Saturday, December 23, 2023

XPOSAT

 


 

આપણાં બ્રહ્માંડમાં ઘણી એવી અજીબોગરીબ ઘટના/વસ્તુઓ છે, જેને આપણે સંપૂર્ણપણે જાણતા નથી. અગર બ્લેકહોલની વાત કરીએ તો, તેની પાસે જઇને આપણે પરત ફરી નથી શકતા(અર્થાત રિટર્ન ટિકિટ વગરની મુસાફરી) જો તેના ઇવેન્ટ હોરાઇઝન એટલેકે એક ન્યૂનતમ અંતરને પાર કરી ગયા તો!! છતાં બ્લેકહોલનું અધ્યયન આપણે કરી શકીએ છીએ કેમકે બ્લેકહોલ ઘણું બધું એવું કરે છે જેના કારણે તેની માહિતી આપણાં સુધી પહોંચી જાય છે. આવી માહિતીને ગ્રહણ કરવા હેતુ ઇસરોએ પોતાની એક સેટેલાઇટ બનાવી છે જેનું નામ છે....XPOSAT(X-ray Polarimeter Satellite) કે જે 28 ડિસેમ્બર 2023 ના રોજ લોન્ચ થવા જઇ રહ્યું છે.

-

માની લો એક તારો છે જે આપણા સૂર્ય કરતા ભારે છે અને સંકોચન પામતો/પતન થતો ઘણા નાના કદનો થઇ ગયો. કેટલો? તેને નાસાની એક ઇમેજ દ્વારા સમજીએ(જુઓ નીચેની ઇમેજ). જેમાં નાસા કહે છે કે, જો એક એવો તારો...જેનો વ્યાસ(diameter) કેવળ 15 થી 30 કિલોમીટર હોય અને જેનું દળ આપણા સૂર્ય કરતા લગભગ ત્રણ ગણું છે, તો તેની ઘનતા(density) એટલી થઇ જશે કે.....તેમાં રહેલ પદાર્થમાંથી જો ફક્ત એક ચમચી પદાર્થને લેવામાં આવે તો, તેનું વજન લગભગ ચાર અબજ ટન હશે. જેને આપણે ન્યુટ્રોન સ્ટાર કહીએ છીએ.



-

ન્યૂટ્રોન સ્ટારના પણ અલગ-અલગ variant(પ્રકારો) હોય છે. એક ન્યૂટ્રોન સ્ટાર એવો હોય છે જે ખુબ અધિક માત્રામાં magnetic field છોડતો હોય છે. અધિક માત્રા એટલે કેટલી? પૃથ્વીની જે magnetic field છે તેનાથી એક હજાર અબજ ગણી વધારે અને તેને magnetar કહે છે. બીજો ન્યૂટ્રોન સ્ટાર એવો હોય છે જે ખુબ ઝડપથી તો ફરતો હોય છે પરંતુ તેના ધ્રુવો ઉપરથી રેડિયેશન નીકળતું હોય છે. રેડિયેશન આપણને એક ચોક્કસ સમયગાળામાં મળે છે. આને એવી રીતે માનો જાણે દૂરથી આપણને કોઇક અમુક નિર્ધારિત સમયાંતરે સિગ્નલ આપી રહ્યું હોય અર્થાત કોઇ pulse આવી રહ્યાં છે. તેથી તેને pulsar કહેવામાં આવે છે. હવે બંન્ને સ્ટારને સંયુક્ત કરી લઇએ તો બને છે એક નવીન સ્ટાર જેને magnetar+pulsar કહે છે. પ્રકારના તારાઓમાંથી નીકળતા રેડિયેશનોનો પણ તાગ મેળવવા ઇસરો XPOSAT અંતરિક્ષમાં મોકલી રહ્યું છે.

-

હવે આગળ વધીએ...માની લો એક અતિ વિશાળકાય/જાયન્ટ બ્લેક હોલ(supermassive black hole) છે જે એક ગેલેક્ષીના કેન્દ્રમાં મૌજૂદ છે(સામાન્યપણે લગભગ હર ગેલેક્ષીના કેન્દ્રમાં તે મૌજૂદ હોય છે) અને તેની આસપાસ સદભાગ્યે વિશાળકાય ગેસના વાદળો મૌજૂદ છે. તો તે વાદળોને આરોગવાનું શરૂ કરશે(કેમકે વાદળો પણ પદાર્થ છે અને બ્લેકહોલ હર આસપાસના પદાર્થને ઓહિયા કરી જાય છે). આવા બ્લેકહોલને આપણે Quasar પણ કહીએ છીએ અને આવા બ્લેક હોલ જે પણ ગેલેક્ષીમાં મૌજૂદ હોય, તે ગેલેક્ષીને આપણે active galaxy કહીએ છીએ.

-

ટૂંકમાં કેન્દ્રમાં મૌજૂદ વિશાળકાય દાનવ આસપાસના પદાર્થને ખાઇ રહ્યો છે અને જ્યારે તે આવું કરે છે ત્યારે તે એટલી બધી ઉર્જા મુક્ત કરે છે કે, આજુબાજુની ગેલેક્ષીઓ તેની ચકાચૌંધ રોશનીમાં ખોવાઇ જાય છે. આને સમજવા માટે પણ સેટેલાઇટ જરૂરી છે. હવે એક અન્ય ઘટનાને જોઇએ...

-

માનીલો એક તારો મહા-ધડાકા સાથે મૃત્યુ પામી રહ્યો છે જેને supernova explosion કહે છે. હવે જ્યારે supernova explosion થાય છે ત્યારે બની શકે તે તારો ન્યૂટ્રોન સ્ટારમાં પણ પરિવર્તિત પામે અથવા બ્લેક હોલમાં પણ. ટૂંકમાં આખરી અંજામ જે આવે તે પરંતુ ઘટના દરમિયાન પણ અઢળક ઉર્જા મુક્ત પામે છે જેને પણ XPOSAT વાંચશે. આવા રેડિયેશનોના અધ્યયન હેતુ સ્પેસમાં સેટેલાઇટ મોકલનાર ભારત બીજું રાષ્ટ્ર છે, પ્રથમ છે અમેરિકા.

 


No comments:

Post a Comment