Wednesday, April 17, 2024

ડોક્ટર અને દર્દી

 



 

બધા નહીં પરંતુ મોટા ભાગના દર્દીઓ બે ટેગ લઇને ફરે છે....ભંગાર ડોક્ટર અને સારો ડોક્ટર. ઘણી બાબતોમાં સમાન હોવા છતાં દરેક શરીર યૂનીક હોય છે. તેવી રીતે દરેક રોગ પ્રત્યે તેની પ્રતિક્રિયા પણ અલગ હોય છે. તેથી દર્દીના સ્થળ, સમય, રોગ, ઉંમર, ખામી, અશુદ્ધિઓ વગેરેને ધ્યાનમાં લઈને સારવાર આપવામાં આવે છે. પરંતુ!! નામ ભલે પેશન્ટ હોય ​​છતાં પેશન્સ(ધીરજ) તેઓમાં બિલકુલ હોતી નથી. દરેક વ્યક્તિ ફટાફટ સ્વસ્થ થવા માંગે છે.

-

તેઓ ક્રોનોલોજી સમજતા નથી કે, જ્યારે રોગનું માત્ર અંકુર ફૂટ્યું હતું ત્યારે તેને ઉખેડવું સરળ હતું. હવે આટલા સમય/વર્ષો પછી જ્યારે તે વૃક્ષ બની ગયું છે, ત્યારે તે ફટાફટ કેવી રીતે મટશે? રીતે દરેક રોગ બહારના જંતુઓથી નથી થતો. કેટલીકવાર આપણું શરીર પોતે આપણી વિરુદ્ધ થઈ જાય છે, જેમ કે...ઘણાં autoimmune diseases, મોટાભાગની એલર્જી, intolerance કેસ. વધુમાં, અમુક ઉંમર અને રોગપ્રતિકારક શક્તિ, અમુક આપણી પોતાની કરતૂતો, જાણવા છતાં નશાકારક વ્યસનો, જંક ફૂડ અને બિનઆરોગ્યપ્રદ આહાર, તણાવપૂર્ણ દિનચર્યા, આનુવંશિક, પર્યાવરણ, પ્રદૂષણ વગેરે.

-

સ્વાભાવિક છે આવી સ્થિતિમાં સારવારથી, કેટલાક રોગોના લક્ષણોમાં ઝડપથી રાહત થતી લાગે છે અને કેટલાકમાં તે સમય લે છે. બીમારીનો પોતાનો એક કોર્સ હોય છે. ચેપ, ઇન્ક્યુબેશન, પ્રોડ્રોમ, લક્ષણોનું વધવું-ઘટવું, રિકવરી વગેરે. દવાઓની અસર થવામાં પણ સમય લાગે છે. શરદી અને તાવ સહિતની તીવ્ર બીમારી(લક્ષણ) માં પણ સાજા થવામાં 5-10 દિવસ લાગી જતાં હોય છે અને દરમિયાન લોકો ડૉક્ટર બદલી નાંખે છે. આવી પરિસ્થિતિમાં, ખાસ કરીને ટાઈફોઈડ/કમળો જેવા રોગોના કિસ્સામાં ઘણીવાર બિચારા પ્રથમ ડૉક્ટર ઉપર "ભંગાર" નો ટેગ લાગી જાય છે.

-

અંતે 5-7 દિવસ પછી જે બીજો ડૉક્ટર મળે છે તેને આપોઆપ "સારા" ડોક્ટરનો ટેગ મળી જાય છે. જો કે આમાં ડોક્ટરની પણ ભૂલ છે. તેઓ ક્યાં તો રોગ વિશે કંઈપણ કહેવા અથવા સમજાવવાને પોતાના શાન ની વિરુદ્ધ માને છે અથવા તેને જરૂરી માનતા નથી અથવા તેમની પાસે એટલો સમય નથી. પરિણામે તેઓ ફક્ત દવાઓ લખીને તેમના કર્તવ્યની ઇતિશ્રી કરે છે. જ્યારે દર્દીને વિશ્વાસમાં લઇને સમજાવવામાં આવે કે, શું થયું છે? ઠીક થતાં કેટલા દિવસ લાગશે? શા માટે લાગશે? ત્યારે દર્દી ડોક્ટર બદલી નાખે છે.

-

જ્યારે લાંબી માંદગીનો દર્દી લાંબી સારવાર દરમિયાન નિયમિતપણે સૂચનાઓનું પાલન કરે છે અને નિયત સમયે ફોલો-અપ માટે આવે છે, ત્યારે સારવારમાં સગવડતા રહે છે. દુઃખ-તકલીફોના સમયે દરેક વ્યક્તિ ભગવાન પછી ડોકટરોને યાદ કરે છે પરંતુ કેસ બગડે કે કોઈ ફાયદો થાય તો ડૉક્ટરને ચોર, લૂંટારા અને ડાકુ ચીતરી દેવામાં આવે છે(અલબત્ત એવા જૂજ ડોક્ટર પણ હોય છે પરંતુ તે અલગ ચર્ચાનો વિષય છે. અહીં પોષ્ટ એક અલગ દ્રષ્ટિકોણથી છે). એવો કોઇ દર્દી જોયો, જેણે સ્વસ્થ થઇ ગયા બાદ ડોક્ટરને ફીડ બેક આપ્યો હોય? યાદરહે, ફીડ બેક ડોક્ટર માટે અત્યંત જરૂરી છે કેમકે સારવાર ત્યારે પૂર્ણ થઇ કહેવાય. ટૂંકમાં અહીં તકેદારી બંન્ને પક્ષે રાખવાની છે.

 


No comments:

Post a Comment