Sunday, July 11, 2021

Steroid




જુઓ મુખ્ય ઇમેજ.....બોડી બિલ્ડરોનું આવું શરીર કઇરીતે બને છે? આપણું શરીર બેહદ જટિલ તેમજ અત્યંત બુદ્ધિશાળી તંત્ર છે. તે પોતાની રીતે એટલેકે કુદરતી રીતે કાર્ય કરતું હોય છે પરંતુ તેની કાર્યપધ્ધતિ સાથે જ્યારે છેડછાડ કરવામાં આવે ત્યારે આપણને મુખ્ય ઇમેજ જેવા પરિણામો જોવાના મળે છે. અગર આપણે વાત કરીએ muscle building ની અર્થાત સ્નાયુના કદને વધારવાની, તો આપણાં સ્નાયુનું કદ એ વાત ઉપર નિર્ભર કરે છે કે આપણને તે સ્નાયુની જરૂરિયાત શું છે? જેમકે ઉપર આપણે જોઇ ગયા તેમ આપણું શરીર અત્યંત બુધ્ધિશાળી છે, તો જ્યાંસુધી શરીરમાં તે સ્નાયુની જરૂરિયાત નહીં હોય ત્યાંસુધી શરીર તે સ્નાયુના કદને વધારશે નહીં. હવે જોઇએ કે શરીર મસલયુક્ત કઇરીતે બને છે?
-
આપણો ખોરાક શરીરમાં મુખ્યત્વે ત્રણ ભાગમાં વિભાજીત થાય છે (1) પ્રોટીન (2) ફેટ (3) કાર્બોહાઇડ્રેટ. muscle building માટે સૌથી મહત્વનું પોષક તત્વ છે....પ્રોટીન અને ત્યારબાદ કાર્બોહાઇડ્રેટ. જ્યારે તમે એકસ્ટ્રા વજન ઉઠાવો છો, તો તેનાથી તમારા muscle fiber(સ્નાયુના તંતુઓ) તૂટે છે. હવે જ્યારે તમે પ્રોટીનનો ઉપભોગ કરો છો તો તે તમારા શરીરમાં જઇને એમિનો એસિડ બની જાય છે અને તે એસિડ તમારા તૂટેલા ફાઇબરની મરમ્મત કરે છે. ક્યારે? જ્યારે તમે સૂઇ રહ્યાં હોય ત્યારે. ટૂંકમાં કસરત કરવાથી ફાઇબર તૂટે, પૌષ્ટિક આહાર તે ફાઇબરને પોષણ આપે અને સૌથી મહત્વનું ઉંઘ દરમિયાન આહાર પોષક તત્વમાં બદલાઇ તેનું સમારકામ કરે છે. પરિણામે muscle નું કદ વધી જવા પામે.
-
હવે આવે છે મહત્વનો મુદ્દો. મનુષ્યોની મસલને બનાવવાની એક મર્યાદા હોય છે. જેના કારણે એક સમય પછી આપણાં મસલ વધવાના બંધ થઇ જાય છે. જેને Muscle Plateau પણ કહેવાય છે. આ સ્થિતિમાં ઘણાં લોકો બીજો માર્ગ અપનાવે છે કે જે બિલકુલ પણ કુદરતી નથી. તે છે steroid નો સહારો. બોડી બિલ્ડીંગ માટે અગત્યનું છે Testosterone નામનો હાર્મોન. મુખ્યતવે આ પુરૂષ હાર્મોન છે. મતલબ આ હાર્મોન પુરૂષોમાં જ અધિકતર હોય છે, સ્ત્રીઓમાં ખુબજ નજીવી માત્રામાં હોય છે. કેમ? કેમકે આ હાર્મોન પુરૂષોના વૃષણો(testicles) માં બને છે અને સ્ત્રીઓને તો વૃષણો હોતા જ નથી. તમને થતું હશે કે આ steroid વિશે પોષ્ટ છે તો તેનો ઉલ્લેખ તો ક્યાંય આવ્યો જ નથી? હવે આવે છે....Anabolic Steroids એ કુત્રિમ પુરૂષ હાર્મોન Testosterone જ છે. હવે આપણાં શરીરમાં વધુ Testosterone હોય તો શું થાય?
-
વેલ, આગળ વધતાં પહેલાં એક મહત્વના મુદ્દા ઉપર નજર કરી લઇએ. જેટલાં પણ લોકો જીમ જાય છે તેઓ દિવસમાં બે કે ત્રણ વખત જ ભોજન લે છે અને હર ભોજન વખતે લગભગ 30 થી 40 ગ્રામ જેટલું પ્રોટીન લઇ લે છે. એમને લાગે છે કે વધુ પ્રોટીન લેવાથી વધુ બોડી બને છે. જી નહીં, જે પ્રોટીન તમે લ્યો છો તે તમારા શરીરમાં શોષાવું(absorb) પણ જોઇએ. આને protein synthesis કહે છે. આજ કારણ છે કે જીમના જેટલાં પણ કોચ હોય છે તેઓ આંતરે-આંતરે, થોડું-થોડું ભોજન લેવાની સલાહ આપે છે. એક ભોજનમાં પ્રોટીનની માત્રા વધુ ન હોવી જોઇએ. કેમકે તે પ્રોટીનને શરીર ગ્રહણ નથી કરી શકતું અને અંતે તે નકામુ થઇ જાય છે.
-
