ભારતમાં જ્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઉભરી રહ્યું હતું ત્યારે ટ્રેડ યુનિયનની ચળવળો પણ ઉભરી રહી હતી. તેથી જ કામદારોના અધિકારોના રક્ષણ માટે જે થોડા શ્રમ કાયદાઓ બનાવવામાં આવ્યા હતા તે, જે તે સમયગાળા દરમિયાન થયેલા ટ્રેડ યુનિયન ચળવળોનું પરિણામ હતું. પરંતુ!! જ્યારે સર્વિસ સેક્ટર, આઈટી સેક્ટર, બેન્કિંગ અને ફાયનાન્સિયલ સેક્ટરના નવ-ઉદારવાદના ઉદયનો યુગ આવ્યો ત્યારે તે, ટ્રેડ યુનિયન ચળવળોની હાર અને હતાશાનો યુગ હતો. આ ક્ષેત્રોના કામદારો(કર્મચારીઓ)માં વર્ગ ચેતનાનો તીવ્ર અભાવ હતો.
-
તેમની સામાજિક સુરક્ષાની સ્થિતિ ભૂતકાળમાં સંગઠિત ઉત્પાદન ક્ષેત્રમાં કામ કરતા કામદારો કરતાં ઘણી વખત ખરાબ હોય છે. પગાર ભલે તેમના કરતાં વધારે હોય, પરંતુ "હાયર એન્ડ ફાયર" ની તલવાર હંમેશા તેમના માથે લટકતી રહે છે. યુનિયનબદ્ધ ન હોવાને કારણે તેઓ તેમના મૂળભૂત અધિકારો બાબતે સભાન પણ નથી હોતાં. ઉદાહરણ તરીકે...ટાટા જેટલી સરળતાથી TCS ના કર્મચારીઓને છૂટા કરી શકે છે, તેટલી આસાનીથી ટાટા સ્ટીલના કાયમી કર્મચારીઓની છટણી નથી કરી શકતું.
-
નવઉદારવાદના "અચ્છે દિન" માં, તેમને માત્ર થોડા સારા પગારની રેવડી આપીને ખુશ કરવામાં આવ્યા અને ખૂબ જ સસ્તા દરે તેમને સિસ્ટમના વફાદાર નોકર બનાવવામાં આવ્યા. “ગ્રેટ ઈન્ડિયન આઈટી ડ્રીમ”ના નામે એક સપનું વેચાયું હતું, જેમાં કામદારોના મૂળભૂત અધિકારોની પણ કોઈ ગેરેંટી નહોતી, બસ તે સમયના બ્લુ કોલર કામદારો કરતાં થોડા બહેતર વેતનની લાંચ હતી.
-
આવી સ્થિતિમાં, આ સેક્ટરોમાં કામદાર વર્ગમાંથી એક એવા ઉચ્ચ વર્ગનો જન્મ થયો, જે પોતાને કામદાર પણ માનતો ન હતો. બાકીના કામદારોને ધિક્કારતો હતો અને તેમના અધિકારોની નગ્ન લૂંટની નીતિઓનો ચીયરલીડર હતો. તેને "યુનિયન" શબ્દથી નફરત હતી, તે તેના શોષણકારી માલિકને પોતાના સાથી કામદારો કરતા વધુ સગો માનતો હતો. તેથી ધીમે ધીમે કાયમી નિમણૂકોની સંખ્યામાં ઘટાડો થતો ગયો અને પાછલા બારણે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પર કામ કરાવીને માલિકો જૂના સંગઠિત ક્ષેત્રના કામદારોના અધિકારો છીનવતા રહ્યાં. ફળસ્વરૂપ મોટા એકમો પણ કામદારોને ઇચ્છા હોય ત્યારે રાખતા અને ઇચ્છા ન હોય ત્યારે દૂર કરતા.
-
Bosch કંપનીએ બેંગ્લોર નજીક ડોડાબાલાપુરમાં તેનું ઇલેક્ટ્રોનિક્સ યુનિટ ખોલ્યું, થોડા મહિનાઓ પુરતુ ઉત્પાદન થયું, પછી અચાનક ઉત્પાદન બંધ કરી દીધું અને બધા કર્મચારીઓને પાણીચું પકડાવી દીધું. પછી ચાર મહિના પછી, ઉત્પાદન ફરીથી શરૂ થયું, તદ્દન નવા વર્કફોર્સ સાથે. રિલાયન્સ જિયોએ પણ તેના લોન્ચિંગના શરૂઆતના દિવસોમાં કંઈક આવું જ કર્યું હતું. હવે આ પ્રક્રિયા એકદમ સામાન્ય બની ગઈ છે.
-
ઈકોનોમિક ટાઈમ્સનો અહેવાલ ફેબ્રુઆરીમાં આવ્યો હતો કે આઈટી સેક્ટરમાં કેમ્પસ હાયરિંગ હવે વીસ વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે અને આ વર્ષે પાસ થયેલા દેશભરના 15 લાખ ફ્રેશર્સમાંથી માત્ર 1.2 લાખને જ નોકરી મળશે. પ્લેસમેન્ટનો આ અભૂતપૂર્વ અભાવ કંપનીઓને ન્યૂનતમ પગારમાં પણ ભરતી કરવાની સ્વતંત્રતા આપશે. ટૂંકમાં, વાત ફરી ત્યાંજ આવી ગઇ કે, જે મોટા પગારની રેવડીની લાલચ દેખાડી આ સેક્ટર મજૂર અધિકારોના કબ્રસ્તાન પર ઊભું હતું, તે રેવડી પણ હવે તેમનાથી છીનવાઈ જવાની તીવ્ર પ્રક્રિયામાં છે.
(શ્રવણ યાદવ દ્વારા)
No comments:
Post a Comment