Thursday, June 25, 2020

મનુષ્યની હેસિયત





1977 માં નાસા દ્વારા મોકલાયેલ વોયેજર-1 અંતરિક્ષમાં બ્રહ્માંડની મુક્ત સફરે નીકળી ચૂક્યુ છે. પરંતુ 14 ફેબ્રુ. 1990 વૈજ્ઞાનિક કાર્લ સાગનની સલાહ મુજબ વોયેજર-1 ને કેમેરો પાછો વાળી અબજ કિલોમીટર દૂર માનવીય દુનિયા એટલેકે પૃથ્વીની તસવીર ખેંચવા માટેનો કમાન્ડ મોકલવામાં આવ્યો. વોયેજર દ્વારા મોકલેલ છબી 640000 પિક્સેલની હતી(જુઓ ઇમેજ). ઇમેજમાં મૌજૂદ ધબ્બાને ધ્યાનથી જુઓ. તે આપણી પૃથ્વી છે. બ્રહ્માંડની વિશાળતામાં ખોવાયેલ મામૂલી ધબ્બો તે તમામ માનવોનું જન્મસ્થળ છે જેઓ ખુદને બ્રહ્માંડનું કારણ માનીને જીવે છે.
-
આજ દુનિયા છે જ્યાંના બંદાઓ એવા ખયાલી પુલાવ સાથે જીવે છે કે બ્રહ્માંડનો નિર્માતા સમય-સમયે તેમની વચ્ચે પોતાના સઘળા કામ-ધંધા છોડી જન્મ લે છે. કારણકે 100 અબજ સૂર્યો વડે ઝળહળતી આકાશગંગાના ગેરમામૂલી ખૂણે ખોવાયેલ એક મામૂલી જમીનના ટૂકડા ઉપર મૌજૂદ લંકા નામના ક્ષેત્રમાં પાપ વધી ગયા છે. આજ દુનિયા છે જ્યાંના બંદાઓ માટે સૃષ્ટિનો નિર્માતા તેમના ખાવા, પીવા, નહાવા, ધોવા, લગ્ન, છૂટાછેડા વગેરેના નિયમ બનાવવામાં પોતાની ઉર્જાનો વ્યય કરે છે. તેમજ તે નિયમોને માનવાવાળાને કાફિર કહીને તેમના સર કલમ કરવાનો હુકમ પણ સંભળાવે છે. આપણે મનુષ્યો સ્વયંને સૃષ્ટિનું કેન્દ્ર સમજી જીવીએ છીએ. આપણાં મધ્યકાલીન ધર્મશાસ્ત્રોને ઇશ્વરીય સ્ત્રોત બતાવી ઇશ્વર સાથે સીધા સંપર્ક હોવાના ગુમાનમાં રાચીએ છીએ. તસવીર બ્રહ્માંડની વિરાટતા સામે સ્વયંની લઘુતાનો અહેસાસ કરવાનો સૌથી બહેતરીન રસ્તો છે. મામૂલી ધબ્બા વિષે વૈજ્ઞાનિક કાર્લ સાગનના શબ્દો થોડા સંશોધન સાથે......

-
>>આજ ધબ્બો છે જ્યાં હરેક તે મનુષ્ય જેને તમે જાણો છો અથવા નથી જાણતાં, હર તે મનુષ્ય જે ભૂતકાળમાં પેદા થયો હતો અથવા ભવિષ્યમાં જન્મ લેશે, તે સર્વે મનુષ્યોની જીવનની કહાણી ફક્ત અને ફક્ત ધબ્બા સુધીજ સિમિત છે.
>>કોયલનો સુરીલો કંઠ, માસૂમ બાળકોની નિર્દોષ મસ્તીઓ, શિશુઓને સુવડાવતા માતાના હાલરડાઓ, આપણાં ખુશીઓનો કલરવ અને દુ:ખોના ઉંહકારા...ફક્ત અને ફક્ત દુનિયામાંજ ગુંજે છે.
>>દુનિયાના સઘળા સારા મનુષ્યો, ખરાબ મનુષ્યો, સાધુ, સંત, પાપી, ભ્રષ્ટ રાજનેતા, યુદ્ધમાં ગયેલ સૈનિકોની ઘરવાપસીની રાહ જોતી પ્રિયતમાઓ, પોતાના સંતાનોના પેટ ભરવા માટે બપોરના કાળા તડકામાં તનતોડ મહેનત કરતા માં-બાપો, રોટલીની આશાએ ભૂખ્યા સુતા ગરીબો તેમજ ગરીબોની પરસેવાની કમાણીના દમ ઉપર પોતાના આલીશાન મહેલોમાં આરામદેહ ગાદલાઓ પર સૂતા લોકો ફક્ત અને ફક્ત દુનિયામાંજ જોવા મળે છે
>>દુનિયાનું હર ગીત, હર શેર-શાયરીઓ, બિઝનેસ પ્રપોઝલ્સ, રજા માટે કરાયેલ અરજીઓ, વૈજ્ઞાનિક પુસ્તકો તેમજ ધર્મના નામે લોહીની નદી વહાવી દેતા પુસ્તકો ફક્ત અને ફક્ત દુનિયામાંજ લખાયેલ છે. યાદકરો જરા મજહબી ગેરસમજોને જેમણે ધર્મની રક્ષા અર્થે કેટલાય મનુષ્યોને જાહેરમાં જીવતા ફૂંકી માર્યા જેથી તેમની મૂર્ખતાપૂર્ણ પુસ્તકો ઉપર કોઇ આંગળી ઉઠાવી શકે. સઘળુ અહીંજ છે.
-
જ્યારે વિજ્ઞાન આપણને બતાવે છે કે આપણે....વૃક્ષો ઉપર ઉછળકૂદ કરતાં વાંદરાઓ તેમજ કીચડમાં ખદબદતાં જંતુઓ વાસ્તવમાં એકજ જૈવિક પરીવારના સદસ્યો છે; અથવા જ્યારે વિજ્ઞાન સમજાવે છે કે....આપણને, જાનવરોને, વૃક્ષોને, પહાડોને, ધૂળને, નદીઓને, સમુદ્રો વગેરે સર્વેને બનાવનાર અણુઓનું નિર્માણ, મૃત્યુ પામતા તારાઓની કોરરૂપી ભઠ્ઠીમાં થયું તો તે તમારા ઉપર નિર્ભર કરે છે કે તમે આને મનુષ્યતાની વિશેષતા ઉપર આઘાત માનો છો અથવા તમને સૃષ્ટિના કણ-કણથી લગાવ મહેસુસ કરી બધા માટે પ્રેમ, પોતાનાપણું અને બંધુત્વનો સંચાર કરવામાં સહાયરૂપ થાય છે. choice is yours!!!!


(વિજય દ્વારા)