પોષ્ટને સમજવી હોય તો, કૃપા કરી ગ્રાફરૂપી ઇમેજો સમજવી પડશે કે જે જરાય અઘરી નથી. so let's start....
-
ચીનની વસ્તી ધીમેધીમે ઓછી થઇ રહી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના તાજેતરના અહેવાલ અનુસાર ચીનની વસ્તી વર્ષ 2100 માં અડધી થઇ જશે(અહેવાલની લિંક નીચે મૌજૂદ છે). ચીન પોતાની વસ્તીને નિયંત્રિત કરવામાં સફળ રહ્યું છે ખરૂં પરંતુ આ વિષયક તેની ગણતરીઓ ઊંધી પણ પડી છે. કઇરીતે તે જુઓ....સંયુક્ત રાષ્ટ્રસંઘના તાજેતરના અહેવાલ અનુસાર ચીનની વસ્તી લગભગ 140 કરોડ જેટલી છે પરંતુ આ જ વસ્તી 2050 માં ઘટીને લગભગ 130 કરોડ થઇ જશે અને 2100 માં આશરે 77 કરોડ જેટલી રહી જશે. આ રિપોર્ટને ચીને નકારી કાઢ્યો છે અને પ્રત્યુત્તરમાં કહ્યું કે, બેશક! અમારી આબાદી ઘટી છે પરંતુ તે અમારી પોલીસીઓને કારણે જેથી અમારા સંસાધનોનો અમે બખુબી ઉપયોગ કરી શકીએ. તેમજ વધુમાં ઉમેર્યું કે, અમે આ તકલીફનું નિવારણ જલ્દીથી લાવી દઇશું.
https://www.scientificamerican.com/article/chinas-population-could-shrink-to-half-by-2100/#:~:text=China's%20population%20began%20shrinking%20in,looming%20crisis%20are%20growing%20louder.
-
પણ.....શું તકલીફ આટલી જ છે? જી નહીં, હવે આવીએ મુખ્ય મુદ્દા ઉપર....1979 માં ચીને પોતાની વધતી વસ્તીને કાબૂમાં રાખવા "one child policy" અપનાવી. આ પોલીસી અંતર્ગત ચીન એવું સમજી બેઠું કે, તે વસ્તી નિયંત્રણ ઉપર આરામથી કાબૂ કરી લેશે અને નિ:સંદેહ તેણે વસ્તીને કાબૂમાં રાખી પણ ખરી. પરંતુ!! ખુબજ જલ્દી ચીનને અહેસાસ થઇ ગયો કે, તેની વસ્તીમાં બાળકો અને યુવાનોની સંખ્યા ઘટી રહી છે તથા વૃદ્ધોની સંખ્યા વધી રહી છે અને એક ઉભરતી મહાસત્તા પાસે જરૂરી છે કે તેની પાસે યુવાનો હો! કેમકે તેઓએ જેટલું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાથરી દીધું છે, તેને સંભાળવા માટે પણ કોઇક હોવું જોઇએ(જુઓ નીચેની ઇમેજ-1 & 2 જેમાં નીચેનો ફેલાવો બાળકોનો છે અને ઉપર ટોચનો ભાગ વૃદ્ધોનો છે).
-
ભૂલની ભાન થતાં ચીને 2015 માં "બે બાળકો" વાળી નવી પોલીસી અખત્યાર કરી પરંતુ પરિણામ યોજના મુજબ આવ્યુ નહીં અને તેણે 2021 માં "ત્રણ બાળકો" ની પોલીસી અખત્યાર કરી તેમજ હવે ચીન ગર્ભવિત નોકરિયાત મહિલાઓને બાળક ચાલતું થઇ જાય ત્યાંસુધીની રજા(પગાર સાથે) આપવા સંમત થયું છે(પહેલા ચીન ગર્ભવિત મહિલાઓને આટલું પ્રાધાન્ય નહોતું આપતું પરંતુ હવે રેલો આવ્યો છે તો શું થાય?).
-
જો આપણે 1980માં ચાલ્યા જઇએ, તો તે સમયે ચીનમાં હર એક વ્યક્તિ ઉપર લગભગ અડધો વ્યક્તિ આશ્રિત હતી(43%) પરંતુ હવે નીચેથી યુવાનો ઓછાં આવી રહ્યાં છે તો, એક વ્યક્તિ ઉપર આશ્રિત લોકો વધી ગયા અને 2050 માં આ ફિગર લગભગ 73% જેટલો થઇ જશે. અર્થાત આશ્રિત લોકો એક ટકાની નજીક- નજીક પહોંચી જશે(જુઓ નીચેની ઇમેજ). ચીન માટે આ ખુબજ ચિંતાજનક બાબત છે. આનો સાદો મતલબ એવો થાય કે, ઘરમાં જેટલા વ્યક્તિ હોય તેના અડધા જણે કમાવું પડે.
-
હવે તમને પ્રશ્ન થતો હશે કે, જાપાનનું શું, કેમકે ત્યાં તો વૃદ્ધોની સંખ્યા વધુ છે(જુઓ નીચેની ઇમેજ) છતાં તે દેશ પ્રગતિ કરી રહ્યો છે. તો જાણી લ્યો કે, જાપાન પણ આ સમસ્યા વડે ઝઝૂમી રહ્યો છે અને તેના પરિણામો તેને દેખાવા પણ માંડ્યા છે. DW tv ના રિપોર્ટ અનુસાર જાપાનના 20% ગ્રામ્ય ઘરો ખાલી પડ્યા છે, તેમાં કોઇ રહેતું જ નથી. આ હદે તેમની વસ્તી ઘટી રહી છે.. યાદરહે, આ એવી સમસ્યા છે જેના દૂરોગામી પરિણામો તાત્કાલિક દેખાતા નથી(વર્ષો નીકળી જાય છે તેમને નજર સમક્ષ આવતાં). એટલા માટેજ આ દેશો AI નો બને તેટલો વધુ સહારો લઇ રહ્યાં છે, જેથી તેમના રોજીંદા કામો AI કરે.
-
હવે આટલી વાત થઇ તો, આપણો ભારત કેમ ભૂલાય? ભારતની વાત કરીએ તો વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ગ્રાફ એક ક્લાસિકલ પિરામિડ છે, જેમાં નાના બાળકો/યુવાનો ખુબજ છે(જુઓ નીચેની ઇમેજ જો કે, હવે ભારતમાં પણ નાના બાળકોની વસ્તી ધીમેધીમે ઘટી રહી છે, જેના એક કરતા વધુ કારણો છે). પરંતુ!! આ પણ હરખાવા જેવી વાત નથી કેમકે આનો તોડ રોજગાર થકી જ નીકળે, જો આ આવનારી પેઢીને રોજગાર ન મળ્યો તો બેરોજગારી તેમનું મુકદ્દર બનશે. ટૂંકમાં, વસ્તી આ કેસમાં બૂમરેંગ સાબિત થાય છે. સરેરાશ જોઇએ તો, વિકસિત દેશો જો વસ્તી ઓછી કરે તો તેમના વિકાસને બરકરાર રાખવા માટે યુવાનોની ખોટ પડે છે અને વિકાસશીલ દેશો જો વસ્તી વધારે તો તેમને બેરોજગારીનો સામનો કરવો પડે. મતલબ, આ તલવારની ધાર ઉપર ચાલવા જેવી સ્થિતિ છે. આ વિશે વધુ વાત આગળ કરતા રહીશું.






No comments:
Post a Comment