આઝાદી પહેલા સેન્સરશિપ ખૂબ જ કડક હતી જેમાં બ્રિટિશ શાસનનો વિરોધ દર્શાવતો કોઈપણ પ્રકારનો સીન બતાવવાની સખત મનાઈ હતી. સેન્સરશિપ એટલી કડક હતી કે 1921માં સેન્સર બોર્ડે ફિલ્મ "ભક્ત વિદુર"ના હીરો દ્વારા ગાંધી ટોપી પહેરવા અને ચરખાના ઉપયોગને બ્રિટિશ રાજના વિરોધમાં ગણીને તેની સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો. 1931માં વી શાંતારામની ફિલ્મ 'स्वराज्यचे तोरण' સેન્સર બોર્ડે પાસ કરી ન હતી કારણ કે ફિલ્મના નામમાં સ્વરાજ હતું. બાદમાં, જ્યારે આ ફિલ્મનું નામ બદલીને "ઉદયકાલ" કરવામાં આવ્યું, ત્યારે જ આ ફિલ્મ રિલીઝ થઈ. આવી સ્થિતિમાં સીધી દેશભક્તિ પર ફિલ્મ બનાવવાનો તો સવાલ જ ઉપસ્થિત થતો નહોતો પરંતુ ફિલ્મ નિર્માતાઓએ કેટલીક ફિલ્મોમાં એવા ગીતોનો સમાવેશ કર્યો જેમાં આડકતરી રીતે દેશભક્તિ પ્રતિબિંબિત થતી હતી.
-
ચમક રહા હૈ અમર જ્યોતિ... ''અમર જ્યોતિ'' (1936), ચલ ચલ રે નૌજવાન... ''બંધન'' (1940), ચરખા ચલાઓ રે બહેનો...''આજ કા હિન્દુસ્તાન''(1940), જીતા દેશ હમારા..''સિકંદર''(1941), અબ નયા તરાના ગાયે...''નયા તરાના''(1943), ''બઢ ચલે મૌત સે ભી લડકે...''પ્રેમ સંગીત'' (1943) વગેરે કેટલીક એવી ધૂનો હતી જેમાં દેશભક્તિનો પડઘો પરોક્ષ રીતે ગુંજતો હતો.
-
તેવી જ રીતે, 1943માં રિલીઝ થયેલી “કિસ્મત” એક ક્રાઈમ ફિલ્મ હોવા છતાં, તેનું એક ગીત “દૂર હટો એ દુનિયા વાલોં હિન્દુસ્તાન હમારા હૈ…” હજુ પણ લોકોને દેશભક્તિના ઉત્સાહથી ભરી દે છે. પરંતુ!! ફિરંગી સરકારે આ ગીતને લઈને કવિ પ્રદીપ અને સંગીતકાર અનિલ વિશ્વાસ વિરુદ્ધ વોરંટ જારી કર્યું હતું. પાછળથી, જ્યારે તેમણે સ્પષ્ટતા કરી કે આખી લાઇન કંઈક આના જેવી છે----“તુમ ન કિસીકે આગે ઝુકના જર્મન હો યા જાપાની, દૂર હટો એ...” ત્યારે જઇને વોરંટ હટ્યું.

No comments:
Post a Comment