શું ઉત્ક્રાંતિની કોઇ સાબિતી મનુષ્યોમાં જોવા મળે છે? જી બિલકુલ, ઘણાં ઉદાહરણો છે. ફિલહાલ આપણે ત્રણ દ્રષ્ટાંતો જોઇએ કે કેવીરીતે મનુષ્યોએ પોતાને કેવળ કેટલાંક હજાર વર્ષમાં જ બદલી નાંખ્યાં.
-
(1) તિબેટના ઉચ્ચપ્રદેશો 3700 થી લઇને 6000 મીટર જેટલાં દરિયાઇ સપાટીથી ઉંચા છે(લગભગ 18000 ફૂટ જેટલાં). તમને જાણીને નવાઇ લાગશે કે આટલી ઉંચાઇએ પણ માનવવસ્તીઓ મૌજૂદ છે. આટલી ઉંચાઇએ ઓક્સિજનનું પ્રમાણ 40% જેટલું ઓછું હોય છે. કેમકે હવાનું દબાણ ખુબ ઓછું હોય છે. તેમજ સૂર્યમાંથી આવતું ultraviolet radiation લગભગ 30% જેટલું વધુ હોય છે. આવી વિષમ પરિસ્થિતિમાં મનુષ્યોનું જીવવું ખુબજ કઠીન છે. છતાં લોકો અહીં વર્ષોથી રહે છે. તો અહીંના લોકોમાં એવી તે શું ખાસિયતો છે કે તેઓ આરામથી શ્વાસ પણ લઇ શકે છે અને રેડિયેશનનો પ્રતિકાર પણ કરી શકે છે?
-
રેડિયેશનથી રક્ષણ તેમને તેમની ચામડીનો રંગ આપે છે, કે જે ધીમેધીમે ઘાટ્ટો થઇ રહ્યો છે અને ઓક્સિજનની અછત સામે તેમને રક્ષણ આપે છે...તેમના ફેફસાં. આ બાબતે ફક્ત તિબેટિયન લોકો ઉપર જ નહીં બલ્કે નેપાળી લોકો ઉપર પણ ઘણું રિસર્ચ કરવામાં આવ્યું. કેમકે નેપાળીઓ ખુબ સારા પર્વતારોહકો હોય છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે સમયની સાથે વાતાવરણને અનુરૂપ તેમના શરીરે પોતાનામાં બદલાવ લાવ્યો. તેમના ફેફસાં મોટા થઇ ગયાં. તેમના ફેફસામાં ઓક્સિજનને diffuse કરવાની જે ક્ષમતા છે તે સામાન્ય મનુષ્યોની તુલનાએ ખુબજ વધુ છે. તેઓના ફેફસાંની કાર્યત્મકતા પણ ઘણી સારી છે.
-
(2) આપણે જાણીએ છીએ કે આર્સેનિક(arsenic) એક ઝેર છે. આ તત્વ ધરતીમાં મૌજૂદ હોય છે. જમીનમાંથી આવતા પાણી દ્વારા તે ધીમેધીમે શરીરમાં પ્રવેશતું હોય છે. આર્સેનિક એક મર્યાદિત માત્રામાં જ પાણીમાં મૌજૂદ હોય છે. તેની માત્રામાં નજીવો વધારો શરીરમાં વિવિધ આડઅસરો જન્માવે છે અને આપણને બીમાર કરે છે(જુઓ નીચેની ઇમેજ). પરંતુ!! આવું પેરૂ દેશના લોકોમાં જોવા નથી મળતું. પેરૂમાં એક મોટું રણ છે જેનું નામ છે Atacama Desert. આ રણમાં ખુબ વધુ પ્રમાણમાં આર્સેનિક મૌજૂદ છે. કેટલું? સ્વીકાર્ય માત્રા કરતા વીસ ગણું વધુ. નવાઇની વાત છે કે લોકો ત્યાં વસેલા પણ છે. આર્સેનિકની આટલી બધી માત્રા હોવા છતાં ત્યાંના લોકો કઇરીતે પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યા છે?
