Wednesday, January 29, 2025

વાદળ

 



 

વાદળનું નિર્માણ ઊંચાઇ ઉપર શું કામ થાય છે? તે જમીન ઉપર કેમ નથી બનતાં? શું ધુમ્મસ વાદળ છે? જો હાં, તો તે નીચે જમીન ઉપર કેમ બને છે? વેલ, વાદળ કેવીરીતે બને છે તે લગભગ બધા જાણે છે છતાં કેટલીક વસ્તુઓ એવી છે જે વાદળ બનવા માટે કારણભૂત હોવા છતાં આપણે નથી જાણતા. તો ચાલો આજે વાદળ બનવાની સંપૂર્ણ ટેકનિકલ વિગત જોઇ લઇએ.

-

માની લો આકાશમાં હવાનું એક પેકેટ મૌજૂદ છે. તે પેકેટનું humidity(ભેજ) લેવલ 50% છે. યાદરહે, અહીં humidity દરઅસલ relative(સાપેક્ષ) humidity છે એટલેકે 50% humidity ત્યાં મૌજૂદ તાપમાન ઉપર સૌથી વધુ હોઇ શકે છે. આપણે જાણીએ છીએ કે, જેમજેમ હવા ગરમ થાય તેમતેમ ઉપર ચઢે છે. ઉપર ચઢ્યા બાદ ફરી તેનું તાપમાન ઓછું થવા માંડે છે. ઠંડી હવા ગરમ હવાની તુલનાએ ઓછા ભેજને સંઘરી શકે છે. તેથી હવાના ગરમ થઇને ઊંચે ચઢવા અને ફરી તાપમાન ઘટવાના કારણે relative humidity વધવા માંડે છે. ઉપરોક્ત ઉદાહરણમાં તે 50% હતી પછી જેમજેમ ઊંચે ચઢે તેમતેમ 60, 70, 80, 90 એમ વધતી જાય છે. જ્યારે relative humidity 100% પહોંચે ત્યારે હવાનું પેકેટ વાદળનું સ્વરૂપ ધારણ કરી લે છે. તેથી વાદળનું નિર્માણ આકાશમાં ઊંચાઇ ઉપર થાય છે.  

-

હવે કલ્પના કરો કે હવા ઝડપથી ઊંચે નથી જઇ રહી અને તેનું humidity level 70% છે. સ્થિતિમાં જેવો સૂર્ય આથમશે તેમતેમ હવાનું તાપમાન ઘટતું જશે. તાપમાનના ઘટાડાના કારણે જ્યારે relative humidity 100% થઇ જાય છે ત્યારે ધુમ્મસ(fog) બને છે. ધુમ્મસમાં આપણને ઠંડીનો એહસાસ વધુ થાય છે કેમકે ત્યારે હવામાં મૌજૂદ ભેજનું પ્રમાણ 100% હોય છે. ધુમ્મસનું નિર્માણ જમીન પર થાય છે તેમજ ધુમ્મસ પણ વાદળોનો એક પ્રકાર છે.

-

હજી અમુક મુદ્દા બાકી રહે છે જેમકે...બરફના કરાનું નિર્માણ કેવીરીતે થાય છે? વાદળોના પ્રકાર કેટલાં? વગેરે. વાદળોના ઘણાં પ્રકારો છે(જુઓ નીચેની ઇમેજ) જેની વિસ્તૃત ચર્ચા ફરી ક્યારેક.

 



Wednesday, January 22, 2025

Numerology(અંકશાસ્ત્ર)

 



 

અંકશાસ્ત્ર એક સ્યુડોસાયન્સ છે જે દાવો કરે છે કે વ્યક્તિનું વ્યક્તિત્વ, ભવિષ્ય અને જીવનની ઘટનાઓ સંખ્યાઓ દ્વારા સમજી શકાય છે. અંકશાસ્ત્રમાં નામો, જન્મ તારીખો અને અન્ય સંખ્યાઓના આધારે ભવિષ્યવાણીઓ કરાય છે પરંતુ તે માત્ર સામાન્ય ધારણાઓ અને સંયોગો પર આધારિત છે જે વૈજ્ઞાનિક પરીક્ષણો દ્વારા પ્રમાણિત નથી. અંકશાસ્ત્રને મગજના કેટલાક પૂર્વગ્રહો પરથી સમજી શકાય છે.

-

(1) Barnum effect :- જેમાં લોકો વ્યક્તિના વ્યક્તિત્વ વિશેની સામાન્ય બાબતોને ભવિષ્યવાણી માની લે છે. જેમ કે તમે દરેકનું ભલું ઇચ્છો છો/ દરેક માટે કાર્ય કરો છો પણ તમને તેનો યશ મળતો નથી. (2) Texas sharpshooter fallacy :- જેમાં લોકો તેમના માટે અનુકૂળ વસ્તુઓને ધ્યાનમાં રાખે છે અને અન્યની અવગણના કરે છે. જેમકે.....તમે ક્યારેય કોઈ જ્યોતિષીય આગાહી ખોટી નીકળે તો તેની સામે કોઇને કેસ નોંધાવતા સાંભળ્યું છે? કેમકે લોકો અંદરથી જાણે છે કે જ્યોતિષ શાસ્ત્ર કામ કરતું નથી છતાં તેને વળગી રહે છે. (3) Frequency illusion :- જેમાં લોકો એક નંબરને વારંવાર જોવાનો દાવો કરે છે અને માને છે કે તેનો કોઇ વિશેષ અર્થ છે. જેમ કે મોબાઇલ, કાર અથવા ઘરના નંબરમાં કોઇ કોમન નંબર જોવો. (4) Pattern seeking :- જેમાં લોકો અસ્તવ્યસ્ત વસ્તુઓમાં પેટર્ન શોધે છે, જેમ કે અસ્પષ્ટ ફોટામાં, વાદળોમાં, દિવાલના પ્લાસ્ટરમાં વગેરે.

-

અંકશાસ્ત્રની લોકપ્રિયતાનું કારણ છે કે લોકો તેને તેમના જીવન પર નિયંત્રણ મેળવવાનું એક સાધન માને છે. લોકોને લાગે છે કે કોઇ વિશેષ નંબરને અપનાવવાથી અથવા ત્યાગવાથી ઇચ્છિત પરિણામો મળશે. અંકશાસ્ત્રને મનોરંજન તરીકે લઈ શકાય પરંતુ તેને વાસ્તવિકતા સાથે જોડવું ખોટું છે. આમાં લોકોના ડર, લોભ અને માનસિક પૂર્વગ્રહોનો લાભ લેવામાં આવે છે. તમને એવા ઘણા લોકો મળશે જેઓ અંકશાસ્ત્ર અથવા જ્યોતિષ શાસ્ત્રનું મફત કન્સલ્ટેશન આપે છે પરંતુ વાસ્તવમાં તેઓ મફત નથી આપતા હોતાં. ઘણા લોકો તેમની સટીકતા માપવા માટે તમારા પર પ્રેક્ટિસ કરે છે, ઘણા લોકો પ્રસિદ્ધિ મેળવવા માટે તો ઘણા અન્ય વ્યવસાયમાં નફા માટે આવું કરે છે.