Saturday, April 6, 2024

Shading Technology

 




 

શહેરોને આપણે ઠંડા કઇરીતે રાખી શકીએ? તે અંતર્ગત અગાઉ આપણે Albedo વિશે ચર્ચા કરી હતી. બિલકુલ આજ ટોપિકના નિવારણ માટે ઇઝરાયેલમાં એક પ્રતિયોગિતા યોજવામાં આવી તેમાં ઘણી કંપનીઓએ ભાગ લીધો. જેમાં તદ્દન નવી ટેકનોલોજી સાથે એક કંપની વિજેતા જાહેર થઇ. તે કંપનીને International Women4Climate એવોર્ડ એનાયત કરાયો. તે કંપનીનું નામ Lumiweave છે. કંપની ઇઝરાયેલનું એક સ્ટાર્ટ અપ છે અને તેની ડિઝાઇનર છે Anai Green.

-

કંપનીએ એવી છત ડિઝાઇન કરી જે દિવસે છાંયડો અને રાત્રે પ્રકાશ આપે છે(તે પણ જરૂરિયાત અનુસાર). કંપનીએ જણાવ્યું કે, જેમ પ્રકાશની તીવ્રતા હોય છે બિલકુલ એજ પ્રમાણે પડછાયા(છાંયડા)ની પણ તીવ્રતા હોય છે. અર્થાત જેમ પ્રકાશને ઝાંખો અને તેજસ્વી કરી શકાય તેમ છાંયડાને પણ હળવો અને ઘાટ્ટો કરી શકાય. મતલબ છત કેવળ પ્રકાશની તીવ્રતાને નિયંત્રિત નથી કરતી બલ્કે છાંયડાની તીવ્રતાને પણ નિયંત્રિત કરે છે. હવે તેમની ડિઝાઇનની ખાસિયત જોઇએ.

-

તેમની છતમાં કપડાં(fabric)ના ચાર આવરણો(layers) છે. દરેકનું કાર્ય અલગ-અલગ છે. ઉપરી આવરણ OPV(Organic Photo Voltaic) નું બનેલ છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવા તેને ultraviolet resistant વડે કવર કરવામાં આવ્યું છે. તેમાં કોપર વડે પ્રિન્ટીંગ કરવામાં આવ્યું છે. અર્થાત તે એક સર્કિટ બોર્ડ જેવું છે. ટૂંકમાં સૂર્યપ્રકાશને વીજળીમાં રૂપાંતર કરી, તે વીજળીને કોપર પ્રિન્ટીંગની સહાયતાથી છતમાં લાગેલ LED બોર્ડ સુધી પહોંચાડવામાં આવે છે જે રાત્રે પ્રકાશ આપે છે.

-

સામાન્યપણે વીજળીના થાંભલાઓ સ્થિર હોય છે. તેમનો પ્રકાશ પણ એક ખાસ વિસ્તાર પુરતો સીમિત રહે છે. શું પ્રકાશને આપણે ઓછો-વધુ કરી શકીએ? શું તેની દિશા બદલી શકીએ, મતલબ જે જગ્યાએ વધુ પ્રકાશની જરૂર હોય ત્યાં વધુ પ્રકાશ પહોંચે અને જ્યાં ઓછા પ્રકાશની જરૂર હોય ત્યાં ઓછો પ્રકાશ પહોંચે? નથી કરી શકતાં. પરંતુ!! છત આપણને સઘળી સુવિધા પૂરી પાડશે. દિવસે જો તમને એમ લાગે કે છાંયડાની માત્રા વધઘટ કરવી છે, તો તે પણ છત કરી આપશે.

-

ઉદાહરણ તરીકે...ઉનાળામાં ગરમી વધુ હોવાથી જો તમને એમ લાગે કે મારે સંપૂર્ણ છાંયડો જોઇએ, તો તમે તેમ કરી શકશો અને શિયાળામાં ઠંડી વધુ હોવાથી જો તમને એમ લાગે કે મારે છાંયડા સાથે થોડો તડકો પણ જોઇએ, તો છત છાંયડાની તીવ્રતા ઘટાડી તેમાં થોડો પ્રકાશ ભેળવી દેશે. તીવ્રતા કેટલી ઘટાડવી/વધારવી તેનું પ્રોગ્રામિંગ પણ કરી શકાશે. છે ને કમાલની ટેકનોલોજી!! છત zero emission છે અર્થાત તે સૂર્ય વડે ઉર્જા મેળવે છે, તેને કોઇપણ પ્રકારની ઉર્જા આપવાની જરૂર નથી.

-

છતની ત્રણ વર્ષની વોરંટી છે. ઇઝરાયેલમાં ઠેરઠેર આવી છતો હવે નજરે ચઢે છે. છત ખુબજ flexible છે. પિકનિકમાં, કોઇક સભામાં, કોઇ ઉત્સવમાં ટૂંકમાં તમે ગમે ત્યાં આને લઇ જઇ શકો છો. તેમના ભવિષ્યના પ્રોજેક્ટ કેવા છે? નીચેની લિંકમાં તેનો પ્રોટોટાઇપ આપ જોઇ શકશો.

 

https://mic.org.il/en/solutions/lumiweave-2/

 


No comments:

Post a Comment