ધારોકે તમે મંગળ ગ્રહ ઉપર એક પ્લોટ ખરીદ્યો છે અને તેમાં તમારે એક ઘર બનાવવું છે, તો શું તે ઘર બિલકુલ એવું જ હશે જેવું આપણે અહીં પૃથ્વી ઉપર બનાવીએ છીએ? જી નહીં. જેનું કારણ છે કે મંગળ ઉપર ધરતીની તુલનાએ ભિન્ન પરિસ્થિતિ છે. ત્યાં વાતાવરણ નથી, pressure ખુબ ઓછું છે, ઓક્સિજન નથી, રેડિયેશન છે કેમકે વાતાવરણ નથી, તેની ગ્રેવિટિ ખુબ ઓછી છે સાથેસાથે લઘુત્તમ અને મહત્તમ તાપમાનનો તફાવત ઘણો મોટો છે. અર્થાત રાત્રે તાપમાન ઘણું ઓછું થઇ જાય છે અને દિવસે ઘણું વધુ.
-
આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને નાસાએ લગભગ બે વર્ષ પહેલાં એક પ્રતિયોગિતા(challenge) નું આયોજન કર્યું. જેનું નામ હતું Nasa's 3D-printed habitat challenge. આ પ્રતિયોગિતા અંતર્ગત નાસાએ મોટી-મોટી કંપનીઓને નિમંત્રણ આપ્યું કે આવો અને તમારા ઘરોની ડિઝાઇન બતાવો કે જે મંગળ ઉપર રહેવા યોગ્ય હો. ઘણી કંપનીઓએ આ પ્રતિયોગિતામાં હિસ્સો લીધો પરંતુ જે કંપની સફળ રહી તેનું નામ છે AI space factory. ન્યૂયોર્ક સ્થિત આ કંપનીએ પોતાના ઘર(મોડેલ) નું નામ Marsha રાખ્યું(જુઓ મુખ્ય ઇમેજ).
-
આ ઘરને બનાવવા માટે મનુષ્યની જરૂર નથી. રોબોટ આ ઘરને આસાનીથી બનાવી શકે છે. આ ઘર બનાવવા માટે જે પદાર્થનો ઉપયોગ થશે તેનું નામ છે Basalt Rock કે જે મંગળ ઉપર પ્રચુર માત્રામાં મૌજૂદ છે. તેમાંથી Basalt fiber નું નિર્માણ કરાશે. આ fiber ખુબજ મજબૂત હોય છે. તેની મજબૂતાઇનો અંદાજો એ વાત ઉપરથી લગાવી શકો છો કે તેની મજબૂતાઇ kevlar ના બરાબર હોય છે. જેનો ઉપયોગ બુલેટપ્રુફ જેકેટ બનાવવા માટે થાય છે.
-
ફિલ્મોમાં મંગળ ઉપર ઘરોની બનાવટ જ્યારે આપણે જોઇએ છીએ તો તે ગોળાકાર/ગુંબજ જેવી રચના નજરે ચઢે છે(જુઓ નીચેની ઇમેજ-1). પરંતુ!! AI કંપનીએ ઇંડાકાર ઘરની ડિઝાઇન પસંદ કરી. જેના ઘણાં કારણો છે. જેમકે...આ ડિઝાઇનમાં પદાર્થ(material) ની ઘણી ઓછી જરૂર પડે છે, ઉંચાઇ સારી એવી મળી રહે છે(જેના કારણે દૂરની પરિસ્થિતિનું નિરિક્ષણ કરવામાં સરળતા રહે છે), આ ઘર dual shell છે. એટલેકે તેનું બાહ્ય આવરણ બે ભાગમાં બનેલું છે(જુઓ નીચેની ઇમેજ-2). બહારનું આવરણ રેડિયેશન તેમજ thermal variation ને નિયંત્રિત કરે છે. જ્યારે અંદરનું આવરણ બિલકુલ પૃથ્વી જેવું છે. આ ઘરમાં ચાર માળ છે(જુઓ નીચેની ઇમેજ-3). જેમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ હશે. ટૂંકમાં માનવીએ મંગળ ઉપર રહેવા માટેની પુરજોશમાં તૈયારી આરંભી દીધી છે.




No comments:
Post a Comment