હવે આવીએ આપણાં સવાલ ઉપર કે શરીરમાં વધુ testosterone હોય તો શું થાય? તેનાથી આપણી ચરબીની બળવાની પ્રક્રિયા ઝડપી થઇ જશે, protein synthesis વધી જશે, સ્નાયુઓનો વૃદ્ધિદર વધી જશે. તમને થશે કે આ તો સારી વાત છે, તો આખરે steriod થી તકલીફ શું છે? વેલ, ખુબજ મોટી તકલીફ છે. એમ સમજી લો કે તમે તમારા શરીરની અંદર હાર્મોનિક ફેરફાર કરી રહ્યાં છો. જેના પરિણામો ખુબજ ખતરનાક આવી શકે છે. હાં, માન્યું કે તે તમારા બ્લડ સર્ક્યુલેશનને ખુબજ ઝડપી કરી નાંખે છે. પરિણામે વધુ રક્તનો જથ્થો તમારા મસલ ફાઇબર સુધી પહોંચે છે અને જેટલાં પણ પોષક તત્વો છે તે લોહીમાંજ મૌજૂદ હોય છે; માટે તે તમારા સ્નાયુઓને ઝડપથી recover કરી શકે છે. જેનાથી તમારા સ્નાયુઓની વૃદ્ધિ વધી જવા પામે છે પરંતુ steriod લેવાથી તમે મનુષ્યોના શરીરમાં પ્રાકૃતિક રીતે જે testosterone બની રહ્યું છે તેની માત્રાને ખલેલ પહોંચાડો છો.
-
આપણે અગાઉ જોયું એમ testosterone એ પુરૂષ હાર્મોન છે, જ્યારે estrogen એ સ્ત્રી હાર્મોન છે. એનો મતલબ એવો નથી કે પુરૂષમાં estrogen નથી હોતો અને સ્ત્રીમાં testosterone નથી હોતો. હોય છે પરંતુ ખુબજ ઓછી માત્રામાં. હવે જ્યારે કોઇ સ્ત્રી બોડી બિલ્ડીંગ માટે steroid લે છે, તેના કારણે સ્ત્રીના શરીરમાં ઘણાં ફેરફારો થવા માંડે છે. સૌથી મોટો ફેરફાર તેઓના અવાજમાં થાય છે. તેઓનો અવાજ ઓલમોસ્ટ પુરૂષ જેવો થઇ જાય છે. તેમના સ્તન સંકોચાવા માંડે છે. તેમની ચાલવાની સ્ટાઇલ બિલકુલ પુરૂષો જેવી થઇ જાય છે. તેમને માસિક આવવાનું પણ ઓછું થઇ જાય છે. તેથી તેઓ પોતાની પ્રજનન ક્ષમતા પણ ગુમાવી શકે છે. તેઓના શરીર ઉપર વાળ ઉગવા માંડે છે. ઘણાં કેસ તો એવા પણ છે કે તેઓને પુરૂષ અંગો વિકસવાના શરૂ થઇ ગયા હો(જેમકે શિશ્ન).
-
હવે વાત કરીએ કે પુરૂષો steroid લે તો શું થાય તેની. માન્યું કે steroid પુરૂષ હાર્મોન છે પરંતુ વધુ માત્રામાં લેવાથી તે પુરૂષો માટે પણ ખુબજ નુકસાનકારક છે. તેનાથી કિડની ખરાબ થઇ શકે છે, હાર્ટ એટેક આવી શકે છે અને ઘટનાસ્થળે તુરંત મૃત્યુ પણ થઇ શકે છે. જેના ઉદાહરણો પણ છે.....Rich Piana, Dallas Mccarver, Andreas Munzer, Nasser El Sonbaty. આવા ઘણાં બધા બોડી બિલ્ડરો છે જેઓ steroid ના કારણે મૃત્યુ પામ્યા છે. હવે સવાલ એ ઉભો થાય છે કે શું આપણે steroid લેવું જોઇએ? વેલ, આનો જવાબ લાંબો છે માટે વિગતવાર કોઇક અન્ય પોષ્ટમાં જોઇશું. ફિલહાલ એટલું જાણી લઇએ કે આપણું ધ્યેય શરીરને સ્વસ્થ રાખવાનું હોવું જોઇએ. જો તમને બોડી બિલ્ડીંગનો જ શોખ હોય તો તે શોખ ફક્ત એટલોજ હોવો જોઇએ કે તમે કોઇપણ કપડા પહેરો તો તે તમને સારા લાગવા જોઇએ. એક સ્વસ્થ શરીર માટે ચરબીનું પ્રમાણ પણ ખુબજ મહત્વનું છે. એક સ્ત્રીની અંદર ચરબીની ટકાવારી ઓછામાં ઓછી 21% જ્યારે પુરૂષની અંદર 14% હોવી જોઇએ.
-
છતાં જો તમારે steroid લેવું જ હોય તો સારા physician ની સલાહ લઇને જ લેવું જોઇએ અને તેનો સમયગાળો શક્ય તેટલો ઓછો રાખવો જોઇએ. જો બહુજ જરૂરી ના હોય અથવા તો તે તમારા વ્યવસાય સંબંધિત ન હો, તો સલાહ છે કે આ ચીજ બિલકુલ નહીં લેવી જોઇએ. કેમકે જેટલાં પણ ઇન્ટરનેશનલ લેવલના રમતવીરો છે કે જેઓ steroid લેવાના ચક્કરમાં મૃત્યુ પામ્યા છે, તેઓએ પણ ઉચિત ડોક્ટરોની સલાહ અનુસાર જ steroid લીધું હશે. છતાં તેઓ બચી નહીં શક્યાં. માટે ઘેલછા છોડો અને આનાથી બચો.




No comments:

Post a Comment