2050 સુધી રેતી લગભગ ખતમ થઇ જશે. આ કથન એક રિસર્ચ પેપરનું છે. જે ગતિએ આપણે રેતી ખનન કરી બાંધકામોનું નિર્માણ કરી રહ્યાં છે, તે ઉપરથી કહી શકાય કે રેતી અમુક સમય પછી અપ્રાપ્ય હશે. રેતીની ગેરહાજરી ઘણી અન્ય મુશ્કેલીઓનું પણ સર્જન કરશે. કઇરીતે? ચાલો જોઇએ...
-
United Nations Environment
Programme(UNEP) નું કહેવું છે કે લગભગ 50 અબજ મેટ્રિક ટન રેતી હરવર્ષ દુનિયાભર માંથી ખોદકામ કરી બહાર કઢાય છે. આને આ રીતે સમજો કે, પાણી પછી જે સૌથી મોટું સંસાધન માનવી દ્વારા ઉપયોગમાં લેવાઇ રહ્યું છે તે રેતી છે(રિપોર્ટની લિંક નીચે મૌજૂદ છે). ચાઇના અત્યારે દુનિયાનું સૌથી મોટું રેતીનું વપરાશકર્તા છે. તેણે 2011 થી 2013 દરમિયાન લગભગ 6 ગીગાટન રેતી વાપરી નાંખી. રેતીનું માર્કેટ લગભગ 100 બિલિયન ડોલરથી વધુ છે અને ટૂંક સમયમાં જ તે 785 બિલિયન ડોલરને ક્રોસ કરી શકે છે. આજ કારણે આ ઉદ્યોગમાં ઘણાં માફીયાઓ આવી ચૂક્યાં છે.
https://www.sciencedirect.com/science/article/pii/S0048969722029746
આપણને ઘડીક વિચાર આવે કે રેતી તો નદી અને દરિયાકાંઠે અઢળક મૌજૂદ છે, તો પછી ચિંતા કરવાની શું જરૂર? આ માટે સમગ્ર પ્રક્રિયાને સૌપ્રથમ સમજી લઇએ. રેતી....નદી અને સમુદ્રમાં પહાડો ઉપરથી આવે છે. પહાડો ઉપર જ્યારે વર્ષા અથવા બરફવર્ષા થાય ત્યારે ખડકોનું ધોવાણ થાય છે. પરિણામે ખડકો તૂટે છે અને ઝરણાં-નદી મારફતે ઘસારા અને આપસમાં ટકરાઇ-ટકરાઇને અંતે રેતીમાં રૂપાંતરિત પામે છે.
-
રેતી ફક્ત બાંધકામમાં જ નથી વપરાતી બલ્કે સોલર પેનલ, ઘડીયાળ, ઇલેક્ટ્રોનિક ચિપ બનાવવા માટે પણ વપરાય છે. તેથી દિવસે દિવસે તેનો વપરાશ ખુબજ વધી રહ્યો છે. સામે છેડે તેનું નિર્માણ મર્યાદિત છે(supply અને demand ની તુલના માટે જુઓ નીચેની ઇમેજ). યાદરહે અહીં આપણે નદી અને સમુદ્રની રેતીની વાત કરી રહ્યાં છીએ, રણની રેતીની નહીં. દરિયાકાંઠાની રેતીના ખનનના પરિણામે ત્યાંના બીચ પણ ધીમેધીમે નષ્ટ થઇ રહ્યાં છે. ફળસ્વરૂપ મનુષ્યોનો ધસારો પણ ઓછો થશે. ત્યાંની વનસ્પતિઓ, જાનવર, જીવ-જંતુઓ પણ નષ્ટ થઇ રહ્યાં છે. ટૂંકમાં એક આખી ઇકોસિસ્ટમને અસર થઇ રહી છે. જરા વિચારો! જો આ રેતી આવનારા પચ્ચીસ-ત્રીસ વર્ષની અંદર ખતમ થઇ ગઇ, તો આવનાર પેઢી શું કરશે?

No comments:
Post a Comment