-
રિસર્ચમાં જાણવા મળ્યું કે ધીમેધીમે ત્યાંના લોકોના શરીરે અનુકુલન સાધી લીધું. તેમનું શરીર વધારાના આર્સેનિકને કિડનીની મદદથી મૂત્ર દ્વારા નિકાલ કરી નાંખે છે. સામાન્ય માણસોમાં આવું નથી બનતું પરંતુ ત્યાંના રહીશોમાં બને છે. કેમકે તેમના લિવર અને કિડનીમાં બદલાવ આવ્યો. તેમની ઉપર રિસર્ચ કરનાર સ્વિડનના વૈજ્ઞાનિક Mattias Jakobsson એ જણાવ્યું કે, જ્યારે તેમના લોહી તથા પેશાબના નમૂના લઇ બાદમાં તેમના DNA નું પરિક્ષણ કરવામાં આવ્યું તો ખબર પડી કે તેઓના DNA માં સમય સાથે ફેરફાર થયો. તેઓના દસમાં નંબરના ક્રોમોઝોમ(chromosome-10) ના જીન જેનું નામ છે...AS3MT...બદલાઇ ચૂક્યૂં હતું. જેના કારણે તેઓનું શરીર આર્સેનિકનો નિકાલ કરી શકતું હતું. ત્યાંના રહીશોના 70% લોકોના જીન બદલાઇ ચૂક્યા હતાં.
-
(3) ફિલિપાઇન્સ, મલેશિયા અને ઇન્ડોનેશિયામાં વસતા એક ખાસ કબીલાના લોકો છે. જેને Bajau કહે છે(જુઓ નીચેની ઇમેજ-1,2,). તેઓ હાઉસબોટ ઉપર જ રહે છે. તેઓની એક ખાસિયત છે કે તેઓ સમુદ્રોમાં ઉંડે સુધી ડુબકી મારી તેના પેટાળમાં ચાલે છે અને માછલીઓ પકડે છે(જુઓ નીચેની ઇમેજ-3,4). પરંતુ!! સૌથી હેરાનપૂર્ણ વાત એ છે કે ત્યાંનો એક સરેરાશ તાલીમ પામેલ વ્યક્તિ પાણીમાં ડુબકી મારી 13 મિનિટ સુધી પોતાનો શ્વાસ રોકી શકે છે, કે જે સામાન્ય માણસ માટે ગજા બહારની વાત છે(તેઓના નાના છોકરાઓ પણ ચાર થી પાંચ મિનિટ સુધી આરામથી શ્વાસ રોકી શકે છે). તો એવું તો શું છે તેઓમાં કે તેઓ આટલા લાંબા સમય સુધી શ્વાસ રોકી શકે છે?
-
કોપનહેગન યુનિવર્સિટિની પ્રોફેસર Melissa Ilardo એ તેમની ઉપર સંશોધન કર્યું. તેઓ જાણતા હતાં કે સમુદ્રી જીવો ઉંડે સુધી ડુબકી એટલા માટે લગાવી શકે છે કેમકે તેઓની spleen(બરોળ) ઘણી મોટી હોય છે. spleen માં ઓક્સિજનયુક્ત રક્તકણો હોય છે. એટલેકે રક્તકણો માટેનું તે એક storage/warehouse હોય છે(જુઓ નીચેની ઇમેજ). ટૂંકમાં જેટલાં ઓક્સિજનયુક્ત રક્તકણો વધારે હશે તેટલો લાંબો શ્વાસ આપણે રોકી શકીએ. માટે તેમણે અંદાજો લગાવ્યો કે બની શકે કે આ કબીલાના લોકોની spleen પણ અવશ્ય મોટી થઇ ગઇ હોવી જોઇએ. તેમણે રિસર્ચ કર્યું અને જાણ્યું કે આ લોકોની spleen સામાન્ય માણસ કરતા 50 ગણી વધી ગઇ હતી. આજ કારણ છે કે તેઓ લાંબા સમય સુધી શ્વાસને રોકી શકતાં હતાં. આવું બનવા પાછળનું કારણ શું? તે માટે જવાબદાર છે એક જીન PDE10A. આ જીનનો સબંધ spleen સાથે છે. તેમાં બદલાવ આવ્યો.
-
Duke University ના અન્ય એક વૈજ્ઞાનિક Richard Moon એ વધુમાં જણાવ્યું કે કેવળ spleen નું કદ વધવાથી આ કાર્ય નથી થઇ શકતું. જ્યારે તમે પાણીમાં ઉંડે સુધી જાઓ છો તો ત્યાં દબાણ ખુબ વધુ હોય છે. આ દબાણની સીધી અસર ફેફસાં ઉપર પડે છે. જેના કારણે ફેફસાંની નસો ફાટી શકે છે. પરંતુ!! આ લોકોને વાંધો નથી આવતો. કેમકે તેમના ફેફસાં પણ સાથેસાથે વિકસિત થયા છે.
-
આ ઉદાહરણો ઉપરથી સ્પષ્ટ થાય છે કે કઇરીતે મનુષ્યોએ પરિસ્થિતિ સાથે તાલમેલ જાળવ્યો અને પોતાનો વંશવેલો આગળ વધાર્યો. ઉત્ક્રાંતિની વધુ એક સબળ સાબિતિ.







No comments:
Post a Comment