...જે ફિલ્મમાં ગઝલ ગાયક છે, તે એક ગઝલ દ્વારા પૂજાની ઉદાસી દૂર કરે. તેમણે ઉમદા કવિ અને ગીતકાર કૈફી આઝમીને દ્રશ્યની પરિસ્થિતિનું વર્ણન કરીને ગઝલ લખવા વિનંતી કરી. કૈફી સાહેબે ખૂબ જ સરળ શબ્દોમાં એક સારગર્ભિત મુખડું લખ્યું......तुम इतना जो मुस्कुरा रहे हो, क्या ग़म है जिस को छुपा रहे हो। એવું લાગે જાણે આ એક મુખડામાં જ પૂજાની સઘળી મનોસ્થિતિ અને અભિવ્યક્તિ રજૂ થઇ ગઇ હોય.
-
યમન રાગમાં સંગીતબદ્ધ થયેલ આ ગઝલને સંગીતથી સજાવી જગજીત સિંહ અને ચિત્રા સિંહે. સામાન્યપણે ગઝલમાં ભારતીય વાદ્યો જેવાકે...તબલા, સિતાર, સરોદ, વાંસળી વગેરેનો ઉપયોગ થાય છે પરંતુ જગજીત સિંહે મુખ્ય વાદ્યો તરીકે ગિટાર અને વાયોલિનનો ઉપયોગ કર્યો. કૈફી આઝમી આગળ અંતરામાં લખે છે....
-
રાજ પૂજાને એક ફૂલ આપે છે જેને જોઇ પૂજા (ઉદાસ હોવા છતાં) મલકાય છે. બંન્ને ટેબલ પાસે બેસે છે, જ્યાં કેક હોય છે. પૂજા કેક કાપવાનું શરૂ કરે છે. રાજ તેની આંખોને એકીનજરે તાકી રહ્યો હોય છે. કહેવાય છે કે આંખો એવા સ્મિતને સાથ નથી આપતી જેની પાછળ ઉદાસી હોય. રાજની સવાલ કરતી નજરોથી પૂજાની આંખો ભીની(નમ) થઇ જાય છે. ત્યારે રાજ આગળ ગાય છે....आँखों में नमी हँसी लबों पर, क्या हाल है क्या दिखा रहे हो।
-
પૂજાને હવે પોતાના આંસુ પર કાબૂ રાખવો ખૂબ જ મુશ્કેલ થઇ પડે છે. તે ઉભી થાય છે અને હોલની બાજુમાં એક અંધારા રૂમમાં જાય છે જેથી રાજ તેના આંસુ જોઈ ન શકે. પણ સાચા મિત્ર રાજથી આ આંસુ કેવી રીતે છુપાવી શકાય? તે તેને સમજાવવાનું શરૂ કરે છે.....बन जाएंगे ज़हर पीते पीते, ये अश्क जो पीते जा रहे हो।
-
પૂજા હવે પોતાની જાતને કાબૂમાં રાખી શકતી નથી. તે તેના આંસુ લૂછીને હોલમાં આવે છે, તેની બેગ ઉપાડે છે અને ઝડપથી જવાનું શરૂ કરે છે. રાજ તેની પાછળ દોડે છે. પૂજા તેની બેગમાંથી છૂટાછેડાની અરજી કાઢી રાજને દેખાડે છે. હવે તે રાજથી કશું છુપાવવા માંગતી નથી. તે રાજને તેના ઉદાસીનું કારણ જણાવ્યા વિના જવા માંગતી નથી કારણ કે તેને લાગે છે કે આવું કરવાથી તે રાજ જેવા હમદર્દને પણ ક્યાંક ગુમાવી ન બેસે! રાજને ખબર પડી જાય છે કે પૂજા આખરે ઉદાસ કેમ છે? રાજ તેનું દુઃખ જોઈ શકતો નથી. તે પૂજાની આંખોમાંથી વહેતા આંસુને હળવેથી લૂછીને સમજાવે છે.....जिन ज़ख़्मों को वक़्त भर चला है, तुम क्यूं उन्हें छेड़े जा रहे हो।
-
ગીત સમાપ્ત થયા પછી, રાજ હોસ્ટેલમાં પૂજાને મૂકવા આવે છે અને હાથમાં એપોઇન્ટમેન્ટ લેટર આપી પૂજાને તેના નવા જીવનમાં આત્મનિર્ભર બનવાનો માર્ગ મોકળો કરી આપે છે. પૂજા ખુશી અને કૃતજ્ઞતા સાથે સ્મિત કરે છે. પૂજા આખી ફિલ્મના કેન્દ્રમાં છે અને શબાના આઝમીએ પૂજા તરીકે શાનદાર અભિનય કર્યો છે. આ ગીતમાં પણ પોતાના આંસુઓને રોકી જબરદસ્તી સ્મિત રેલાવતી પૂજા, નિશબ્દ થઇ રડતી પૂજા અને પોતાનું દુખ વહેંચી હસતી પૂજાના રૂપમાં શબાના આઝમીએ કમાલ કરી છે. ત્રણેય સ્વરૂપોમાં, શબાના કેવળ સ્મિત વડે જ પૂજાના મનની ભાવનાઓને અભિવ્યક્ત કરે છે.
-
આ ફિલ્મ પૂજાની અન્યો પર નિર્ભર રહેવાથી લઇને આત્મનિર્ભર બનવાની વાર્તા છે. આ ફિલ્મ એ જ દર્શાવે છે કે, એક સ્ત્રીનું પિતૃસત્તાક સમાજમાં સ્વાવલંબી હોવું કેટલું જરૂરી છે.
(આદિત્ય દત્ત દ્વારા)

No comments:
Post a Comment